PM નરેન્દ્ર મોદી માટે શનિવાર (9 માર્ચ) ખૂબ વ્યસ્ત દિવસ છે. તેઓ આ એક જ દિવસમાં ચાર રાજ્યોની યાત્રા કરશે. તેઓ 8 માર્ચના રોજ આસામ પહોંચ્યા હતા અને કાઝીરંગા નેશનલ પાર્કમાં રાત્રિરોકાણ કર્યું હતું. જે બાદ 9 માર્ચની વહેલી સવારે લગભગ 5.45 કલાકે તેમણે કાઝીરંગા નેશનલ પાર્કમાં સફારી માટે રવાના થયા હતા. તેમણે 2 કલાક સુધી કાઝીરંગા નેશનલ પાર્કમાં સફારી કરી. આ પાર્ક હાથી, એકશિંગી ગેંડા, જંગલી ભેંસ, વાઘ અને હરણ માટે જાણીતો છે.
#WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. The PM also took an elephant safari here. pic.twitter.com/Kck92SKIhp
— ANI (@ANI) March 9, 2024
PM મોદી કાઝીરંગા નેશનલ પાર્કમાં કુદરતી વાતાવરણ વચ્ચે 2 કલાક ભ્રમણ કર્યું. આ દરમિયાન તેમણે જંગલ સફારીની મજા માણી હતી. સાથે તેમણે અનેક પ્રાણીઓની તસવીરો પણ ક્લિક કરી હતી. ઉપરાંત તેઓ હાથી પર સવારી કરતા પણ જોવા મળ્યા હતા. સાથે જ તેમણે વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ સાથે જીપ સફારી પણ કરી હતી. જે બાદ હવે તેઓ અરુણાચલ પ્રદેશ જવા માટે રવાના થશે. જ્યાં સવારે 10:30 કલાકે તેઓ ‘વિકસિત ભારત, વિકસિત નોર્થ ઈસ્ટ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ સેના ટનલનું લોકાર્પણ કરશે અને લગભગ ₹10,000 કરોડની ઉન્નતિ યોજનાઓનું લોકાર્પણ કરશે. અહીંથી જ તેઓ અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા માટેની લગભગ ₹55,600 કરોડની બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે.
ત્યારબાદ, PM મોદી લગભગ 12:15 કલાકે આસામના જોરહાટ જશે અને મહાન અહોમ સેનાપતિ લચિત બોરફુકનની 125 ફૂટ ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ વેલર’ (બહાદુરીની પ્રતિમા)નું અનાવરણ કરશે. જે બાદ તેઓ જોરહાટમાં જ એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને આસામ માટે ₹17,500 કરોડથી વધુની બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. જે પછી તેઓ પશ્ચિમ બંગાળના સિલિગુડી જવા માટે રવાના થશે. સાંજે લગભગ 3.45 કલાકે તેઓ ત્યાં પહોંચશે અને એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે.
અહીં જ PM મોદી પશ્ચિમ બંગાળને અનેક પરિયોજનાઓની ભેટ આપશે. તેઓ અંદાજિત ₹4,500 કરોડની બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. ત્યારપછી સાંજે લગભગ 7 કલાકે તેઓ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં પહોંચશે. જ્યાં તેઓ એરપોર્ટથી કાશી વિશ્વનાથ મંદિર સુધી ભવ્ય રોડ શો પણ કરશે. જે બાદ તેઓ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે અને મહાદેવના દર્શન કરશે.
PM મોદી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરીને તેમના મતવિસ્તારના ભાજપ નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે અને લોકસભા ચૂંટણીને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ શકે છે. આ ઉપરાંત તેઓ વારાણસીમાં જ રાત્રિરોકાણ કરશે અને રવિવારે (10 માર્ચ) તેઓ આઝમગઢ જવા માટે રવાના થશે. આમ, PM મોદી શનિવારે (9 માર્ચે) એક જ દિવસમાં ચાર રાજ્યોનો પ્રવાસ કરશે અને ત્યાંના કાર્યક્રમોમાં ભાગ પણ લેશે.