Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાક્વાડ સમિટ, UNGAને સંબોધન, અનેક દ્વિપક્ષીય બેઠકો..: અમેરિકા જવા રવાના થયા PM...

    ક્વાડ સમિટ, UNGAને સંબોધન, અનેક દ્વિપક્ષીય બેઠકો..: અમેરિકા જવા રવાના થયા PM મોદી, અનેક અગત્યના કાર્યક્રમોમાં લેશે ભાગ 

    આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અનેક ગોળમેજી અને દ્વિપક્ષીય બેઠકો કરશે. દિલ્હીથી રવાના થયા બાદ તેઓ સીધા વિલ્મિંગ્ટન પહોંચશે, જ્યાં તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનના નિવાસસ્થાને ક્વાડ નેતાઓ સાથે મહેમાનગતિ માણશે.

    - Advertisement -

    અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે આ વર્ષની વાર્ષિક ક્વાડ (QUAD) સમિટ યોજાવા જઈ રહી છે, જેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી US (PM Modi’s US Visit) જવા રવાના થઈ ચૂક્યા છે. સતત ત્રીજી વાર વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ આ તેમનો પહેલો US પ્રવાસ છે. તેઓ 21 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ માટે અમેરિકામાં રહેશે અને અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ ક્વાડ સમિટ ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘સમિટ ઑફ ધ ફ્યુચર’ને પણ સંબોધિત કરશે તેમજ અનેક ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે અને અમેરિકા સ્થિત ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરશે.

    પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અનેક ગોળમેજી અને દ્વિપક્ષીય બેઠકો કરશે. દિલ્હીથી રવાના થયા બાદ તેઓ સીધા વિલ્મિંગ્ટન પહોંચશે, જ્યાં તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનના નિવાસસ્થાને ક્વાડ નેતાઓ સાથે મહેમાનગતિ માણશે. રવિવારે જ યોજાનાર ક્વાડ સમિટમાં ભાગ લીધા બાદ તેઓ રાષ્ટ્રપતિ બાયડન, જાપાનના વડાપ્રધાન કિશિદા અને ઑસ્ટ્રેલિયાના પીએમ આલ્બનીઝ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. ઉલ્લેખનીય છે કે ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા એમ ચાર દેશો ક્વાડના સભ્યો છે.

    પ્રવાસના દ્વિતીય દિવસે પીએમ મોદી લોંગ આયલેન્ડ સ્થિત નાસાઉ મેમોરિયલ કોલેજિયમ ખાતે યોજાનાર ‘મોદી અને અમેરિકા’ નામના ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીયો માટે આયોજિત કરવામાં આવ્યો છે. છેલ્લા એક મહિનાથી આ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી હતી. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં માત્ર 15 હજાર રજીસ્ટ્રેશન લેવાના હતા, જેની જગ્યાએ અત્યાર સુધીમાં 24 હજાર લોકોએ નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    પ્રવાસના ત્રીજા દિવસે વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ‘ફ્યુચર સમિટ’ નામના કાર્યક્રમને પણ સંબોધિત કરશે.

    વડાપ્રધાન મોદીએ પણ પોતાના પ્રવાસની આપી માહિતી

    અમેરિકા રવાના થવા પહેલાં એક સત્તાવાર નિવેદનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, “આજે હું રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા તેમના હોમટાઉન વિલ્મિંગ્ટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના શિખર સંમેલનને સંબોધિત કરવા માટે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યો છું. ક્વાડ સમિટનો મંચ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરવાની વિચારધારા ધરાવતા દેશોના એક પ્રમુખ સમૂહ તરીકે ઉભરી આવ્યો છે.” સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, તેઓ બાયડન, કિશિદા અને આલ્બનીઝ સહિતના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

    તેમણે જણાવ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ બાયડન સાથેની તેમની બેઠક વૈશ્વિક ભલાઈ અને ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક રણનીતિમાં ભાગીદારીને વધુ ગાઢ બનાવવા તરફ દોરી જશે. ભવિષ્યના શિખર સંમેલનને લઈને તેમણે જણાવ્યું કે, તે માનવતાની સુખાકારી માટે આગળનો પથ તૈયાર કરવાનો એક અવસર છે. તેમણે આગળ ઉમેર્યું કે, હું 140 કરોડ ભારતીયોના વિચારોને ત્યાં રજૂ કરીશ, કારણ કે શાંતિપૂર્ણ અને સુરક્ષિત ભવિષ્ય માટે ભારતની ભાગીદારી વિશ્વમાં સૌથી વધુ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં