Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમદાવાદમાં પુસ્તક મેળાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન: પોતાના માર્ગદર્શક અને ગુજરાતી ભાષાના પ્રખર વિદ્વાન...

    અમદાવાદમાં પુસ્તક મેળાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન: પોતાના માર્ગદર્શક અને ગુજરાતી ભાષાના પ્રખર વિદ્વાન કે. કા શાસ્ત્રીને યાદ કરતા વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત પુસ્તક મેળા 'કલમનો કાર્નિવલ'નું ઉદ્ઘાટન કર્યું હતું.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત ‘કલમનો કાર્નિવલ’નું ઉદ્ઘાટન કર્યું હતું અને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. વડાપ્રધાને આ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત, તેમણે ગુજરાતી ભાષા-સાહિત્યમાં અમૂલ્ય યોગદાન આપનારા કે. કા શાસ્ત્રીને, મહારાજા સયાજીરાવ ગાયકવાડ, મહારાજ ભગવતસિંહજી, નર્મદ વગેરે મહાનુભવોને યાદ કર્યા હતા. 

    પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે, ગુજરાતમાં પુસ્તકાલયોની જૂની પરંપરા રહી છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને યાદ કરતાં તેમણે કહ્યું કે, તેમણે રાજ્યનાં મુખ્ય સ્થળોએ પુસ્તકાલયોની સ્થાપના કરી હતી. ઉપરાંત, ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ ભગવદ્દગોમંડલ જેવો વિશાલ શબ્દકોશ આપ્યો હતો. એ જ રીતે, વીર કવિ નર્મદે નર્મકોષનું સંપાદન કર્યું. અને આ પરંપરા આપણા કે.કા શાસ્ત્રીજી સુધી ચાલી. 

    કે. કા શાસ્ત્રી અંગે જણાવતાં પીએમ મોદીએ કહ્યું કે, તેઓ એકસો વર્ષથી પણ વધુ સમય સુધી આપણી વચ્ચે રહ્યા અને આ ક્ષેત્રમાં બહુ મોટું યોગદાન આપ્યું. પુસ્તકો અને સાહિત્યરચનાના વિષયમાં ગુજરાતનો ઇતિહાસ બહુ સમૃદ્ધ રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવા પુસ્તક મેળા ગુજરાતના જન-જન સુધી અને યુવાઓ સુધી પહોંચે. 

    - Advertisement -

    કે. કા શાસ્ત્રી એટલે કે કેશવરામ કાશીરામ શાસ્ત્રી ગુજરાતી ભાષાના પ્રખર વિદ્વાનો પૈકીના એક હતા. તેમણે 240 જેટલાં પુસ્તકો અને 1500 જેટલા લેખો લખ્યા હતા. ઉપરાંત, તેઓ 19 જેટલા પી. એચડી વિદ્યાર્થીઓના માર્ગદર્શક પણ રહ્યા હતા. 

    ગુજરાતી ભાષા, વ્યાકરણ, ઇતિહાસ, સંપાદન, ચરિત્ર લેખન, નાટ્યલેખન વગેરે ક્ષેત્રમાં તેમણે અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમના યોગદાનને જોતાં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક ઉપરાંત પદ્મશ્રી જેવા પુરસ્કારો પણ મળ્યા હતા. ઉપરાંત, તેમને અખિલ ભારતીય સંસ્કૃત સંમેલન તરફથી ‘વિદ્યાવાચસ્પતિ’ અને ભારતી પરિષદ તરફથી ‘મહામહિમોપાધ્યાય’ની પદવી આપવામાં આવી હતી. 

    કે. કા શાસ્ત્રી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ઉપરાંત, વિશ્વ હિંદુ પરિષદના તેઓ સ્થાપક સભ્ય હતા. હિંદુઓના કલ્યાણના તેઓ પ્રખર હિમાયતી હતા અને હિંદુ એકતા માટે સતત કાર્યશીલ રહેતા હતા. તેઓ કહેતા કે હિંદુઓ સહિષ્ણુ છે અને રહેશે પણ, પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ પોતાની રક્ષા નહીં કરે. પ્રસરી રહેલા આતંકવાદને લઈને તેમણે કહ્યું હતું કે, હિંદુઓએ તેમની સ્વરક્ષાને લઈને જાગૃત થવું પડશે નહીં તો આવનારો સમય તેમના માટે જોખમી હશે. 

    ઉપરોક્ત વાત સ્વયં નરેન્દ્ર મોદીએ તેમના એક નિબંધમાં લખી છે. નરેન્દ્ર મોદી કે. કા શાસ્ત્રીને પિતાતૂલ્ય માનતા હતા. નરેન્દ્ર મોદીએ તેમની સાથેના અનુભવો પણ ટાંક્યા છે અને ઘણીવાર તેઓ સંબોધનમાં પણ તેનો ઉલ્લેખ કરે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, તેમણે (કે.કા શાસ્ત્રી) મારી ઉપર એક પિતાની જેમ વ્હાલ વરસાવ્યો હતો અને મને પણ તેમની પ્રત્યે એટલો જ લગાવ હતો. 

    એકવાર કે. કા શાસ્ત્રીએ પીએમ મોદીને લાડુનું બોક્સ મોકલાવ્યું હતું. જે વિશે પૂછતાં તેમણે નરેન્દ્ર મોદીને જણાવ્યું હતું કે, તેમણે તેમના માંગરોળ ખાતેના વતન સુધી મા નર્મદાનું પાણી પહોંચાડ્યું હોવાથી તેની ખુશીમાં તેમણે આ લાડુ મોકલાવ્યા છે. આ વાતનો ઉલ્લેખ પણ સ્વયં નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

    કે. કા શાસ્ત્રી સો વર્ષનું લાંબુ જીવન જીવ્યા હતા અને વર્ષ 2006માં તેમનું અવસાન થયું હતું. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાત સરકારે વર્ષ 2005માં તેમની શતાબ્દી પણ ઉજવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં