Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર: 18 જુલાઈએ મતદાન, 21 જુલાઈએ દેશને મળશે નવા રાષ્ટ્રપતિ:...

    રાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર: 18 જુલાઈએ મતદાન, 21 જુલાઈએ દેશને મળશે નવા રાષ્ટ્રપતિ: જાણીએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા

    ભારતના નવા રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે, ચાલો જાણીએ ભારતના રાષ્ટ્રપતી કેવી રીતે ચૂંટાય છે અને તેમના મતદારો કોણ કોણ છે.

    - Advertisement -

    ચૂંટણી પંચે ગુરુવારે (8 જૂન 2022) રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી હતી. જે માટે 18 જુલાઈના રોજ મતદાન થશે. 21મી જુલાઈએ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી માટે 15 જૂને જાહેરનામું બહાર પાડવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 29 જૂન નક્કી કરવામાં આવી છે અને 30 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 2 જુલાઈ સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે.

    ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જે લોકો પૈસા અથવા કોઈપણ પ્રકારની લાલચ આપશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ રાજકીય પક્ષ વ્હીપ જારી કરી શકશે નહીં. મતદારોએ એક, બે, ત્રણ લખીને તેમની પસંદગી જણાવવાની રહેશે. દરેકને મતદાન કરવા માટે ખાસ ઇન્ક પેન આપવામાં આવશે. પંચે કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ મતદારોની સંખ્યા 4809 છે. તેમાં લોકસભાના સાંસદો અને તમામ રાજ્ય વિધાનસભાના ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

    ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022 ના રોજ સમાપ્ત થશે. આ પહેલા દેશના આગામી અને 15મા રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. આ તબક્કે જાણીએ કે ભારતમાં રાષ્ટ્રપતિ કેવી રીતે ચૂંટાય છે, કોને મત આપે છે અને આ મતોનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય છે.

    - Advertisement -

    કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી?

    ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી સામાન્ય ચૂંટણી કરતાં ઘણી અલગ હોય છે. આ ચૂંટણીમાં ભારતના નાગરિકો પરોક્ષ રીતે ભાગ લે છે. એટલે કે જનતા દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદો આ ચૂંટણીમાં ભાગ લે છે. મતમાં ભાગ લેનાર ધારાસભ્ય અને સાંસદના મતનું મૂલ્ય અલગ-અલગ હોય છે. બંધારણના અનુચ્છેદ 54 મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણી ઈલેક્ટોરલ કોલેજ દ્વારા કરવામાં આવે છે. તેના સભ્યોનું પ્રતિનિધિત્વ પ્રમાણસર છે. એટલે કે, તેમનો એક મત ટ્રાન્સફર થાય છે, પરંતુ તેમની બીજી પસંદગીની પણ ગણતરી કરવામાં આવે છે.

    આ ચૂંટણીમાં તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો, લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાયેલા સાંસદોએ મતદાન કરે છે. જોકે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત 12 સભ્યો મતદાન કરી શકતા નથી. આ ઉપરાંત, રાજ્યોની વિધાન પરિષદના સભ્યોને પણ મત આપવાનો અધિકાર નથી, કારણ કે તેઓ લોકો દ્વારા ચૂંટાતા નથી.

    સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ શું છે

    રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન વિશેષ રીતે થાય છે. આ પ્રક્રિયામાં ભાગ લેનાર સભ્યો તમામ ઉમેદવારોમાંથી પ્રથમ તેમના મનપસંદ ઉમેદવારને મત આપે છે. એટલે કે બેલેટ પેપરમાં સભ્યો જણાવે છે કે પ્રમુખ પદ માટે તેમની પ્રથમ, બીજી અને ત્રીજી પસંદગી શું છે. જો પ્રથમ પસંદગીના મતો દ્વારા વિજેતા નક્કી ન થાય, તો મતદારની બીજી પસંદગીને ઉમેદવારના ખાતામાં નવા એક મત તરીકે ટ્રાન્સફર કરવામાં આવે છે. તેથી તેને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ કહેવામાં આવે છે.

    અગાઉ જોયું તેમ ચૂંટણી પ્રક્રિયામાં ધારાસભ્ય અને સાંસદના મતનું મૂલ્ય અલગ-અલગ હોય છે. તે દરેક ધારાસભ્ય માટે પણ અલગ હોય શકે છે અને તેનો નિર્ણય જે-તે રાજ્યની વસ્તી અને વિધાનસભા મતવિસ્તારોની સંખ્યા પર આધારિત છે. મતનું મૂલ્ય નક્કી કરવા તે રાજ્યની વસ્તીને ચૂંટાયેલા ધારાસભ્યોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે છે, ત્યારબાદ જે સંખ્યા આવે છે તેને 1000 વડે ભાગવામાં આવે છે. આ રીતે તે રાજ્યના ધારાસભ્યના એક મતનું મૂલ્ય નક્કી થાય છે. જો ભાગાકાર કર્યા પછી મેળવેલ સંખ્યા 500 થી વધુ હોય તો તેમાં 1 ઉમેરવામાં આવે છે.

    સાંસદના મતનું મૂલ્ય

    સાંસદોના મતોનું મૂલ્ય પણ અલગ છે. સૌ પ્રથમ તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના મતોનું મૂલ્ય ઉમેરવામાં આવે છે. હવે આ સામૂહિક મૂલ્યને રાજ્યસભા અને લોકસભાના ચૂંટાયેલા સભ્યોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. આ રીતે મેળવેલ સંખ્યા એ સાંસદના મતનું મૂલ્ય છે. આ ભાગાકાર બાદ શેષ 0.5 કરતા વધી જાય તો મૂલ્યમાં એકનો વધારો કરવામાં આવે છે.

    આ ઉપરાંત, રાષ્ટ્રપતિની ચૂંટણીની બીજી સૌથી મહત્વની વાત એ છે કે આ ચૂંટણીમાં સૌથી વધુ વોટ મેળવવાથી જીત નક્કી નથી થતી. રાષ્ટ્રપતિ એ જ ઉમેદવાર બની શકે છે જે સાંસદો અને ધારાસભ્યોના કુલ મતના અડધાથી વધુ મત મેળવે છે. ધારો કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઇલેક્ટોરલ કૉલેજના સભ્યોના મતોનું કુલ મૂલ્ય 10,98,882 છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ પદના કોઈ પણ ઉમેદવારને જીત મેળવવા માટે 5,49,442 મત મેળવવા પડશે. જે ઉમેદવારને આ ક્વોટા પ્રથમ મળે છે તે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં