Tuesday, November 5, 2024
More
    હોમપેજએક્સપ્લેઇનરPM મોદીના હસ્તે વિશ્વકર્મા યોજનાનો શુભારંભ, 13 હજાર કરોડ રૂપિયા ખર્ચશે સરકાર:...

    PM મોદીના હસ્તે વિશ્વકર્મા યોજનાનો શુભારંભ, 13 હજાર કરોડ રૂપિયા ખર્ચશે સરકાર: કોને મળશે લાભ, શું હશે જોગવાઈઓ- જાણવા માંગો છો એ બધું જ

    PM વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીઓને ₹15,000નું ટૂલકિટ પ્રોત્સાહન મળશે. તેમજ લાભાર્થીને રોજના ₹500 સ્ટાઈપેન્ટ સાથે બેઝિક સ્કિલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. યોજનાનો મૂળ હેતુ કારીગરોનો વિકાસ કરવાનો અને તેમને મુખ્યધારા સાથે જોડી આત્મનિર્ભર બનાવવાનો છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (17 સપ્ટેમ્બર, 2023) ભગવાન વિશ્વકર્મા જયંતીના દિવસે પરંપરાગત કારીગરો અને શિલ્પકારો માટે ‘પીએમ વિશ્વકર્મા’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 13,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. વિશ્વકર્મા જયંતીની સાથે 17 સપ્ટેમ્બરે PM મોદીનો પણ જન્મદિવસ છે. PM મોદીના જન્મદિન નિમિત્તે રાષ્ટ્રવ્યાપી ‘આયુષ્યમાન ભવ’ કાર્યક્રમની પણ શરૂઆત થવા જઈ રહી છે.

    આ યોજના ભારતના અસંખ્ય કારીગરો અને શિલ્પકારો માટે લૉન્ચ કરવામાં આવી છે. 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લાથી રાષ્ટ્રજોગ સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની ઘોષણા કરી હતી. આ યોજના હેઠળ આવતા લોકોને 15,000 રૂપિયાની ટૂલકિટ પ્રોત્સાહન, 5 ટકાના રાહત દરે 1 લાખ રૂપિયા (પ્રથમ હપ્તો) અને 2 લાખ રૂપિયા (બીજો હપ્તો) સુધીની લોન આપવામાં આવશે. સાથે જ પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખપત્ર દ્વારા વિશ્વકર્માઓને (લાભાર્થીઓને) માન્યતા આપવામાં આવશે.

    વિશ્વકર્મા યોજના વિશે વધુ

    PM વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીઓને ₹15,000નું ટૂલકિટ પ્રોત્સાહન મળશે. તેમજ લાભાર્થીને રોજના ₹500 સ્ટાઈપેન્ટ સાથે બેઝિક સ્કિલ ટ્રેનિંગ પણ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ સુથાર, કડિયા, કુંભાર, લુહાર કે પછી આવા કામ સાથે જોડાયેલા અન્ય કારીગરોનો વિકાસ કરવાનો અને તેમને મુખ્યધારા સાથે જોડી આત્મનિર્ભર બનાવવાનો છે.

    - Advertisement -

    આ યોજના હેઠળ ગુરુ-શિષ્ય પરંપરા અથવા હાથ અને સાધનોથી કામ કરતા કારીગરોના પરંપરાગત કૌશલ્યોની કુટુંબ આધારિત પ્રથાને મજબૂત બનાવવા અને પોષવાનો પ્રયાસ થશે. આ યોજનાનો લાભ લઈ કારીગરો અને શિલ્પકારો ગુણવત્તામાં સુધારો કરી શકશે. આ સાથે તેઓ ડોમેસ્ટિક અને ગ્લોબલ વેલ્યૂ ચેઈનમાં સંકલન સાધી શકશે.

    કોણ લઈ શકે છે લાભ?

    આ યોજનાનો લાભ સુથાર, લુહાર, સોની, મિસ્ત્રી, વાળંદ, માળા બનાવનાર, ધોબી, દરજી, તાળું બનાવનાર, શસ્ત્રો બનાવનાર, શિલ્પકારો, પથ્થરની કોતરણી કરનાર, પથ્થર તોડનાર, મોચી/ પગરખાં બનાવનાર, બોટ બનાવનાર, બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર, ઢીંગલી અને રમકડા બનાવનાર, હેમર અને ટૂલકિટ ઉત્પાદક તેમજ પાછલી પકડવાની જાળ બનાવનાર સહિતના કારીગરો લઈ શકશે.

    આ યોજના હેઠળ તાલુકા અથવા જિલ્લા મથકોમાં રહેલા નાના અને મધ્યમ ઉદ્યોગ વિભાગ દ્વારા તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. લાભાર્થીને ટ્રેનિંગ સેશન મળશે. આ ટ્રેનિંગ સેશનના માધ્યમથી તેઓ માટે રોજગારીની તકો વધશે. બીજી તરફ આ યોજના હેઠળ તાલીમ મેળવતા કારીગરોને અર્ધકુશળ વેતન જેટલી આર્થિક સહાય પણ આપવામાં આવશે. આ યોજનામાં 13,000 કરોડનો ખર્ચ થશે. આ રકમ કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.

    લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

    યોજનાનો લાભ લેવા ઈચ્છતા અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. ઉમેદવારને યોજનાનો લાભ લેવા આધાર કાર્ડ, ઓળખકાર્ડ, રહેણાંકનો પુરાવો, મોબાઈલ નંબર, જાતિનું પ્રમાણપત્ર, બેન્ક એકાઉન્ટની પાસબુક અને પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતના ડોક્યુમેન્ટસની જરૂર પડશે. વિશ્વકર્માનું ફ્રી રજીસ્ટ્રેશન કોમન સર્વિસ સેન્ટર થકી બાયોમેટ્રિક આધારિત પીએમ વિશ્વકર્મા પોર્ટલનો ઉપયોગ કરીને થઈ શકશે. કોમર્શિયલ બેન્ક, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો, નાની ફાઇનાન્સ બેન્કો, સહકારી બેન્કો, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને માઇક્રો ફાઇનાન્સ સંયસ્થાઓ આ યોજના હેઠળ લોન આપવા માટે પ્રતિબદ્ધ છે

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં