Wednesday, April 17, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીના પ્રશંસક બન્યા નોબેલ પીસ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર, કહ્યું- તેઓ...

  પીએમ મોદીના પ્રશંસક બન્યા નોબેલ પીસ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર, કહ્યું- તેઓ સૌથી વિશ્વસનીય નેતા

  નોબેલ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લ ટોયેએ કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે રશિયાના રાષ્ટ્રપતિને જે રીતે સમજાવ્યા તે ખરેખર પ્રશંસનીય છે.

  - Advertisement -

  નોબેલ પીસ પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લ ટોયે હાલ ભારતના પ્રવાસે છે. એક વાતચીત દરમિયાન ટોયેએ પીએમ મોદીના વખાણ કર્યાં હતાં અને તેમને વિશ્વસનીય નેતા ગણાવ્યા હતા તો રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટેના તેમના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.  

  નોબેલ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લ ટોયેએ કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે રશિયાના રાષ્ટ્રપતિને જે રીતે સમજાવ્યા તે ખરેખર પ્રશંસનીય છે. તેમણે પરમાણુ યુદ્ધના પરિણામો વિશે કોઈ પણ જાતની ધમકી વિના કડક સંદેશ આપ્યો અને આપણને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આવા નેતાની વધુ જરૂર છે.

  નોબેલ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લ ટોયેએ લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને રોકવામાં ભારતની મહત્વની ભૂમિકા પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “પીએમ મોદી ખૂબ જ શક્તિશાળી દેશમાંથી આવે છે. વિશ્વ સ્તરે તેમને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. તેઓ ઘણી વિશ્વસનીયતા ધરાવે છે. તેઓ આ ભયાનક યુદ્ધને રોકવા માટે તેમની વિશ્વસનીયતા અને શક્તિનો ઉપયોગ કરશે.”

  - Advertisement -

  નોબેલ પ્રાઇઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લ ટોયેએ 15 માર્ચ 2023ના રોજ ABP ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું હતું કે, “પીએમ મોદી વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા માટે સૌથી વિશ્વસનીય ચહેરાઓમાંના એક છે. દેશની આર્થિક અને સામાજિક પ્રગતિની વાત કરતા તેમણે એ વાત પર પણ જોર આપ્યું હતું કે પીએમ મોદીની નીતિના કારણે ભારત એક સમૃદ્ધ અને શક્તિશાળી દેશ બની રહ્યો છે.” તેમણે કહ્યું હતું કે, “મને ખુશી છે કે મોદી માત્ર ભારતને આગળ વધારવા માટે જ કામ નથી કરી રહ્યા પરંતુ દુનિયામાં શાંતિ માટે મહત્વપૂર્ણ એવા મુદ્દાઓ પર પણ કામ કરી રહ્યા છે. દુનિયાએ ભારત પાસેથી શીખવાની જરૂર છે.”

  એસ્લ ટોયેએ પોતાના ઇન્ટરવ્યુમાં અમેરિકા અને ચીન સાથે સરખામણી વિશે પણ નિવેદન આપતા કહ્યું હતું કે યુદ્ધ અને બચાવની વાત કરવાના બદલે આ બંને દેશોએ ભારત પાસેથી શીખવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વએ ભારત પાસેથી શીખવાની જરૂર છે અને આખરે ભારત એક મહાસત્તા બનશે તે નિશ્ચિત છે.

  અમુક મીડિયા રિપોર્ટ્સમાં ટોયેએ પીએમ મોદીને નોબેલ પીસ પ્રાઈઝ માટેના સૌથી મોટા દાવેદાર ગણાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તે નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું, “હું ભારતમાં નોર્વેજીયન નોબેલ કમિટીના ડેપ્યુટી લીડર તરીકે નથી આવ્યો પરંતુ ઇન્ટરનેશનલ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગના ડાયરેક્ટર તરીકે અને ઇન્ડિયા સેન્ટર ફાઉન્ડેશનના મિત્ર તરીકે આવ્યો છું.” આગળ તેમણે ઉમેર્યું, “એક ફેક ટ્વિટ શૅર કરવામાં આવ્યું હતું અને આપણે તેને ફેક ન્યૂઝ તરીકે જ લેવું જોઈએ. હવે તેની ચર્ચા કરવી ન જોઈએ. એ ટ્વિટમાં જે કહેવામાં આવ્યું છે તેવું કંઈ પણ કહ્યું હોવાનો હું સ્પષ્ટ ઇનકાર કરું છું.” જોકે, એસ્લ ટોયે રશિયા-યુક્રેન યુદ્ધને રોકવામાં પીએમ મોદીના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

  (અપડેટ: કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં નોબેલ પીસ પ્રાઈઝની પ્રાઈઝ કમિટીના ડેપ્યુટી લીડર એસ્લ ટોયેને ટાંકીને પીએમ મોદી નોબેલ પીસ પ્રાઈઝના સૌથી મોટા દાવેદાર હોવાના સમાચારો આપવામાં આવ્યા હતા. પરંતુ ટોયેનું નિવેદન અને ખંડન સામે આવ્યા બાદ આ રિપોર્ટમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે.) 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં