વડાપ્રધાન મોદી મંગળવારે (16 જાન્યુઆરી) આંધ્રપ્રદેશની મુલાકાતે હતા. આ દરમિયાન PM મોદી આંધ્રપ્રદેશના લેપાક્ષીમાં સ્થિત વિરભદ્ર મંદિરે પણ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પૂજા-અર્ચના કરીને ભજનનો લ્હાવો લીધો હતો. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશ રામમય થઈ ગયો છે, ત્યારે PM મોદી પણ રામમય થતાં નજરે પડ્યા છે. વિરભદ્ર મંદિરમાં તેમણે રંગનાથ રામાયણની ચોપાઈ સાંભળી હતી. આ ઉપરાંત તેમણે ‘શ્રીરામ જય રામ, જય-જય રામ’ ભજન પણ ગાયું હતું. તેમનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
#WATCH | Prime Minister Narendra Modi sings 'Shri Ram Jai Ram' bhajan at the Veerbhadra Temple in Lepakshi, Andhra Pradesh pic.twitter.com/6F0lyyQSXN
— ANI (@ANI) January 16, 2024
રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં PM મોદી આંધ્રપ્રદેશના લેપાક્ષી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિરભદ્ર મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી. એ ઉપરાંત તેમણે રંગનાથ રામાયણની ચોપાઈ સાંભળી હતી અને ‘શ્રીરામ જય રામ, જય-જય રામા’ ભજનમાં રામમય બનીને મંત્રમુગ્ધ થયા હતા. PM મોદીનો તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, વિરભદ્ર મંદિર ભગવાન શિવને સમર્પિત મંદિર છે. અહિયાં ભગવાન શિવના અતિરૌદ્ર સ્વરૂપ વિરભદ્રની પૂજા કરવામાં આવે છે. આ મંદિર 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જેમાં વિજયનગરના મહાન હિંદુ સામ્રાજ્યની વાસ્તુકલા જોવા મળે છે.
લેપાક્ષીમાં જટાયુ અને રાવણ વચ્ચે થયું હતું યુદ્ધ
રામાયણમાં લેપાક્ષીનું ઐતિહાસિક મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, અહિયાં જ જટાયુ અને રાવણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. રાવણ જ્યારે માતા સીતાનું અપહરણ કરીને લઈ જઈ રહ્યો હતો ત્યારે આ સ્થળ પર જ જટાયુ સાથે તેણે યુદ્ધ કર્યું હતું. જે બાદ ઘાયલ થયેલા જટાયુ લેપાક્ષીની ભૂમિ પર પડ્યા હતા. આ દરમિયાન પ્રભુ શ્રીરામે જટાયુની અંતિમવિધિ પણ આ જ સ્થળે કરી હતી.
PM મોદી વિરભદ્ર મંદિર એવા સમયે પહોંચ્યા છે, જ્યારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને માત્ર 6 દિવસનો વિલંબ છે. આ દરમિયાન PM મોદી 11 દિવસનું વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે. તેમની આ લેપાક્ષી યાત્રા નાસિક શ્રીકલા રામ મંદિરની મુલાકાત બાદ થઈ રહી છે. થોડા દિવસો પહેલાં તેઓ નાસિકમાં ગોદાવરી તટ પર સ્થિત પંચવટી પહોંચ્યા હતા. તેમણે કલા રામ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને મરાઠીમાં રામાયણ અને ભગવાન રામના અયોધ્યા આગમનના ગીતો સાંભળ્યા હતા.