ગઈકાલે (21 જુલાઈ 2022) રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ વિજેતા બન્યાં હતાં. મુર્મૂને 2,824 મતો મળ્યા હતા, જેનું મૂલ્ય 6,76,803 થાય છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને 1877 મતો મળ્યા હતા, જેનું મૂલ્ય 3,80,177 જેટલું થાય છે. જેથી દ્રૌપદી મુર્મૂ ભારે બહુમતીએ જીત્યાં હતાં. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ પણ થયું હતું.
દ્રૌપદી મુર્મૂને એનડીએના પક્ષો તરફથી તો મતો મળ્યા જ, પરંતુ લોકસભામાં તેમજ વિવિધ રાજ્યોની વિધાનસભામાં ક્રોસ વોટિંગ પણ થયું હતું, જેના કારણે દ્રૌપદી મુર્મૂને મળેલ મતોનો આંકડો વધ્યો હતો. દેશના રાજ્યોની વિધાનસભાના કુલ 120 ધારાસભ્યોએ મુર્મૂના પક્ષમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત, લોકસભાના 17 સાંસદો એવા હતા, જેમણે પાર્ટી લાઈનથી વિપરીત એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને મત આપ્યો હતો.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જે રાજ્યોમાં ક્રોસ વોટિંગ થયું તેમાં આસામ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન અને ગોવાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ દ્રૌપદી મુર્મૂને 10 મતો વધુ મળ્યા હતા. જ્યારે આસામમાં 22 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. મધ્યપ્રદેશમાં 19 જ્યારે મહારાષ્ટ્રમાં 16 ધારાસભ્યોએ તેમજ યુપીમાં 12 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
ઝારખંડમાં શાસક પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાએ પહેલેથી જ દ્રૌપદી મુર્મૂને સમર્થન જાહેર કર્યું હતું ત્યારે વિપક્ષના પણ 10 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત બિહાર અને છત્તીસગઢમાં પણ 6-6 વિપક્ષના ધારાસભ્યોએ મુર્મૂના પક્ષમાં મતદાન કર્યું હતું. રાજસ્થાનમાં 5 જ્યારે ગોવામાં 4 એમએલએએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
ગુજરાતમાં ભાજપ પાસે હાલ 111 ધારાસભ્યો છે. પરંતુ દ્રૌપદી મુર્મૂને રાજ્યમાંથી 121 મતો મળ્યા હતું. જેથી 10 બિન-ભાજપી ધારાસભ્યોએ પણ તેમના સમર્થનમાં મતદાન કર્યું હતું. જેમાંથી એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા પહેલેથી જ પોતે ક્રોસ વોટિંગ કર્યું હોવાનું જાહેર કરી ચૂક્યા હતા. આ ઉપરાંત, બીટીપીના મહેશ વસાવા અને છોટુ વસાવાએ પણ દ્રૌપદી મુર્મૂના પક્ષમાં મતદાન કર્યું હતું.
આ ત્રણ સિવાય બાકીના સાત ધારાસભ્યો કોંગ્રેસના હતા, જેમણે ક્રોસ વોટિંગ કર્યું હતું. કોંગ્રેસ પાસે હાલ ગૃહમાં 63 ધારાસભ્યો છે. ઉપરાંત, અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે. જેથી કુલ 64 ધારાસભ્યોના મતો હોવા જોઈએ. પરંતુ યશવંત સિન્હાના સમર્થનમાં માત્ર 57 મતો પડ્યા હતા.
અહીં એ પણ નોંધવું જોઈએ કે સ્વયં કોંગ્રેસના વિપક્ષ નેતા સુખરામ રાઠવા મતદાનના દિવસે પત્રકારો સાથે વાતચીત કરતાં કહી ચૂક્યા છે કે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉતારવા એ ભાજપનો માસ્ટરસ્ટ્રોક છે. જોકે, કયા ધારાસભ્યે ક્રોસ વોટિંગ કર્યું હતું તે જાણી શકાય તેમ નથી, કારણ કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુપ્ત મતદાન થાય છે. તેમજ આ ચૂંટણીમાં વ્હીપ પણ જારી કરી શકાતું નથી.