ભારતના સહુથી મોટા અને ધનાઢ્ય ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને વિરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ લગ્નના બંધને બંધાવા જઈ રહ્યાં છે. આ લગ્ન અગામી 12 જુલાઈ, 2024ના રોજ યોજાનાર છે. લગ્ન પહેલાં જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા પ્રિ-વેડિંગ રાખવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનને લઈને દેશ-વિદેશના અનેક લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હાલ અંબાણી પરિવારના આમંત્રિત મહેમાનોનું લિસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર આ પ્રિ-વેડિંગ સમારોહ 1થી 3 માર્ચ સુધી યોજાશે. આ આખો કાર્યક્રમ જામનગર ખાતે રિલાયન્સ ગ્રીન્સ કૉમ્પ્લેક્સ ખાતે યોજાનાર છે. કહેવામાં આવે છે કે આ કૉમ્પ્લેક્સમાં એક કરોડ જેટલાં વૃક્ષો વાવવામાં આવ્યાં છે. અહીં એશિયાની સહુથી મોટી આંબાવાડી પણ છે. આ જગ્યાએ જ અનંત અને રાધિકાનું પ્રિ-વેડિંગ રાખવામાં આવ્યું છે. આ સમારોહમાં માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સ, મેટાના CEO માર્ક ઝકરબર્ગ, બ્લેક બેરીના CEO લૈરી ફિંક, બ્લેકસ્ટોનના ચેરમેન સ્ટીફન શ્વાર્જમેન, ડિજ્નીના CEO બોબ ઇગર, મોર્ગન સ્ટેનલીના CEO ટેડ પિક સહિત અનેક લોકો સંમેલિત થશે. આ પ્રી-વેડિંગ સમારોહમાં આમંત્રિત મહેમાનોમાં વિદેશથી અનેક નામી લોકો આવવાના છે.
વાયરલ લિસ્ટમાં કોનાં નામ?
આ પ્રી-વેડિંગ સમારોહમાં આમંત્રિત મહેમાનોમાં વિદેશથી અનેક નામી લોકો આવવાના છે. આ લિસ્ટમાં બેન્ક ઑફ અમેરિકાના CEO બ્રાયન થોમસ, કતારના પ્રીમિયર મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જ્સીમ અલ થાની, એડનોકના CEO સુલતાન અહેમદ અલ ઝબેર, એલ રોથ્સચાઈલ્ડના ચરમેન ઇન ફોરેસ્ટ ડી રોથ્સ ચાઈલ્ડ, ભૂટાનનો શાહી પરિવાર, ટેક ઇન્વેસ્ટર યૂરી મિલનર, એડોબના CEO શાંતનુ નારાયણ, લૂપ સિસ્ટમના CEO જેમ્સ મ્ર્દોક્મ હિલહાઉસ કેપિટલના સંસ્થાપક ઝાંગ લેઈ, એક્સોરના CEO જોન અલ્કેન, અને બ્રૂકફિલ્ડ એસેટ મેનેજમેન્ટના CEO બ્રૂસ ફ્લેટનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે લગ્ન પહેલાં ગુજરાતી પરંપરા અનુસાર લગ્ન લખવામાં આવશે. આ વિધિમાં દેવી-દેવતાઓને કંકોત્રી અને લગ્નનું આમંત્રણ આપવામાં આવશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ, 2024ના રોજ લગ્નના બંધનમાં બંધાશે. તે પહેલાં જામનગરમાં આ ભવ્ય આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે.