Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘જેટલો કાદવ ઉછાળશો, કમળ એટલું જ ખીલશે’: રાજ્યસભામાં ગર્જ્યા પીએમ નરેન્દ્ર મોદી,...

    ‘જેટલો કાદવ ઉછાળશો, કમળ એટલું જ ખીલશે’: રાજ્યસભામાં ગર્જ્યા પીએમ નરેન્દ્ર મોદી, કહ્યું- દેશ એક પરિવારની જાગીર નથી

    દરેક યોજનાના લાભાર્થીઓ સુધી સો ટકા લાભ કેવી રીતે પહોંચે તે અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ અને સાચી પંથ-નિરપેક્ષતા તો એ જ છે અને અમારી સરકાર સતત આ માર્ગ પર આગળ વધી રહી છે: પીએમ મોદી

    - Advertisement -

    બુધવારે (8 ફેબ્રુઆરી, 2023) સંસદના નીચલા ગૃહ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર સંબોધન કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યસભામાં  બોલ્યા હતા. વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે પીએમ મોદીએ વિકાસકાર્યોની વાતો કરી હતી તો વિપક્ષ પર કટાક્ષ પણ કર્યા હતા. 

    સંબોધનની શરૂઆતમાં વિપક્ષને લઈને પીએમ મોદીએ શાયરાના અંદાજમાં કહ્યું કે, જેટલો કાદવ ઉછાળશો, તેટલું જ વધારે કમળ ખીલશે. કમળ ખીલવવામાં તમારું (વિપક્ષ) પ્રત્યક્ષ અને પરોક્ષ જે પણ યોગદાન છે તે માટે હું તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. તેમણે એમ પણ કહ્યું કે, કેટલાક લોકોના વાણી-વ્યવહાર માત્ર ગૃહ જ નહીં પરંતુ દેશને નિરાશ કરનારાં છે. 

    60 વર્ષમાં કોંગ્રેસે ખાડા જ ખાડા કર્યા હતા 

    કોંગ્રેસ પર પ્રહાર કરતાં વડાપ્રધાને કહ્યું કે, “2014માં આવીને મેં ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો, માહિતી મેળવી ત્યારે ખબર પડી કે 60 વર્ષમાં કોંગ્રેસના પરિવારે ખાડા જ ખાડા કરી નાંખ્યા હતા. ત્યારે તેઓ ખાડા ખોદી રહ્યા હતા અને 6 દાયકા વેડફી નાંખ્યા તે સમયે દુનિયાના નાના-નાના દેશો પણ સફળતાના શિખરો સર કરી રહ્યા હતા.” 

    - Advertisement -

    વડાપ્રધાને કહ્યું કે, “જેમને રોજગાર અને નોકરી વચ્ચેનો ફર્ક ખબર નથી તેઓ અમને ઉપદેશ આપી રહ્યા છે. નવા-નવા નરેટિવ ઘડવા અને અધૂરી બાબતોને લઈને જુઠ્ઠાણું ફેલાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.” તેમણે ઉમેર્યું કે, છેલ્લાં નવ વર્ષમાં અર્થવ્યવસ્થાનો વિસ્તાર થયો છે અને નવા સેક્ટરમાં રોજગારની તકો ઉભી થઇ છે. 

    ભૂતકાળની સરખામણીએ વર્તમાન સરકારનાં કામો ગણાવ્યાં 

    વડાપ્રધાને કહ્યું કે, “તેમણે (ભૂતકાળની સરકારો) બેંકોનું એકીકરણ એ ઇરાદે કર્યું હતું કે ગરીબોને બેંકોના અધિકારો મળે, પરંતુ દેશના અડધાથી વધુ લોકો બેન્કના દરવાજા સુધી પણ પહોંચી શક્યા ન હતા. અમે સ્થાયી સમાધાન શોધીને જનધન ખાતાં ખોલ્યાં અને જેનાથી દેશના ગામ સુધી પ્રગતિને લઇ જવાનું કામ થયું છે.”

    તેમણે ઉમેર્યું કે, સ્વતંત્રતાથી 2014 સુધી માત્ર 14 કરોડ LPG ગેસ કનેક્શન હતાં. લોકો તેમના સાંસદો પાસે ભલામણ માટે જતા હતા. પરંતુ અમે દરેક ઘરમાં LPG કનેક્શન આપવાનું નકી કર્યું અને અનેક પડકારો છતાં 32 કરોડથી વધુ પરિવારોને ગેસ કનેક્શન પૂરાં પાડવામાં આવ્યાં.

    ‘જનતા વારંવાર કોંગ્રેસને નકારી રહી છે’: પીએમ મોદી 

    પીએમ મોદીએ આગળ કહ્યું કે, અમે દેશને વિકાસનું એક એવું મોડેલ આપી રહ્યા છીએ જેમાં હિતધારકોને તેમના દરેક અધિકારો મળે. તેમણે કહ્યું કે, દેશ વારંવાર કોંગ્રેસને નકારી રહ્યો છે પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસ પોતાની કરતૂતો છોડી રહી નથી. જનતા તેમને માત્ર જોઈ જ રહી નથી પરંતુ સજા પણ આપી રહી છે. 

    તેમણે આગળ કહ્યું કે, દરેક યોજનાના લાભાર્થીઓ સુધી સો ટકા લાભ કેવી રીતે પહોંચે તે અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ અને સાચી પંથ-નિરપેક્ષતા તો એ જ છે અને અમારી સરકાર સતત આ માર્ગ પર આગળ વધી રહી છે. તેમણે ઉમેર્યું કે, અમે એક એવી કાર્ય સંસ્કૃતિ લઈને આવ્યા છીએ, જે દેશમાં મારુ-તારું, પોતાનું-પારકું જેવા ભેદોનો નાશ કરશે. તે તુષ્ટિકરણનની આશંકાઓને સમાપ્ત કરી દેશે. 

    ‘જેમને પૈસા નથી મળ્યા તેમનું બૂમો પાડવું સ્વાભાવિક છે’ 

    રાજ્યસભામાં બોલતી વખતે પીએમ મોદી આગળ કહે છે કે, જનધન, આધાર અને મોબાઈલ આ એ ત્રિશક્તિ છે જેનાથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં 27 લાખ કરોડ રૂપિયા DBT (Direct Benefit Transfer)ના માધ્યમથી સીધા હિતધારકોનાં ખાતાંમાં ગયા છે. જેનાથી 2 લાખ કરોડથી વધુ રૂપિયા જે કોઈ ઇકો-સિસ્ટમના હાથમાં જઈ શકતા હતા તે બચી ગયા. તેમણે ગૃહમાં બૂમબરાડા પાડતા વિપક્ષી સાંસદોને લઈને કહ્યું કે, જેમને આ પૈસા નથી મળ્યા, તેમનું બૂમો પાડવું સ્વાભાવિક છે. 

    વડાપ્રધાને કહ્યું કે, 600 જેટલી સરકારી યોજનાઓ માત્ર ગાંધી-નહેરુ પરિવારના નામ ઉપર છે. કોઈ કાર્યક્રમમાં નહેરુજીના નામનો ઉલ્લેખ નહીં થાય તો કેટલાક લોકોનું લોહી ગરમ થઇ જાય છે. મને બહુ આશ્ચર્ય થાય છે. અમારાથી ક્યારેક નહેરુજીનું નામ છૂટી જતું હશે, અને છૂટી જતું હશે તો અમે સુધારી લઈશું. પરંતુ મને એ નથી સમજાતું કે તેમની પેઢીનો કોઈ વ્યક્તિ નહેરુ અટક રાખવાથી ડરે કેમ છે? નહેરુ અટક રાખવામાં શું શરમ છે? તમને કે પરિવારને મંજૂર નથી અને તમે અમારી પાસે હિસાબ માંગો છો?

    આ દેશ કોઈ પરિવારની જાગીર નથી’ 

    પીએમ મોદીએ કહ્યું કે, “કેટલાક લોકોએ સમજવું પડશે આ સદીઓ જૂનો દેશ સામાન્ય માણસના પરસેવા અને પુરુષાર્થથી બનેલો દેશ છે. જનજનની, પેઢીઓની પરંપરાથી બનેલો દેશ છે. આ દેશ કોઈ પરિવારની જાગીર નથી.” 

    એક માણસ કેટલાય પર ભારે પડી રહ્યો છે

    રાજ્યસભામાં ભાષણને અંતે વડાપ્રધાન મોદી આગળ કહે છે કે, “દેશ જોઈ રહ્યો છે, એક માણસ કેટલાય ઉપર ભારે પડી રહ્યો છે. દ્રઢતા સાથે ચાલ્યો છું, દેશ માટે જીવી રહ્યો છું. દેશ માટે કંઈક કરવા નીકળ્યો છું. જેથી આ રાજનીતિક ખેલ ખેલનારાઓમાં આ જુસ્સો નથી. તેઓ બચવાનો રસ્તો શોધી રહ્યા છે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં