Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાત પર તોળાતા બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે સતત કાર્યરત રહ્યું હતું PMO,...

    ગુજરાત પર તોળાતા બિપરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે સતત કાર્યરત રહ્યું હતું PMO, દર કલાકે પીએમ મોદી-ગૃહમંત્રી અમિત શાહને અપાતા હતા અપડેટ: રિપોર્ટ

    આ વ્યક્તિઓ મુખ્યમંત્રી સહિત 10 વ્યક્તિઓના સીધા સંપર્કમાં રહ્યા અને બચાવકાર્યનો આખો માસ્ટર પ્લાન તૈયાર કરીને એને અમલમાં મૂકવામાં આવ્યો હતો.

    - Advertisement -

    બિપરજોય વાવાઝોડાના સંકટમાંથી ગુજરાત કોઈ પણ પ્રકારના મોટા નુકસાન વગર બહાર આવ્યું. પ્રચંડ તોફાનને લીધે તારાજી સર્જાઈ છે પરંતુ, સરકારની સતર્કતા અને સમયસરના આયોજનના કારણે કોઈપણ વ્યક્તિનો જીવ નથી ગયો એ પણ નોંધપાત્ર છે. વાવાઝોડા બાદ રિસ્ટોરેશનની કામગીરી માટે તંત્ર દિવસ-રાત કામગીરી કરી રહ્યું છે. આજે (17 જૂન, 2023) ગૃહમંત્રી અમિત શાહ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા કચ્છ પહોંચ્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મામલે સતત જાણકારી મેળવી રહ્યા છે. બિપરજોય વાવાઝોડાની પળેપળની અપડેટ મળતી રહે અને એ મુજબ આગળની વ્યૂહરચના નક્કી થઈ શકે એ માટે વડાપ્રધાન મોદીનું કાર્યાલય રવિવાર (11 જૂન, 2023) સવારથી જ ચાલુ થઈ ગયું હતું.

    ‘અકિલા’ના અહેવાલ મુજબ, બિપરજોય ગુજરાત પર ત્રાટકવાનું હતું એટલે રવિવાર સવારથી જ પીએમઓમાં 24 કલાકની શિફ્ટમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. દર એક કલાકે સાઈક્લોન અંગેનો રિપોર્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અપાતો હતો. આ માટે પીએમઓમાં શરૂ કરવામાં આવેલા બિપરજોય ઇન્ફર્મેશન સેન્ટરમાં વીસથી વધુ વ્યક્તિને કામે લગાડવામાં આવ્યા હતા.

    આ વ્યક્તિઓ મુખ્યમંત્રી સહિત 10 વ્યક્તિઓના સીધા સંપર્કમાં રહ્યા અને બચાવકાર્યનો આખો માસ્ટર પ્લાન તૈયાર કરીને એને અમલમાં મૂકવામાં આવ્યો હતો. NDRF અને SDRFની 40થી પણ વધુ ટીમો સાથે કચ્છમાં આર્મી પણ ઉતારી દેવામાં આવી હતી. કચ્છમાં રાહત અને બચાવનું આગોતરું આયોજન આ ઇન્ફર્મેશન સેન્ટરને આભારી છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિપરજોય વાવાઝોડાના સંકટને ધ્યાનમાં રાખીને 12 જૂનના રોજ ગુજરાતના મંત્રાલયો/એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીએ સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને તેમને તમામ આવશ્યક સેવાઓ જેવી કે પાવર, ટેલિકમ્યુનિકેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે મળી રહે એ માટે વરિષ્ઠ અધિકારીઓને દરેક સંભવિત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. વડાપ્રધાને આ દરમિયાન રિસ્ટોરેશનની કામગીરી પર પણ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, કોઈ પશુઓને હાનિ ન થાય એ પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. તો કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સમગ્ર વહીવટીતંત્ર કોઇપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ બને એ સુનિશ્ચિત કર્યું હતું. બિપરજોય કચ્છમાં પસાર થયા બાદ હાલ નુકસાનને પહોંચી વળવા માટે તંત્ર કામે લાગી ગયું છે ત્યારે તેની પણ પીએમ મોદી સમીક્ષા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આટલું મોટું સંકટ હોવા છતાં ગુજરાત સરકારના પ્રયાસોના કારણે એકપણ જીવ નથી ગયો અને રાજ્ય એમાંથી હેમખેમ બહાર આવી ગયું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં