Monday, May 6, 2024
More
    હોમપેજદેશનોકરીની લાલચ આપીને પટના લઈ ગયો, દિલ્હીની જામા મસ્જિદ પાસે કર્યું દુષ્કર્મ:...

    નોકરીની લાલચ આપીને પટના લઈ ગયો, દિલ્હીની જામા મસ્જિદ પાસે કર્યું દુષ્કર્મ: મદરેસાના મૌલવી અબ્દુલ પર સગીરા સાથે બળાત્કારનો આરોપ

    પીડિતાએ ફરિયાદમાં આરોપ લગાવતા જણાવ્યું છે કે, મૌલવી ઘણી યુવતીઓને નોકરી અપાવવાના બહાને પટના લઈ જાય છે. તેની વાતોમાં આવીને પીડિતા પણ તેની સાથે પટના જવા તૈયાર થઈ ગઈ હતી જે બાદ મૌલવી તેને દિલ્હી લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

    - Advertisement -

    બિહારના જહાનાબાદમાં એક મદરેસાના મૌલવી પર સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. સગીરાએ આરોપ લગાવ્યો છે કે, મૌલવી તેને નોકરી અપાવવા માટે મંત્રીને મળવાના બહાને પટના લઈ ગયો હતો. પટના પહોંચ્યા બાદ તેણે મંત્રી દિલ્હી હોવાનું જણાવ્યું હતું. જે બાદ સગીરાએ દિલ્હી જવાની ના પાડતા સગીરાને કોઈ નશીલી વસ્તુ ખવડાવી હતી અને દિલ્હી લઈ જઈને જામા મસ્જિદ નજીકની એક હોટેલમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો.

    અહેવાલો અનુસાર, આરોપીની ઓળખ બિહારના જહાનબાદમાં આવેલા એક મદરેસાના મૌલવી અબ્દુલ મન્નાન તરીકે થઈ છે. તે જહાનાબાદની અલ્બાનાત એકરા અકાદમીમાં મઝહબી વિષય ભણાવતો હતો. આ મામલે સગીરા અને તેની માતાએ જહાનાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ ફરિયાદમાં આરોપ લગાવતા જણાવ્યું છે કે, મૌલવી ઘણી યુવતીઓને નોકરી અપાવવાના બહાને પટના લઈ જાય છે. તેની વાતોમાં આવીને પીડિતા પણ તેની સાથે પટના જવા તૈયાર થઈ ગઈ હતી જે બાદ મૌલવી તેને દિલ્હી લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદથી આરોપી મૌલવી ફરાર છે.

    પીડિતાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

    પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું છે કે, તે 7 ડિસેમ્બરે સવારે 10 વાગ્યે કોલેજ જવા માટે નીકળી હતી. સગીરાને મૌલવીએ પહેલાં જ કહી દીધું હતું કે, નોકરી માટે પટના જવાનું છે અને ત્યાં જઈને મંત્રીને મળવાનું છે, તેથી સગીરા તમામ ડોક્યુમેન્ટ લઈને જ નીકળી હતી. તેણે વિચાર્યું કે, સાંજ સુધીમાં તે ઘરે પરત ફરી જશે, એટલા માટે તેણે તેની માતાને આ વિશે જાણ નહોતી કરી. જ્યારે તે મૌલવી સાથે પટના પહોંચી તો મૌલવીએ મંત્રી દિલ્હી હોવાનું જણાવ્યું હતું. મૌલવીએ તેને દિલ્હી જવા માટે કહ્યું પણ સગીરાએ તેનો વિરોધ કર્યો હતો.

    - Advertisement -

    જે બાદ આરોપી મૌલવીએ સગીરાને નશીલો પદાર્થ ખવડાવ્યો અને બળજબરીપૂર્વક તેને દિલ્હી લઈ ગયો હતો. જ્યાં જામા મસ્જિદ પાસેની એક હોટેલમાં મૌલવીએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું.

    પીડિતાએ IO પર પણ લગાવ્યો આરોપ

    પીડિત સગીરાએ જણાવ્યું હતું કે, તેને માત્ર ન્યાય જોઈએ છે. તેણે આરોપ લગાવ્યો કે, મૌલવી ઘણી યુવતીઓ અને સગીરાઓ સાથે આવું કૃત્ય કરી ચૂક્યો છે. તેનું કહેવું છે કે, જો આ મામલે કોઈ તપાસ ના થઈ તો તે આત્મહત્યા કરશે અને તેના જવાબદાર IO હશે. પીડિતાએ IO પર આરોપ લગાવ્યો કે, સતત 13 તારીખથી તેની પાસે જઈ રહી છે તો પણ તેઓ તેની વાત નથી સાંભળી રહ્યા. સાથે પીડિતાએ એવો આરોપ પણ લગાવ્યો કે, IO તેની વાત સાંભળતા નથી અને તેને ટોર્ચર કરી રહ્યા છે. પીડિતાના જણાવ્યા અનુસાર IOએ તેને કહ્યું હતું કે, “જો તું મેડિકલ કરાવીશ તો તારા લગ્ન નહિ થાય, કોર્ટમાં કહી દેજે કે મારી સાથે કશું નથી થયું.” જે બાદ સગીરા ડરી ગઈ હતી અને કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, તેની સાથે કઈ થયું નહોતું.

    બીજી તરફ IO સુનિલ કુમાર યાદવે સગીરાએ લગાવેલા આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે, તેણે પીડિતા પર કોઈપણ રીતનું દબાણ નથી નાખ્યું. પીડિતાએ તે પણ કહ્યું કે, આરોપી અબ્દુલ મન્નાનના પરિવારના લોકો તેને જાનથી મારી નાખવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપે છે.

    ‘અઠવાડિયા પછી પણ આરોપી નથી પકડાયો’

    પીડિતાની માતાએ જણાવ્યું કે, જહાનબાદ શહેર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપીને અબ્દુલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમણે કહ્યું, “FIR નોંધાઈ તેને પણ અઠવાડિયા ઉપરનો સમય થયો છે, તેમ છતાં મૌલવી અબ્દુલ મન્નાનની ધરપકડ કરવામાં નથી આવી. એવી અનેક યુવતીઓ છે જેની સાથે અબ્દુલે ખરાબ કૃત્યો કર્યા છે પણ તે યુવતીઓ ડરના લીધે સામે નથી આવતી, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે, તેથી તે કોઈ બીજા સાથે આવું કૃત્ય ના કરે.”

    અનુમંડલ પોલીસ અધિકારી રાજીવ કુમારે આ મામલે જણાવ્યું હતું કે, સગીરાના પરિવારે અપહરણનો કેસ પણ નોંધાવ્યો હતો. સાથે જ પરિવારજનોએ સગીરાનું મેડિકલ ચેકઅપ કરવા માટે ઈનકાર કર્યો હતો. એટલા માટે પીડતાનું મેડિકલ ચેકઅપ નથી કરવામાં આવ્યું. મેડિકલ કરાવવા માટે ફરીથી આવેદન આપવામાં આવ્યું છે. તમામ પ્રક્રિયા શરૂ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં