રાજકોટમાં 4 દિવસ પહેલા થયેલા એક લગ્નમાં દારૂ પીને છાકટા થયેલ યુવાનોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. જે બાદ રાજકોટ પોલીસે તેમની ધરપકડ કરીને ઘટનાસ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેનો પણ વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે.
અહેવાલો મુજબ રાજકોટમાં દારુબંધીના લીરેલીરા ઉડાવતો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો હતો. જેમાં વરરાજાના ફૂલેકામાં તેના દોસ્તો અને ભાઈઓ દ્વારા દારૂની રેલમછેલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વરરાજાએ ફાયરિંગ પણ કર્યાનું વીડિયોમાં જોઈ શકાતું હતું. પોલીસે ગંભીર કલમો અંતર્ગત આ મામલમાં ફરિયાદ નોંધી છે. જેમાં 8 સામે દારુ પાર્ટીને લઈને તો 2 સામે હથિયારને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે 7 ધરપકડ પણ કરી લીધી છે. ઉપરાંત ઘટનાના રિકન્સ્ટ્રક્શનને મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ઘટનાના આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને ડાન્સ કરાવ્યો હતો અને કેવી રીતે એક બીજાને દારુ પીવડાવતા હતા તે કરીને બતાવવા કહ્યું હતું. જે બાદ પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી.
મળતી માહિતી મુજબ, વિડીયોમાં દારૂ પીને છાકટા થઈને નાચાનાર એક શખ્સ નામચીન અપરાધી હોવાનું સામે આવ્યું છે. જે ગોંડલના ગેંગસ્ટર નિખીલ શ્રૃંગા ગેંગ સામે નોંધાયેલા ગુજસીટોકના ગંભીર ગુનામાં ભાઇના લગ્નમાં પેરોલ પર છૂટ્યો હોવાની માહિતી છે.
શું હતો આખો મામલો?
અહેવાલો અનુસાર 4 દિવસ પહેલા રાજકોટ શહેરના જલારામ ચોક પાસે આવેલા સહકાર મેઈન રોડ પાસે ચાલુ ફુલેકા દરમિયાન વરરાજાના મિત્રો અને ભાઈઓ દ્વારા ઈંગ્લીશ દારુની રેલમછેલ જાહેર રોડ પર કરવામાં આવી હતી. ખુલ્લેઆમ દારુની બોટલો સાથે ડીજેના તાલે ‘પીલે પીલે ઓ મેરે રાજા… પીલે પીલે ઓ મેરે જાની..’ ગીત પર તમામ શખ્સો નાચતા જોવા મળ્યા હતા.
હાથમાં દારુની બોટલ સાથે "પીલે પીલે ઓ મર રાજા" પર ઝુમ્યા જાનૈયા#Rajkot માં લગ્નમાં દારૂ પીરસાયો હોવાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. ફિલ્મના ગીત પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમતા નજરે પડ્યા છે. ગુજરાત તક આ વીડિયોની પૃષ્ટિ કરતું નથી#GTVideo #GujaratPolice pic.twitter.com/9osYATLQ7S
— Gujarat Tak (@GujaratTak) February 20, 2023
નશામાં ધૂત એક યુવકે ‘આજ મેરે યાર કી શાદી મન્ને કોઈ રોકો ના’ ગીત વખતે ઘોડી પર બેસેલા વરરાજાને રિવોલ્વર આપી હતી અને હવામાં ફાયરિંગ પણ કરાવ્યું હતું. જે બાદ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયો હતો.
વિડિયો વાઇરલ થયા બાદ રાજકોટનું પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું. ભક્તિનગર પોલીસે આ મામલે આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સાતની ધરપકડ કરી છે. જેમાં હીરેન ઉર્ફે હેરી અરવીંદભાઈ પરમાર, પ્રતિક ઉર્ફે કાળીયો, અરવીંદભાઈ પરમાર, ધવલ મગનભાઈ મારૂ, ગટીયો, મયુરભાઈ ભરવાડ, ધર્મેશ ઉર્ફે આસુડો અને અજય ઉર્ફે જબરોની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે જ્યારે અન્ય એક નીતીન ખાંડેખા નામનો વ્યક્તિ હજુ પણ ફરાર છે.