Sunday, November 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવડાપ્રધાનની હાજરીમાં 7500 મહિલાઓએ સૂતર કાંતીને ઇતિહાસ રચ્યો, ‘અટલ બ્રિજ’નું પણ લોકાર્પણ:...

    વડાપ્રધાનની હાજરીમાં 7500 મહિલાઓએ સૂતર કાંતીને ઇતિહાસ રચ્યો, ‘અટલ બ્રિજ’નું પણ લોકાર્પણ: પીએમ મોદીની લોકોને ખાસ અપીલ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જ્યાં અમદાવાદ ખાતે તેમણે સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલા અટલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ખાદી ઉત્સવનું નિરીક્ષણ કરી રેંટિયો પણ કાંત્યો હતો. 

    અટલ ફુટઓવર બ્રિજનું લોકાર્પણ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અટલ બ્રિજ સાબરમતી નદીના બે કિનારાને જ એકબીજા સાથે નથી જોડતો પરંતુ આ ડિઝાઇન અને ઇનોવેશનમાં પણ અભૂતપૂર્વ છે. વડાપ્રધાને જણાવ્યું કે, બ્રિજની ડિઝાઇનમાં પ્રખ્યાત પતંગોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

    300 મીટર લાંબા અને 14 મીટર પહોળા આ બ્રિજનું નિર્માણ 2,600 મેટ્રિક ટન સ્ટીલના પાઇપથી કરવામાં આવ્યું છે. જ્યારે છત રંગબેરંગી ફેબ્રિકથી બનાવવામાં આવ્યું છે. તેમજ રેલિંગ ગ્લાસ અને સ્ટેનલેસ સ્ટીલથી બનાવવામાં આવી છે. લોકો બંને વોકવે પરથી તેની પર જઈ શકે તે પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું છે. બ્રિજ બનાવવામાં 74 કરોડ 29 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. 

    - Advertisement -

    આ ઉપરાંત, વડાપ્રધાને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ખાદી ઉત્સવ’ને પણ સંબોધિત કર્યો હતો. તેમણે રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની નવી ઇમારતનું પણ લોકાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે, સાબરમતીનો આ કિનારો આજે ધન્ય થઇ ગયો છે. સ્વતંત્રતાનાં 75 વર્ષ પૂર્ણ થવા પર 7500 બહેન-દીકરીઓએ એકસાથે રેંટિયા પર સૂતર કાંતીને નવો ઇતિહાસ રચ્યો છે.

    વડાપ્રધાને કહ્યું કે, ઇતિહાસ સાક્ષી છે કે ખાદીનો એક દોરો સ્વતંત્રતાના આંદોલનની શક્તિ બની ગયો અને તેણે ગુલામીની સાંકળો તોડી નાંખી. ખાદીનો એ જ દોરો વિકસિત ભારતના પ્રણ પૂરા કરવા તેમજ આત્મનિર્ભર ભારતના સપનાને પૂર્ણ કરવા માટેનો પ્રેરણાસ્ત્રોત બની શકે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

    વડાપ્રધાને કહ્યું કે, આજે પહેલીવાર ભારતના ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર એક લાખ કરોડથી વધી ગયું છે. તેમણે ઉમેર્યું કે, દેશના ખાદી ઉદ્યોગની વધતી શક્તિઓ પાછળ મહિલા શક્તિનો બહુ મોટો હાથ છે. આપણે ત્યાંની બેન-દીકરીઓમાં ઉદ્યમની ભાવના જોવા મળે છે. ગુજરાતમાં સખી મંડળોનો વિસ્તાર જેની સાબિતી છે.

    વડાપ્રધાને દેશના લોકોને આવનારા તહેવારોમાં ખાદી ગ્રામોદ્યોગમાં બનેલાં ઉત્પાદનો જ ભેટમાં આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, તમારી પાસે અલગ-અલગ કાપડના કપડાં હોય શકે છે પરંતુ તેમાં ખાદીને પણ સ્થાન આપવામાં આવે તો વોકલ ફોર લોકલ અભિયાનને પણ ગતિ મળશે.

    રમકડાં ઉદ્યોગનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, વિદેશી રમકડાંની હરીફાઈમાં ભારતનો સમૃદ્ધ રમકડાં ઉદ્યોગ નષ્ટ થઇ રહ્યો હતો. પરંતુ સરકારના પ્રયાસોથી રમકડાં ઉદ્યોગ સાથે જોડાયેલા ભાઈ-બહેનોના પરિશ્રમથી હવે સ્થિતિ બદલાવા માંડી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં