Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર: પોલીસે ગૌતસ્કરનાં વાહન રોકવા બદલ યુવકોને ફટકારી તસ્કરોને જવા દીધા, વિરોધ...

  મહારાષ્ટ્ર: પોલીસે ગૌતસ્કરનાં વાહન રોકવા બદલ યુવકોને ફટકારી તસ્કરોને જવા દીધા, વિરોધ બાદ આરોપી પોલીસકર્મી સસ્પેન્ડ

  પોલીસકર્મી ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, કાર્યકરોએ દાણચોરી અંગે ફરિયાદ નોંધાવી દીધી છે. પરંતુ તેમ છતાં તેમણે કોઇ કાર્યવાહી કર્યા વગર તસ્કરોને જવા દીધા હતા.

  - Advertisement -

  મહારાષ્ટ્રના નાંદેડમાં એક ચોંકાવનારી ઘટનામાં ગૌતસ્કરી રોકવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે યુવકોને ફટકાર્યા હતા. હાલ આ ઘટનાનો એક વીડિયો ટ્વીટર પર વાયરલ થયો છે, જે બાદ પોલીસ સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર આક્રોશ બાદ આરોપી પોલીસકર્મીને ઘટનાના એક અઠવાડિયાથી વધુ સમય બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

  અહેવાલો અનુસાર, નાંદેડમાં ગૌતસ્કરી રોકવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે યુવકોને ફટકાર્યા તે ઘટનાની વિગત તેવી છે કે, ગત 11 ફેબ્રુઆરીના રોજ લીગલ રાઇટ્સ ઓબ્ઝર્વેટરીએ આ ઘટનાની એક ક્લિપ પોસ્ટ કરી હતી, જેમાં ઇસ્લાપુર પોલીસના એપીઆઇ રઘુનાથ શેવાલે ચાર યુવકોને પટ્ટા વડે અર્ધનગ્ન હાલતમાં માર મારતા જોવા મળે છે. અહેવાલો અનુસાર નાંદેડમાં પોલીસે જે યુવકોને ફટકાર્યા તેઓ વિહિપ અને બજરંગ દળના સભ્યો છે અને પોલીસ દ્વારા તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો કારણ કે તેઓએ દાણચોરીના પશુઓ લઈ જતા બે વાહનોને પકડ્યાં હતાં. એલઆરઓના જણાવ્યા અનુસાર, નાંદેડ પોલીસે ગાયોને લઈ જતા ટ્રકો સાથે 8 તસ્કરોને ભાગવા દીધા હતા અને તસ્કરોને બદલે હિંદુ કાર્યકર્તા યુવકોની ધરપકડ કરી હતી.

  આ ઘટના 2 ફેબ્રુઆરી, ગુરુવારે બની હતી, જ્યારે ઇસ્લામપુર બજરંગ દળના ગૌરક્ષકોએ વરિષ્ઠ પોલીસ અધિક્ષક અને ઇસ્લામપુર પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ નિરીક્ષક, રઘુનાથ શેવાલેને કતલ માટે લાવવામાં આવેલા દાણચોરીના પશુઓ લઈ જતા બે વાહનો વિશે જાણ કરી હતી. જોકે, પોલીસ સમયસર ન પહોંચતાં ગૌરક્ષકોએ જાતે જ વાહન રોકી લીધું હતું.

  - Advertisement -

  થોડા સમય બાદ રઘુનાથ શેવાલે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે, કાર્યકરોએ દાણચોરી અંગે ફરિયાદ નોંધાવી દીધી છે. પરંતુ તેમ છતાં તેમણે કોઇ કાર્યવાહી કર્યા વગર તસ્કરોને જવા દીધા હતા.

  વીએચપી અને બજરંગ દળે વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી હતી. આ વાતથી ગુસ્સે ભરાયેલા રઘુનાથ શેવાલેએ 5 ફેબ્રુઆરીના રોજ કાર્યકર્તા યુવકોને ઈસ્લાપુર પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ શિવની ગામમાં એક દિવસ પહેલા થયેલી લડાઈમાં સામેલ હતા. જ્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે શેવાલેએ તેમના શર્ટ કઢાવ્યા અને મોટી ભીડની સામે બેલ્ટ વડે માર મારવાનું શરૂ કર્યું હતું. કોઈએ આ ઘટનાનો વિડીયો બનાવી લીધો હતો.

  જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો તો પોલીસે વીડિયો રેકોર્ડ કરનાર યુવકને શોધી કાઢ્યો અને તેના ફોનમાંથી વિડીયો ડિલીટ કરાવી દીધો હતો. પોલીસની કાર્યવાહીના ડરથી યુવક તેને તેના ફોનમાંથી વિડીયો કાઢી નાખ્યો અને શહેરમાંથી ભાગી ગયો હતો. જોકે, તે છતાં આ વીડિયો પણ વાયરલ થયો હતો કારણ કે અન્ય ઘણા લોકોએ તેને ડાઉનલોડ કર્યો હતો અને તેઓએ તેને શેર કરવાનું શરૂ કર્યું હતું. જોકે, આ મામલે પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

  આ વીડિયો સામે આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદના કિરણ બિચેવારે ગૃહમંત્રી, પોલીસ અધિક્ષક અને પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને ઈસ્લાપુરના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર રઘુનાથ શેવાલે સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

  આ ફરિયાદના પગલે અને આ વીડિયો રાષ્ટ્રીય સ્તરે વાયરલ થયા બાદ આજે નાંદેડ પોલીસે તેનો જવાબ આપ્યો હતો. એક નિવેદનમાં પોલીસે જણાવ્યું હતું કે, એક પોલીસકર્મી અર્ધનગ્ન યુવકોને માર મારતો જોઈ રહ્યો છે તે વીડિયો જોયા બાદ નાંદેડના એસપી કૃષ્ણા કોકાટેએ ઘટનાની સત્યતાની ખરાઈ કરવા માટે પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. આ દરમિયાન રઘુનાથ શેવાલેની નાંદેડના પોલીસ કન્ટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે.

  આ બાબતે એસપી શ્રીકૃષ્ણ કોકાટેએ એનડીટીવીને જણાવ્યું હતું કે, ફરિયાદ મળ્યા બાદ એપીઆઇ રઘુનાથ શેવાલેને પોલીસ સ્ટેશનમાંથી હટાવીને કંટ્રોલ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

  આ પછી, એલઆરઓએ આરોપ લગાવ્યો હતો કે કર્મચારીની માત્ર બદલી કરવાની કાર્યવાહી જ સાબિત કરે છે કે નાંદેડ પોલીસનો અખો કાફલો ગાયના દાણચોરો સાથે સંબંધ ધરાવે છે. ઘણા લોકોએ કહ્યું કે આ હળવી કાર્યવાહી બતાવે છે કે પોલીસ તસ્કરો સાથે સંકળાયેલી છે.

  આ પછી ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. વીડિયો પુરાવા હોવા છતાં પોલીસકર્મીને સસ્પેન્ડ ન કરવામાં આવતાં પ્રશ્નો સર્જાયા હતા અને એપીઆઇ રઘુનાથ શેવાલેને આજે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જોકે, એલઆરઓ મુજબ પીએસઆઇ બોધગિરે સામે પણ એટલી જ સંડોવણી હોય તેમની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

  નાંદેડ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રઘુનાથ તુલશીદાસ શેવાલે ઇસ્લાપુર ખાતે તૈનાત હતા અને શિવની રોડ પર બે મહિન્દ્રા પિક-અપ વાહનો મળી આવ્યાં હતા, જેમાં એક વાહનમાં બે દાણચોરીના આખલા અને બીજામાં એક બળદ હતા. જોકે, તેમણે તસ્કરોની ધરપકડ કરી ન હતી. ઉપરાંત માર મારવાની ઘટના અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ન હતી અને કેટલાક યુવાનોને પટ્ટાથી માર મારવાના કૃત્ય અંગે કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. આમ, ફરજ બજાવવામાં આ ઘોર બેદરકારી હોવાનું નિવેદનમાં જણાવાયું છે.

  તે મુજબ મહારાષ્ટ્ર પોલીસ રૂલ્સ, 1956ની જોગવાઈઓ અનુસાર રઘુનાથ તુલશીદાસ શેવાલેને તેમના પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, તેમણે દરરોજ સવારે અને સાંજે હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવો પડશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં