77મા સ્વાતંત્ર્ય દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. દરમ્યાન તેમણે છેલ્લાં 10 વર્ષનો હિસાબ આપતાં ભારતે કરેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો. સાથે વિશ્વના નકશા પર ભારતના વધતા કદ પર પણ ભાર આપ્યો અને 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લેવાનું અને તે દિશામાં પુરૂષાર્થ અને કઠોર પરિશ્રમ કરવાનું આહવાન કર્યું.
“આજે હું તિરંગાની સાક્ષીએ દેશવાસીઓને છેલ્લાં 10 વર્ષનો હિસાબ આપવા આવ્યો છું”, તેમ કહીને વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે-
-10 વર્ષ પહેલાં રાજ્યોને 30 લાખ કરોડ કેન્દ્ર તરફથી જતા હતા. 9 વર્ષમાં આ આંકડો 100 લાખ કરોડ પર પહોંચ્યો છે.
-પહેલાં સ્થાનિક શાખાઓ માટે 70 હજાર કરોડ આપવામાં આવતા હતા, જે હવે 3 લાખ કરોડ થયા છે.
-પહેલાં ગરીબોને ઘર બનાવવા માટે 90 હજાર કરોડ અપાતા હતા, જે આજે 4 ગણા વધીને 4 લાખ કરોડથી વધુ થયા છે.
-ગરીબોને યુરિયા સસ્તું મળે તે માટે 10 લાખ કરોડની સબસિડી આપવામાં આવી.
-મુદ્રા યોજના હેઠળ યુવાનોને વ્યવસાય શરૂ કરવા 20 લાખ કરોડ અપાયા અને 8 કરોડ લોકોએ નવા કારોબાર શરૂ કરીને અન્યોને પણ રોજગાર આપ્યા.
-MSMEને સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાની મદદ પૂરી પાડીને કોરોનાના સંકટમાં પણ ડૂબવા નથી દીધા.
-વન રેન્ક-વન પેંશનથી 70 હજાર કરોડ રૂપિયા ભારતની તિજોરીથી નિવૃત્ત સેનાનાયકો સુધી પહોંચ્યા.
140 કરોડ દેશવાસીઓના પુરૂષાર્થથી અર્થવ્યવસ્થા મજબૂત બની રહી છે: PM
PM મોદીએ કહ્યું કે, “અમે જ્યારે 2014માં આવ્યા હતા ત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનું સ્થાન 10મા ક્રમે હતું. આજે 140 કરોડ દેશવાસીઓનો પુરૂષાર્થ રંગ લાવ્યો છે કે આપણે વિશ્વની અર્થવ્યવસ્થામાં પાંચમા ક્રમે પહોંચી ચૂક્યા છીએ. આમ જ નથી થયું, ભ્રષ્ટાચારના રાક્ષસે દેશને બાનમાં લીધો હતો, લાખો-કરોડોના ગોટાળા દેશને અસ્થિર કરી રહ્યા હતા. પરંતુ અમે મન બનાવ્યું, ગરીબ કલ્યાણ માટે વધુને વધુ ધન ખર્ચવાનો પ્રયાસ કર્યો અને દેશવાસીઓને જણાવવા માંગુ છું કે દેશ આર્થિક રીતે સમૃદ્ધ થાય તો તિજોરી નથી વધતી, દેશનું અને દેશવાસીઓનું સામર્થ્ય વધે છે અને તિજોરીની પાઈ-પાઈ ઈમાનદારીથી ખર્ચવાનું સામર્થ્યવાળી સરકાર હોય તો વિકાસ જરૂર થાય છે.”
તેમણે કહ્યું કે, છેલ્લાં 5 વર્ષમાં સાડા તેર કરોડ ગરીબ ભાઈ-બહેન ગરીબીની સાંકળોને તોડીને બહાર આવ્યા છે. તેનાથી મોટો કોઈ સંતોષ નહીં હોય. દેશમાં ગરીબી ઘટે છે તો દેશની મધ્યમવર્ગની શક્તિ વધે છે. ગરીબની ખરીદશક્તિ વધે છે તો મધ્યમવર્ગની વેપારશક્તિ વધે છે. આ ઇન્ટરકનેક્ટેડ અર્થચક્રને બળ આપીને આગળ વધતા રહીશું.
PM મોદીએ કહ્યું કે, “અમે પીએમ કિસાન સમ્માન નિધિમાં અઢી લાખ કરોડ દેશના ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે. જલજીવન મિશનથી ઘર-ઘર સુધી પાણી પહોંચાડવા 2 લાખ કરોડ ખર્ચ્યા. આયુષ્માન ભારત, જેથી ગરીબને બીમારીના કારણે મુશ્કેલી ન પડે, તેને દવા મળે, સારવાર મળે તે માટે 70 હજાર કરોડ લગાવ્યા છે. પશુધન બચાવવા માટે 15 હજાર કરોડ રૂપિયા લગાવ્યા.”
મોંઘવારીનો બોજ નાગરિકો પર ન પડે તેવો અમારો પ્રયાસ રહ્યો છે: વડાપ્રધાન
વડાપ્રધાને મોંઘવારીનો ઉલ્લેખ કરીને તેને કાબૂમાં લેવાની વાત કરી. તેમણે કહ્યું કે, કોરોના બાદ વિશ્વ પર યુદ્ધની મુસીબત આવી અને જેનાથી તમામ દેશો પ્રભાવિત થયા છે. તેમણે ઉમેર્યું કે, “વિશ્વમાંથી આપણે સામાન લઈએ છીએ તો મોંઘવારી પણ ઈમ્પોર્ટ કરવી પડે છે. ભારતે મોંઘવારી નિયંત્રિત રાખવા ભરપૂર પ્રયાસો કર્યા છે અને આપણને સફળતા પણ મળી છે. પરંતુ દુનિયા કરતાં સ્થિતિ સારી છે એમ વિચારીને બેસી રહેવાય નહીં. મારો નિરંતર પ્રયાસ રહ્યો છે કે લોકો પરથી મોંઘવારીનો બોજ સતત ઓછો થતો રહે.
લાલ કિલ્લા પરથી PM મોદીએ આતંકવાદ અને આંતરિક સુરક્ષાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, પહેલાં છાશવારે દેશમાં બૉમ્બ ધમાકાના સમાચાર આવતા રહેતા, પરંતુ દેશ આજે સુરક્ષાની અનુભૂતિ કરી રહ્યો છે અને શાંતિ અને સુરક્ષા હોય તો જ પ્રગતિ થાય છે. સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ આજે ભૂતકાળ બની ગયો છે, નિર્દોષોનાં મોત હવે વીતી ગયેલી વાત બની ગયાં છે અને આતંકવાદી ઘટનાઓ પણ ઓછી થઇ છે તો નક્સલવાદની અસરોમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે.