Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઆ વર્ષે પણ 15 ઓગસ્ટે ઘરો પર ફરકશે તિરંગા, ‘મન કી બાત’માં...

  આ વર્ષે પણ 15 ઓગસ્ટે ઘરો પર ફરકશે તિરંગા, ‘મન કી બાત’માં પીએમ મોદીની અપીલ: અમર બલિદાનીઓની સ્મૃતિમાં લૉન્ચ થશે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન

  અભિયાન હેઠળ દેશમાં અમૃત કળશ યાત્રા પણ યોજવામાં આવશે. દેશનાં ગામેગામ અને ખૂણેખૂણેથી 7500 કળશમાં માટી લઈને રાજધાની દિલ્હી પહોંચશે, યાત્રા પોતાની સાથે અલગ-અલગ વિસ્તારના છોડ પણ લઇ આવશે.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ થકી આજે દેશવાસીઓને સંબોધન કર્યું. પીએમ મોદીએ આ દરમિયાન દેશમાં થઇ રહેલાં સકારાત્મક પરિવર્તનો વિશે વાત કરી તેમજ સ્વાતંત્ર્ય દિવસ વિશે પણ બોલ્યા. આ દરમિયાન વડાપ્રધાને ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનની પણ ઘોષણા કરી તો હર ઘર તિરંગા અભિયાન આ વર્ષે પણ ચલાવવાની અપીલ કરી હતી. 

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “15 ઓગસ્ટ નજીક છે ત્યારે દેશમાં વધુ એક મોટા અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. શહીદ વીર-વીરાંગનાઓને સન્માન આપવા માટે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું. જે હેઠળ દેશભરમાં આપણા અમર બલિદાનીઓની સ્મૃતિમાં અનેક કાર્યક્રમો આયોજિત થશે. તેમની યાદમાં દેશની લાખો ગ્રામ પંચાયતોમાં વિશેષ શિલાલેખ પણ સ્થાપિત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ દેશમાં અમૃત કળશ યાત્રા પણ યોજવામાં આવશે. દેશનાં ગામેગામ અને ખૂણેખૂણેથી 7500 કળશમાં માટી લઈને રાજધાની દિલ્હી પહોંચશે, યાત્રા પોતાની સાથે અલગ-અલગ વિસ્તારના છોડ પણ લઇ આવશે. આ માટી અને છોડથી નેશનલ વૉર મેમોરિયલ પાસે અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવશે, જે એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક બની રહેશે. 

  આગળ તેમણે કહ્યું કે, “મેં ગયા વર્ષે 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી 25 વર્ષના અમૃતકાળ માટે પંચ પ્રણની વાત કહી હતી. આ અભિયાનમાં ભાગ લઈને આપણે આ પંચ પ્રણને પૂર્ણ કરવાના શપથ લઈશું. તેમણે દેશવાસીઓને દેશની માટી હાથમાં લઈને આ શપથ લેતી સેલ્ફી yuva.gov.in પર પોસ્ટ કરવા માટે અપીલ કરી હતી. 

  - Advertisement -

  15 ઓગસ્ટ, 2022ના રોજ દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીએ એક વિશેષ અભિયાન લૉન્ચ કર્યું હતું. ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ તેમણે દેશવાસીઓને પોતપોતાનાં ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે આહવાન કર્યું હતું. જે અભિયાનને પ્રચંડ સફળતા મળી. હવે આ વર્ષે પણ પીએમ મોદીએ આ પ્રકારની અપીલ કરી છે. ‘મન કી બાત’માં તેમણે કહ્યું, “ગયા વર્ષે સ્વતંત્રતા દિવસે ‘હર ઘર તિરંગા’ અભિયાન માટે આખો દેશ આગળ આવ્યો હતો, એ જ રીતે આ વર્ષે પણ આપણે દરેક ઘર પર તિરંગો ફરકાવીને આ પરંપરા ચાલુ રાખીશું. આ પ્રયાસોથી આપણને કર્તવ્યોનો બોધ થશે, સ્વતંત્રતા માટે અપાયેલાં અસંખ્ય બલિદાનોનો બોધ થશે અને સ્વતંત્રતાનાં મૂલ્યોનો અહેસાસ થશે. જેથી દરેક દેશવાસીઓએ આ પ્રયાસોમાં જોડાવું જોઈએ. 

  આ સિવાય પણ પીએમ મોદીએ ‘મન કી બાત’માં અનેક મુદ્દે વાત કરી હતી. તેમણે તાજેતરમાં આવેલી પ્રાકૃતિક આપદાઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, સ્થાનિક તંત્રો, લોકો, NDRF, આર્મી વગેરેએ મળીને તેનો સામનો કર્યો અને આવા સમયે આપણી સંવેદનશીલતા અને એકબીજાને સહકાર આપવાની ભાવના ઘણી અગત્યની છે. ‘સર્વજન હિતાય’ની આ ભાવના ભારતની શક્તિનું પ્રતીક છે. તેમણે શ્રાવણ મહિનાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો મહિનો છે તો તે હરિયાળી અને આનંદ સાથે પણ સબંધ ધરાવે છે. શ્રાવણનો અર્થ જ આનંદ અને ઉત્સાહ થાય છે, જેનું ધાર્મિક મહત્વ તો છે જ પરંતુ સાંસ્કૃતિક મહત્વ પણ છે. કાવડ યાત્રા વિશે જણાવીને તેમણે ઉમેર્યું કે 12 જ્યોતિર્લિંગના દર્શને જતા લોકોનું પ્રમાણ પણ પ્રતિદિન વધી રહ્યું છે તો બનારસમાં દર વર્ષે 10 કરોડ લોકો આવે છે, જેના કારણે સ્થાનિકોને રોજગાર મળે છે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં