પરષોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી સામે આંદોલન કરતી ક્ષત્રિય સંકલન સમિતિ સામે હવે વધુ એક ક્ષત્રિય નેતાએ નિવેદન આપ્યું છે. આંદોલન શરૂ કરનાર મહિલા નેતાઓ પૈકીનાં એક પ્રજ્ઞાબા ઝાલાએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, સંકલન સમિતિનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોય તેમ લાગે છે અને તેમનો વિરોધ માત્ર રૂપાલા પૂરતો જ સીમિત છે, ભાજપ સાથે તેમને કોઇ વાંધો નથી. ભાજપ સત્તામાં પણ આવે તેવી તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી.
ન્યૂઝ ચેનલ ‘ન્યૂઝ કેપિટલ ગુજરાત’ સાથેની વાતચીતમાં પ્રજ્ઞાબા ઝાલાએ કહ્યું કે, અમે પરષોત્તમ રૂપાલાની વિરુદ્ધ હતા. આંદોલન જ્યારથી શરૂ થયું ત્યારથી અમે તેમાં ભાગીદાર રહ્યા છીએ. અમારી અસ્મિતાનો પ્રશ્ન હતો એટલે અમે જોહરની પણ જાહેરાત કરી હતી, પરંતુ અમે સફળ ન થયાં, કારણ કે અમને ડિટેઇન કરી લેવામાં આવ્યાં હતાં.”
તેમણે આગળ કહ્યું કે, “અમારો મુદ્દો હતો માત્ર રૂપાલા, હું પહેલાં પણ કહી ચૂકી છું કે અમે ભાજપની વિરુદ્ધ નથી. આજે જો મોદીજી જશે (સત્તામાંથી) તો સૌથી વધુ મને દુઃખ થશે. કારણ કે હું ભાજપની સાથે છું. હું ભાજપની વિરુદ્ધ નથી.”
AHMEDABAD : જોહરની જાહેરાત કરનાર પ્રજ્ઞાબા ઝાલાનું NewsCapital પર મોટું નિવેદન EXCLUSIVE#NewsCapitalGujarat #JaneCheGujarat #Gujarat #Ahmedabad #Election2024 #LokSabhaElection2024 #kshatriyaagainstbjp #BJP pic.twitter.com/NeTai2n5Q3
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) May 6, 2024
સંકલન સમિતિ વિશે તેમણે કહ્યું કે, “જે રીતે તેમનાં નિવેદનો સામે આવી રહ્યાં છે તે જોઈને લાગે છે કે સમિતિ કોંગ્રેસપ્રેરિત છે. આંદોલન રૂપાલા માટે હતું. પછી રાહુલ ગાંધીએ રાજા-રજવાડાં વિશે બફાટ કર્યો. ઉમેશ મકવાણાએ ભાવનગરમાં નિવેદન આપ્યું. તો આ લોકો પાસે માફી કેમ મંગાવવામાં નથી આવતી, તેમને શા માટે અવગણવામાં આવી રહ્યા છે? તેમની તરફ કેમ કોઇ ધ્યાન નથી આપી રહ્યું? શા માટે સંકલન સમિતિ ત્યાં ધ્યાન નથી આપી રહી?” તેમણે પૂછ્યું કે આખરે શા માટે અન્ય નેતાઓ પાસે માફી મંગાવવામાં નથી આવી રહી.
તેમણે કહ્યું કે, તેમનો વિરોધ પરષોત્તમ રૂપાલા સામે હતો. જોકે સાથે એમ પણ કહ્યું કે પીએમ મોદીએ તેમને સમજાવવા જોઈતા હતા. તેમનું ફોર્મ ન ખેંચાયું તેનું અમને દુઃખ છે, પરંતુ હું નથી ઇચ્છતી કે તેના માટે એક સારી સરકાર જાય અને કોઈ અયોગ્ય વ્યક્તિઓના હાથમાં સત્તા આવે. તેમણે એમ પણ કહ્યું કે, પીએમ મોદીએ જે સારાં કામો કર્યાં છે, તેની તરફ પણ ધ્યાન આપવું જોઈએ. સાથે એમ પણ કહ્યું કે, આટલાં વર્ષોમાં કોંગ્રેસે કોઇ સારાં કામો કર્યાં હોય તેમ લાગતું નથી.
તેમણે ભાવુક થઈને કહ્યું કે, આવતીકાલે મતદાન થઈ રહ્યું છે ત્યારે હું ટેન્શનમાં આવી ગઈ છું કે ખોટા હાથમાં સત્તા ન જાય. થોડા દિવસથી એ જ મનોમંથન ચાલી રહ્યું છે કે જે થઈ રહ્યું છે તે ખોટું થઈ રહ્યું છે. બધું કોંગ્રેસતરફી જ દેખાય છે, તે ખોટું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો વિરોધ માત્ર રૂપાલા પૂરતો જ છે અને બીજે ક્યાંય પણ ભાજપ જીતે તેમાં તેમને કોઇ વાંધો નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં રવિવારે (5 મે) ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ક્ષત્રિય સંમેલન યોજનાર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ નિવેદન આપીને કહ્યું હતું કે સંકલન સમિતિનું આંદોલન કોંગ્રેસપ્રેરિત હોય તેમ લાગે છે. બીજી તરફ, આ જ આંદોલનનો ચહેરો રહેલાં પદ્મિનીબા વાળાએ પણ અનેક વખત સમિતિ પર પ્રહાર કરતાં કોંગ્રેસનું સમર્થન કરીને રાજકારણ ઘૂસાડવાના આરોપ લગાવ્યા હતા.
બીજી તરફ, પ્રજ્ઞાબા ઝાલાની વાત કરવામાં આવે તો તેઓ એ જ મહિલા નેતા છે જેમણે થોડા સમય પહેલાં પરષોત્તમ રૂપાલા જીતે તોપણ જીવિત નહીં રહે તેવી ધમકી આપી હતી. તેમણે યુ-ટ્યુબ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, તેમને ઘણા લોકો કહી રહ્યા છે કે રૂપાલાને ઊડાવી પણ શકીએ છીએ અને જો કદાચ તેઓ રાજકોટથી જીતી પણ જાય તોપણ વધુ સમય જીવિત નહીં રહે. જોકે, પછીથી તેઓ મીડિયામાંથી ગાયબ થઈ ગયાં હતાં, પણ હવે ફરી સામે આવ્યાં છે.