Thursday, May 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આજે હું તમને સજા આપીશ’ કહીને સાંસદોને કેન્ટિનમાં લઇ ગયા PM મોદી,...

    ‘આજે હું તમને સજા આપીશ’ કહીને સાંસદોને કેન્ટિનમાં લઇ ગયા PM મોદી, સાથે કર્યું ભોજન: હળવી ચર્ચાઓ વચ્ચે અચાનક ગોઠવાયેલા પાકિસ્તાન પ્રવાસનો કિસ્સો પણ કહી સંભળાવ્યો

    બપોરે લગભગ 2 વાગ્યે પીએમ ઑફિસમાંથી કેટલાક સાંસદોને ફોન આવ્યા હતા કે વડાપ્રધાન તેમને મળવા માંગે છે. આ અચાનક ગોઠવાયેલી મુલાકાતથી આશ્ચર્યચકિત સાંસદો તેમની રાહ જોઇને ઉભા હતા, વડાપ્રધાને આવીને તરત જ કહ્યું હતું કે "હું આજે તમને બધાને એક સજા આપવાનો છું."

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (9 ફેબ્રુઆરી) નવા સંસદ ભવનની કેન્ટિનમાં 8 સાંસદો સાથે લંચ (બપોરનું ભોજન) લીધું હતું. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુ પાલન અને ડેરી મંત્રાલય અને સુચના તેમજ પ્રસારણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી સહિત અન્ય સાંસદ પણ હાજર રહ્યા. વડાપ્રધાને સાંસદો સાથે આ દરમિયાન ઘણી વાતો કરી.

    મળતી માહિતી અનુસાર, બપોરે લગભગ 2 વાગ્યે પીએમ ઑફિસમાંથી કેટલાક સાંસદોને ફોન આવ્યા હતા કે વડાપ્રધાન તેમને મળવા માંગે છે. આ અચાનક ગોઠવાયેલી મુલાકાતથી આશ્ચર્યચકિત સાંસદો તેમની રાહ જોઇને ઉભા હતા કે વડાપ્રધાને આવીને તરત જ કહ્યું હતું કે “હું આજે તમને બધાને એક સજા આપવાનો છું.” આમ કહીને તેઓ સાંસદોને સંસદ ભવનની કેન્ટિનમાં લઈ ગયા જ્યાં આ તમામ સાંસદો સાથે તેમણે બપોરનું ભોજન લીધું.

    સંસદ ભવનની કેન્ટિનમાં પહેલાંથી જ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી હતી. ત્યાં તમામ 8 સાંસદોએ વડાપ્રધાન મોદી સાથે મળીને શાકાહારી ભોજન લીધું. આ સાંસદો અલગ અલગ પાર્ટીના હતા. લગભગ એક કલાક સુધી ચાલેલા આ ભોજનમાં સાંસદો અને વડાપ્રધાન વચ્ચે અનેક વિષયો પર ચર્ચાઓ થઇ.

    - Advertisement -

    સાંસદો અને વડાપ્રધાન વચ્ચે હળવી ચર્ચાઓ

    આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સાંસદોને કહ્યું હતું કે, “હું પણ એક સામાન્ય માણસ છું અને કંઈ હંમેશા વડાપ્રધાનની જેમ નથી રહેતો. હું પણ લોકો સાથે વાત કરું છું અને આજે મને મન થયું કે આપ લોકો સાથે ભોજન લઉં અને ચર્ચાઓ કરું, એટલે જ તમને લોકોને બોલાવી લીધા.”

    મીડિયા અહેવાલોમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, આ દરમિયાન એક સાંસદ દ્વારા વડાપ્રધાન મોદીને તેમના ભાવતાં વ્યંજન વિશે પૂછતાં તેમણે જવાબમાં કહ્યું હતું કે, ખીચડી તેમને ભાવતી ડીશ છે. આ દરમિયાન ચાલેલી ચર્ચામાં જ્યારે વડાપ્રધાન મોદીને સમય પ્રબંધ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, “મને લાંબા સમય સુધી કામ કરવાની આદત છે, ક્યારેક ક્યારેક મને ખ્યાલ જ નથી રહેતો કે હું આખો દિવસ સૂતો નથી.” કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાને આ દરમિયાન તેમ પણ કહ્યું હતું કે તેમના ગુજરાતના મુખ્યમંત્રી કાર્યકાળનો અનુભવ હાલ તેમને કામ આવી રહ્યો છે.

    2015માં અચાનક પાકિસ્તાન પ્રવાસનો કિસ્સો કહી સંભળાવ્યો

    ઉલ્લેખનીય છે કે આ લંચ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના વર્ષ 2015ના અચાનક પાકિસ્તાન પ્રવાસનો કિસ્સો કહી સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે, તે દિવસે બપોરે 2 વાગ્યા સુધી તેઓ સંસદમાં હતા. ત્યારબાદ પહેલાથી નિર્ધારિત અફઘાનિસ્તાનની યાત્રાએ નીકળી ગયા. તેમણે આગળ જણાવ્યું કે, “અફઘાનિસ્તાનથી પરત આવતી વખતે મેં પાકિસ્તાન પ્રવાસનો નિર્ણય લીધો. મારા SPGએ મને આ માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યાર બાદ મેં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ફોન કર્યો અને પૂછ્યું કે શું પાકિસ્તાનના વડાપ્રધાન તેમનું સ્વાગત કરવા તૈયાર છે?” બંને પક્ષે સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ થયા બાદ તેમણે પાકિસ્તાન પ્રવાસ કર્યો હતો તેમ તેમણે જણાવ્યું હતું.

    કયા-કયા સાંસદો હાજર હતા લંચમાં?

    નવા સંસદ ભવનની કેન્ટીનમાં વડાપ્રધાન મોદીનું 8 સાંસદો સાથે સરપ્રાઈઝ લંચ આજે ચર્ચાનો વિષય બન્યું છે. આ લંચમાં ભાજપના કેન્દ્રીય મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય તેમજ સૂચના અને પ્રસારણ મંત્રી એલ મુરુગન, ઉત્તર પ્રદેશના આંબેડકર નગર લોકસભા સીટ પરથી બહુજન સમાજ પાર્ટીના સાંસદ રીતેશ પાંડે, ભાજપ સાંસદ હીના ગાવિત, ભાજપ સાંસદ અને નાગાલેંડથી પ્રથમ મહિલા રાજ્યસભા સદસ્ય એસ. ફાંગનોન કોન્યાક, કેરળની રિવોલ્યુશન પાર્ટીના સાંસદ એન પ્રેમચંદ્રન, આંધ્રપ્રદેશની ડીટીપીના સાંસદ રામ મોહન નાયડુ અને લદ્દાખના ભાજપ સાંસદ જામિયાંગ અને બીજેડી સાંસદ સસ્મિત પાત્રા આ લંચમાં વડાપ્રધાન સાથે હાજર હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં