અબુ ધાબીમાં બની રહેલા BAPS હિંદુ મંદિરનું નિર્માણ તેના અંતિમ તબક્કામાં છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, જે તેમણે સ્વીકારી લીધું છે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના અગ્રણી સંતો અને બોર્ડ ઑફ ડિરેક્ટર્સ ગુરુવારે (28 ડિસેમ્બર) વડાપ્રધાનને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને 14 ફેબ્રુઆરી, 2024ના રોજ મંદિરના ઉદ્દઘાટન સમારોહમાં હાજર રહેવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. સંસ્થાએ આ બાબતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે વડાપ્રધાને સસ્નેહ આમંત્રણ સ્વીકારી લીધું છે અને મંદિરને તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી છે.
PM Modi accepts invitation to inaugurate the BAPS Hindu Mandir in Abu Dhabi, Delhi, India https://t.co/4OjdYUOm4u pic.twitter.com/ZluAL4xWDK
— BAPS (@BAPS) December 28, 2023
PMને આમંત્રણ પાઠવવા માટે BAPS સંસ્થાના સંતો સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારી દાસ તેમજ બોર્ડ ઑફ ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, સંતોએ પીએમ સાથે મુલાકાત કરીને તેમને ભારતભરમાં ધાર્મિક તીર્થસ્થાનોના થઈ રહેલા વિકાસ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન BAPS ડેલિગેશને વડાપ્રધાનને વૈશ્વિક સ્તરે તેમણે મેળવેલી ઉપલબ્ધિઓ માટે પણ બિરદાવ્યા અને ખાસ કરીને UAE અને અન્ય મધ્ય-પૂર્વીય દેશો સાથે સંબંધો સુધારવાની તેમની પહેલનું સ્વાગત કર્યું. સંસ્થાએ જણાવ્યું હતું કે સંતોએ વડાપ્રધાનના કુશળ સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરી હતી.
બેઠક દરમિયાન સંતોએ પીએમ મોદીને મંદિર નિર્માણને લઈને પણ જાણકારી આપી હતી અને ઉદઘાટન કાર્યક્રમ વિશે પણ જણાવ્યું હતું. બેઠક દરમિયાન PM મોદીએ સંસ્થાના વડા રહી ચૂકેલા પ્રમુખ સ્વામી મહારાજ સાથેનાં તેમનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં અને સાથે વર્તમાન વડા મહંત સ્વામીના ખબરાંતર પણ પૂછ્યા હતા.
મુલાકાત દરમિયાન સંતોએ જે આમંત્રણ પત્રિકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપી હતી, તેની ઉપર સંસ્થાના વડા મહંત સ્વામીએ હસ્તાક્ષર કરેલા જોવા મળે છે. જેની ઉપર લખવામાં આવ્યું છે- ‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર મોદી સાહેબ.’ સાથે સાધુ કેશવજીવન દાસના (મહંત સ્વામી) હસ્તાક્ષર જોવા મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે પ્રમુખ સ્વામી મહારાજ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટના સંબંધો હતા. જે બાબતો તેઓ અવારનવાર પોતાનાં સંબોધનોમાં જણાવી ચૂક્યા છે.
વાત અબુ ધાબીમાં નિર્માણ પામી રહેલા BAPS મંદિરની કરવામાં આવે તો પૂર્વમધ્યમાં આ પહેલું હિંદુ મંદિર હશે. મંદિરનું નિર્માણ 55,000 સ્ક્વેર મીટરમાં કરવામાં આવી રહ્યું છે. તેનું સંચાલન BAPS સ્વામિનારાયણ સંસ્થા કરશે. એપ્રિલ, 2019માં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આગામી 14 ફેબ્રુઆરી, 2024ના રોજ તેનું ઉદઘાટન કરવામાં આવશે.