Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુલાકાત બાદ જાપાનની વિવિધ કંપનીઓના CEO બન્યા પીએમ મોદીના ચાહક, કહ્યું-ભારતની સફળતા...

    મુલાકાત બાદ જાપાનની વિવિધ કંપનીઓના CEO બન્યા પીએમ મોદીના ચાહક, કહ્યું-ભારતની સફળતા માટે તેઓ પ્રતિબદ્ધ, દેશનું ભવિષ્ય ઉજ્જ્વળ

    વડાપ્રધાને કહ્યું કે, “જાપાનની પ્રભાવિત થઈને સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, દરેક ભારતીય નવયુવાને જીવનમાં ઓછામાં ઓછી એક વખત જાપાનની મુલાકાત લેવી જોઈએ."

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી જાપાનના બે દિવસીય પ્રવાસે ગયા છે. જ્યાં 24 મેના રોજ તેઓ ક્વૉડ નેતાઓ સાથે એક શિખર સંમેલનમાં ભાગ લેશે. તદુપરાંત, આજે પીએમ મોદી વિવિધ જાપાની કંપનીઓના CEO ને પણ મળ્યા હતા તેમજ જાપાન ખાતે રહેતા ભારતીય સમુદાય સાથે પણ મુલાકાત કરી તેમને સંબોધિત કર્યા હતા. 

    ભારતીય સમુદાય સાથે મુલાકાત પહેલા પીએમ મોદીએ જાપાનમાં 30 થી વધુ કંપનીઓના CEO સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ આ બેઠકમાં વ્યાપારને સરળ બનાવવા માટે કરવામાં આવેલ સુધારાઓ અંગે જાણકારી આપી હતી તો સાથે આ વેપારી નેતાઓને ‘મેક ઈન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ માટે આમંત્રિત કર્યા હતા. 

    જાપાન સ્થિત સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન અને પ્રેસિડેન્ટ તોશિહિરો સુઝુકીએ પીએમ મોદી સાથેની મુલાકાત બાદ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી સુધારાઓ દ્વારા ભારતને મોડર્ન લેન્ડસ્કેપમાં બદલી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, જાપાનીઝ કંપનીઓ વડાપ્રધાન મોદીની આત્મનિર્ભરતાના અભિયાનને સમર્થન આપી રહી છે. વડાપ્રધાન મોદીએ તોશિહિરો સુઝુકી ઉપરાંત સુઝુકી મોટર કોર્પોરેશનના સીનિયર એડવાઈઝર ઓસામુ સુઝુકી, સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર માસાયોશી સોન અને યૂનિક્લોના પ્રેસિડેન્ટ અને સીઈઓ તાદાશિ યાનાઈની પણ મુલાકાત લીધી હતી. 

    - Advertisement -

    ​​સોફ્ટબેંક ગ્રુપ કોર્પોરેશનના બોર્ડ ડાયરેક્ટર માસાયોશી સોને પણ પીએમ મોદી અને ભારતની પ્રશંસા કરતા જણાવ્યું કે, ભારત ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં દરરોજ નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે અને નવા યુનિકોર્ન તૈયાર થઈ રહ્યા છે. મને લાગે છે કે, ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. વડાપ્રધાન મોદી ભારતની સફળતા માટે પ્રતિબદ્ધ છે. તેઓ સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્નને સપોર્ટ કરી રહ્યા છે. આ સાથે જ તેઓ ભારતને ટેક સેન્ટર બનાવવા માટે પણ કાર્યરત છે.”

    તદુપરાંત, યુનિક્લોના (UniQlo) ચેરમેન, પ્રેસિડેન્ટ અને સીઈઓ તાદાશિ યાનાઈએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ ભારતની પ્રશંસા કરી હતી. આ મુલાકાત અંગે વડાપ્રધાન કાર્યાલય જણાવે છે કે, “તાદાશિ યાનાઈએ ભારતીયોમાં રહેલી ઉદ્યમ શરૂ કરવા માટેની ભૂખની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને ટેક્સટાઇલ સેક્ટર મજબૂત  કરવા માટે શરૂ કરવામાં આવેલ પીએમ-મિત્ર યોજનામાં સહભાગી બનવા માટે આમંત્રણ આપ્યું હતું.” 

    ઉપરાંત, વડાપ્રધાને ભારતીય સમુદાયને પણ સંબોધિત કર્યો હતો. પીએમના સંબોધન પહેલા રાષ્ટ્રગાન થયું અને ત્યારબાદ ‘ભારત માતા કી જય’ અને ‘જય શ્રીરામ’ના નારા વચ્ચે પીએમનું સંબોધન શરૂ થયું હતું. વડાપ્રધાને કહ્યું કે, “આ આપણી વિશેષતા છે કે આપણે કર્મભૂમિ સાથે તન-મન-ધનથી જોડાઈ જઈએ છીએ, ખપી જઈએ છીએ, પરંતુ માતૃભૂમિથી પણ ક્યારેય અલગ થતા નથી. આ જ આપણું સૌથી મોટું સામર્થ્ય છે. તેમણે આગળ કહ્યું, “સ્વામી વિવેકાનંદ જ્યારે પોતાના ઐતિહાસિક સંબોધન માટે શિકાગો જઈ રહ્યા હતા ત્યારે પહેલાં જાપાન આવ્યા હતા. જાપાનમાં તેમના મન-મસ્તિષ્ક પર ઊંડી અસર થઇ હતી. જાપાનના લોકોની દેશભક્તિ, જાપાનના લોકોનો આત્મવિશ્વાસ અને સ્વચ્છતા માટે તેમની જાગૃતિ અંગે પણ વડાપ્રધાને પ્રશંસા કરી હતી. 

    પીએમ મોદી જાપાન અને ભારતને નેચરલ પાર્ટનર ગણાવીને કહે છે કે, ભારતની વિકાસયાત્રામાં જાપાનનો ફાળો અગત્યનો રહ્યો છે. જાપાન સાથે આપણો સબંધ આત્મીયતાનો છે, આધ્યાત્મ અને સહયોગનો છે. જાપાન સાથે આપણો સબંધ સામર્થ્યનો, સન્માનનો છે. તેમણે કહ્યું કે, ભારત ભાગ્યશાળી છે કે તેને ભગવાન બુદ્ધના પ્રત્યક્ષ આશીર્વાદ મળ્યા છે. તેમણે કહ્યું કે, ભગવાન બુદ્ધના વિચારોને આત્મસાત કરીને ભારત નિરંતર માનવતાની સેવા કરતું રહ્યું છે. 

    વડાપ્રધાને કહ્યું કે, ભારતના વિકાસમાં જાપાને અગત્યનો ભાગ ભજવ્યો છે. જેમાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ હોય કે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડોર હોય, આ જાપાનના સહયોગના મોટાં ઉદાહરણો છે. છેલ્લા આઠ વર્ષોમાં અમે લોકોના જીવનમાં સકારાત્મક ફેરફારો લાવવાનું કામ કર્યું છે. આજે ભારતમાં સાચા અર્થમાં જનતાની સરકર કામ કરી રહી છે. તેમણે ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે ભારતમાં ડિજિટલ રિવોલ્યુશન આવ્યું છે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારતની ભાગીદારી 40 ટકા જેટલી છે. 

    વડાપ્રધાને કહ્યું કે, “જાપાનની પ્રભાવિત થઈને સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું કે, દરેક ભારતીય નવયુવાને જીવનમાં ઓછામાં ઓછી એક વખત જાપાનની મુલાકાત લેવી જોઈએ. હું સ્વામીજીની આ સદભાવનાને આગળ વધારતા કહેવા માંગીશ કે જાપાનનો દરેક યુવાન જીવનમાં એક વખત ભારતની યાત્રા કરે. વડાપ્રધાને કહ્યું કે, આઝાદીનો આ અમૃતકાળ ભારતની સમૃદ્ધિ, અને સંપન્નતાનો એક બુલંદ ઇતિહાસ લખશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં