Saturday, July 27, 2024
More
    હોમપેજદેશબંધારણના નિર્માતાઓને કર્યા યાદ, મુંબઈ હુમલાના બલિદાનીઓને આપી શ્રદ્ધાંજલિ: 'મન કી બાત'માં...

    બંધારણના નિર્માતાઓને કર્યા યાદ, મુંબઈ હુમલાના બલિદાનીઓને આપી શ્રદ્ધાંજલિ: ‘મન કી બાત’માં PM મોદીએ કહ્યું- આજે આપણે આતંકને હિંમતથી કચડી રહ્યા છીએ

    વીતેલા કેટલાક દિવસોમાં જ દિવાળી, ભાઈબીજ અને છઠ પર દેશમાં ચાર લાખ કરોડથી વધુનો વેપાર થયો અને આ દરમિયાન ભારતમાં બનેલા ઉત્પાદનો ખરીદવાનો જબરદસ્ત ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો: પીએમ મોદીએ

    - Advertisement -

    જ્યારથી PM નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ દર મહિને તેમના રેડિયો કાર્યક્રમ દ્વારા દેશની જનતા સાથે જોડાઈને પોતાના વિચારો રજૂ કરે છે. PM મોદીના રેડિયો કાર્યક્રમનું નામ ‘મન કી બાત’ છે. મન કી બાત કાર્યક્રમનો 107મો એપિસોડ રવિવારે (26 નવેમ્બર) પ્રસારિત થયો છે. મન કી બાત કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થયો હતો. મન કી બાત કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત કરવામાં આવે છે. આ 107મા એપિસોડમાં PM મોદીએ મુંબઈ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. એ સિવાય પણ તેમણે ‘મન કી બાત’ કાર્યક્રમ હેઠળ ઘણા મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા.

    રવિવારે (26 નવેમ્બર, 2023) PM મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 107મો એપિસોડ પ્રસારિત થયો છે. PM મોદીએ મુંબઈ હુમલામાં વીરગતિ પામેલા જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ તેમણે બંધારણ દિવસ નિમિત્તે સંવિધાનના નિર્માતાઓને પણ યાદ કર્યા હતા. આ સિવાય તેમણે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે ડિજિટલ પેમેન્ટ પર પણ તેમના વિચારો રજૂ કર્યા હતા.

    ‘આજે આપણે આતંકને સખ્તીથી કચડી રહ્યા છીએ’

    PM મોદીએ ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમની શરૂઆતમાં જ મુંબઈ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “દેશવાસીઓ, આજે 26/11 દિવસ છે. આજનો દિવસ દેશ માટે ખૂબ જ જઘન્ય છે. આતંકી હુમલો થયો હતો. આતંકીઓએ મુંબઈને આખા દેશને ધ્રૂજવી દીધું હતું. પરંતુ આ ભારતનું સામર્થ્ય છે કે આપણે તે હુમલામાંથી પસાર થયા અને હવે પૂરી હિંમત સાથે આતંકને કચડી પણ રહ્યા છીએ.”

    - Advertisement -

    તેમણે વધુમાં કહ્યું કે, “મુંબઈ હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા દરેક લોકોને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આ હુમલામાં આપણાં જે જાંબાજ વીરગતિને પ્રાપ્ત થયા હતા, દેશ આજે તેમને યાદ કરી રહ્યો છે.”

    બંધારણ દિવસની આપી શુભકામનાઓ

    PM મોદીએ બંધારણ દિવસ પર કહ્યું હતું કે, “26, નવેમ્બરનો આજનો આ દિવસ અન્ય એક કારણથી પણ ખૂબ મહત્વનો છે. 1949માં આજના જ દિવસે બંધારણ સભાએ ભારતના બંધારણને અંગીકાર કર્યું હતું. મને યાદ છે કે વર્ષ 2015માં આપણે બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતી મનાવી રહ્યા હતા. તે સમયે એ વિચાર આવ્યો હતો કે, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે અને ત્યારથી દરવર્ષે આજે પણ આ દિવસને આપણે બંધારણ દિવસ તરીકે મનાવતા આવ્યા છીએ. હું સમગ્ર દેશવાસીઓને બંધારણ દિવસની ઘણી શુભકામનાઓ આપું છું. આપણે સૌ મળીને નાગરિકોના કર્તાવ્યોને પ્રાથમિકતા આપીને વિકસિત ભારતના સંકલ્પને જરૂરથી પૂર્ણ કરીશું.”

    તેમણે વધુમાં કહ્યું કે, “સાથિયો, આપણે સૌ જાણીએ છીએ કે સંવિધાનના નિર્માણમાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. શ્રી સચ્ચિદાનંદ સિંહાજી બંધારણ સભાના સૌથી વૃદ્ધ સભ્ય હતા. વિશ્વના દેશોના બંધારણનું અધ્યયન અને લાંબી ચર્ચા બાદ આપણાં સંવિધાનનો ડ્રાફ તૈયાર થયો હતો. ડ્રાફ તૈયાર થયા બાદ તેમને અંતિમ રૂપ આપ્યા પહેલાં તેમાં 2000થી વધુ સંશોધન કર્યા. 1950માં બંધારણ લાગુ થયા બાદ પણ હમણાં સુધી કુલ 106 વાર બંધારણ સંશોધન થઈ ચૂક્યું છે.”

    તેમણે ઉમેર્યું કે, “રાષ્ટ્ર નિર્માણમાં જ્યારે સૌનો સાથ હોય છે, ત્યારે જ સૌનો વિકાસ પણ થાય છે. મને સંતોષ છે કે બંધારણ નિર્માતાઓની તે દૂરદ્રષ્ટિનું પાલન કરીને હવે ભારતની સંસદે ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ને પાસ કર્યું છે. ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ આપની લોકતંત્રની સંકલ્પ શક્તિનું ઉદાહરણ છે. વિકસિત ભારતના આપણાં સંકલ્પને ગતિ આપવા માટે પણ તે એટલું જ સહાયક સાબિત થશે.”

    Vocal For Local વિશે કરી વાત

    PM મોદીએ લોકલ ફોર વોંકલ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, “ગયા મહિને ‘મન કી બાત’માં મે ‘Vocal For Local’ એટલે કે સ્થાનિક ઉત્પાદનોને ખરીદવાની વાત પર જોર આપ્યું હતું. વીતેલા કેટલાક દિવસોમાં જ દિવાળી, ભાઈબીજ અને છઠ પર દેશમાં ચાર લાખ કરોડથી વધુનો વેપાર થયો અને આ દરમિયાન ભારતમાં બનેલા ઉત્પાદનો ખરીદવાનો જબરદસ્ત ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો.” તેમણે કહ્યું કે, “હવે તો ઘરના બાળકો પણ દુકાન પર કોઈ વસ્તુ ખરીદતી વખતે તે જુએ છે કે તેમાં Made In India લખ્યું છે કે નથી લખ્યું. એટલું જ નહીં ઓનલાઈન વસ્તુ ખરીદતી વખતે હવે લોકો Country of Origin જોવાનું પણ ભૂલતા નથી.”

    PMએ ઉમેર્યું કે, જેવી રીતે ‘સ્વચ્છ ભારત અભિયાન’ની સફળતા જ તેની પ્રેરણા બની હતી. તેવી જ રીતે Vocal For Localની સફળતા વિકસિત ભારત-સમૃદ્ધ ભારતના દ્વાર ખોલી રહી છે. આ અભિયાન આખા આદેશની અર્થવ્યવસ્થાને મજબૂતી આપે છે. આ અભિયાન રોજગારની ગેરેન્ટી છે, આ દેશના સંતુલિત વિકાસની ગેરેન્ટી છે.”

    PMએ વિદેશ જઈને લગ્ન કરવા પર કર્યા સવાલ

    PM મોદીએ કહ્યું કે “આ દિવસોમાં કેટલાક પરિવારો વિદેશ જઈને લગ્ન કરવા લાગ્યા છે. તેના કારણે નવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. શું તે જરૂરી છે? જો આપણે ભારતની ધરતી પર, ભારતના લોકો વચ્ચે લગ્ન ઉજવીએ તો દેશનો પૈસો દેશમાં જ રહેશે.” તેમણે કહ્યું કે “તમારા લગ્નમાં દેશની જનતાને થોડી સેવા કરવાનો મોકો મળશે, નાના ગરીબ લોકો પણ તેમના બાળકોને તમારા લગ્ન વિશે જણાવશે.”

    ડિજિટલ પેમેન્ટની વધી રહી છે માંગ

    PM મોદીએ કહ્યું કે “આ બીજું વર્ષ છે જ્યારે દિવાળીના અવસર પર કેશ ચૂકવીને કેટલીક વસ્તુઓ ખરીદવાનું ચલણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. મતલબ કે હવે લોકો વધુને વધુ ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે. આ પણ ખૂબ જ પ્રોત્સાહક છે.”

    તેમણે કહ્યું કે “તમારે નક્કી કરવું જોઈએ કે એક મહિના માટે તમે UPI અથવા કોઈપણ ડિજિટલ માધ્યમથી જ પેમેન્ટ કરશો અને રોકડ ચૂકવણી નહીં કરો. ભારતમાં ડિજિટલ ક્રાંતિની સફળતાએ આ એકદમ સંભવ બનાવ્યું છે.”

    ભારતની પેટન્ટ અરજીઓમાં થયો વધારો

    મન કી બાતમાં PM મોદીએ કહ્યું કે “ઇન્ટેલિજન્સ, આઈડિયા અને ઇનોવેશન આજે ભારતીય યુવાનોની ઓળખ બની ગઈ છે. ટેક્નોલોજીના ઉમેરા સાથે, તેમની બૌદ્ધિક સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પોતે જ દેશની શક્તિમાં વધારો કરતી એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. તમને જાણીને આનંદ થશે કે 2022માં ભારતની પેટન્ટ અરજીઓમાં 31 ટકાથી વધુનો વધારો થયો છે. આ માટે હું યુવાનોને અભિનંદન આપું છું.”

    તેમણે વધુમાં કહ્યું કે, “સરકારે તે વહીવટી અને કાયદાકીય સુધારા કર્યા છે, તે બાદ આજે આપણાં યુવાઓ એક નવી ઉર્જા સાથે બહોળી સંખ્યામાં ઇનોવેશન કામમાં જોડાયા છે. 10 વર્ષ પહેલાંના આંકડાઓ સાથે તુલના કરીએ તો આજે આપણાં પેટન્ટને દસ ગણી વધુ મંજૂરી મળી છે.”

    PM મોદીએ કર્યો સુરતનો ઉલ્લેખ

    PM મોદીએ કહ્યું કે “સ્વચ્છ ભારત અભિયાને સ્વચ્છતા અને જાહેર સ્વચ્છતાને લઈને લોકોની વિચારસરણી બદલી છે. સુરતમાં એક ટીમે મળીને પ્રોજેક્ટ સુરત શરૂ કર્યો છે. જેના દ્વારા સુરતને એક મોડેલ સિટી બનાવવામાં આવી રહ્યું છે, જે સ્વચ્છતા અને ટકાઉ વિકાસનું ઉદાહરણ બનશે. અગાઉ આ પહેલ દ્વારા બીચની સફાઈ કરવામાં આવતી હતી, પરંતુ હવે નદીની પણ સફાઈ કરવામાં આવી રહી છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “‘સફાઈ સંડે’ નામથી શરૂ થયેલા આ પ્રયાસ હેઠળ સુરતના યુવાનો પહેલાં સાર્વજનિક જગ્યાઓ પર અને ડુમસ બીચ પર સફાઈ કરતાં હતા. બાદમાં આ લોકો તાપી નદીના કિનારાની સફાઈમાં પણ જીવ રેડીને લાગી ગયા અને તમને જાણીને આનંદ થશે કે જોત-જોતાંમાં તે લોકો સાથે જોડાયેલા લોકોની સંખ્યા 50 હજારથી પણ વધુ થઈ ગઈ છે.”

    જળ સંરક્ષણ વિશે કરી વાત

    PM મોદીએ જળ સંરક્ષણ અને અમૃત સરોવર વિશે વાત કરી. ભારતમાં 65 હજાર અમૃત સરોવર બનાવવામાં આવ્યાં છે. ગુજરાતના અમરેલીમાં જલ ઉત્સવ ઉજવવામાં આવે છે, જેણે જળ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવી છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં બેલ્જીપુરમ યુથ ક્લબ સ્કિલ અને ડેવલોપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સાથે PM મોદીએ દેશની ઘણી વધુ પ્રેરણાદાયી વાતો કહી.

    PM મોદીએ કહ્યું કે, “21મી સદીના સૌથી મોટા પડકારોમાંનો એક છે ‘જળ સંરક્ષણ’. જળનું રક્ષણ કરવું જીવનને બચાવવાથી ઓછું નથી. જ્યારે આપણે સામુહિકતાની આ ભાવના સાથે કામ કરીએ છીએ તો સફળતા જરૂર મળે છે. તેનું એક ઉદાહરણ દેશના દરેક જિલ્લામાં બની રહેલા ‘અમૃત સરોવર’ છે.” આ ઉપરાંત પણ મન કી બાત કાર્યક્રમમાં PM મોદીએ અનેક વાતો કહી હતી

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં