Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપીએમ મોદીએ જે ‘એસ્ટોલ પ્રોજેક્ટ’નું કર્યું ઉદ્ઘાટન તે શું છે અને તે...

    પીએમ મોદીએ જે ‘એસ્ટોલ પ્રોજેક્ટ’નું કર્યું ઉદ્ઘાટન તે શું છે અને તે કેવી રીતે પહાડી વિસ્તારોમાં 200 માળ ઉંચે પહોંચાડાશે પાણી?

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ ગુજરાતના ખુડવેલ ખાતે મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું જે પોતાની રીતે અનોખો પ્રોજેક્ટ છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. નવસારીના ચીખલી તાલુકાના ખુડવેલ ગામે તેમણે ગુજરાત ગૌરવ અભિયાન હેઠળ કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમહુર્ત કર્યું હતું. આ ઉપરાંત, પીએમ મોદીએ તેમના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ એસ્ટોલ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ એસ્ટોલ પ્રોજેક્ટ હેઠળ સાડા ચાર લાખ લોકોને લાભ મળવા જઈ રહ્યો છે. 

    આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકો સુધી પાણી પહોંચાડવા માટે લૉન્ચ કરવામાં આવ્યો હતો. મધુબન બંધના પાણીને પમ્પિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. પહેલીવાર મધુબન ડેમના પાણીનો ઉપયોગ પીવાના પાણી તરીકે કરવામાં આવશે. પહેલાં માત્ર સિંચાઈના પાણી તરીકે કરવામાં આવતો હતો.

    દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો ધરમપુર અને કપરાડાની ભૌગોલિક સ્થિતિ એ પ્રકારની છે કે ત્યાં વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકતો નથી અને મોટાભાગની જમીન પણ પથરાળ છે. તેમજ ભૂગર્ભ જળની સ્થિતિ પણ ઠીક નથી. જેના કારણે ચોમાસામાં જળાશયોમાં પાણી ભરાવા છતાં જમીનમાં ઉતરી શકતું નથી. જેથી ચોમાસા બાદ જળાશયો સૂકાઈ જાય છે. 

    - Advertisement -
    (તસ્વીર: ગુજરાત સરકાર, માહિતી ખાતું)

    આ સમસ્યાનો તોડ કાઢવા વર્ષ 2018 માં ઈસ્ટોલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ મધુબન બંધ (વોટર હોલ્ડિંગ ગ્રોસ કેપેસિટી 567 મિલિયન ક્યુબિક મીટર) ના પાણીને પંપિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને (લિફ્ટ ટેક્નિક) લોકોના ઘરો સુધી પાણી પહોંચાડવામાં આવે છે. જે માટે 28 પંપિંગ સ્ટેશન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમની ક્ષમતા 8 મેગાવોટ વોલ્ટ એમ્પિયર (MVA) છે, જેના દ્વારા દરરોજ લગભગ 7.5 કરોડ લીટર પીવાના પાણીને 4.50 લાખ લોકો સુધી પહોંચાડવામાં આવશે.

    આ પ્રોજેક્ટ અંતર્ગત 81 કિમીની પંપિંગ લાઇન, 855 કિમીની ડિસ્ટ્રિબ્યુશન લાઇન અને નાની-નાની વસાહતો સુધી પાણી પહોંચાડવા માટે 340 કિમી લાંબી પાઇપલાઇન પાથરવામાં આવી છે. તેમજ પીવાના પાણીને શુદ્ધ કરવા બે ફિલ્ટર પ્લાન્ટ પણ સ્થાપવામાં આવ્યા છે, જેની પ્રતિદિન 3.3 કરોડ લિટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા છે. તેમજ પાણી સંગ્રહવા માટે પાણીની ટાંકીઓ પણ બનાવવામાં આવી છે. 

    પાઇપલાઇન પાથરવામાં પણ કરવામાં આવ્યો છે વિશિષ્ટ ટેક્નિકનો ઉપયોગ 

    આ વિસ્તારની જમીન ઉંચી-નીચી છે. જેથી પાઇપલાઈન પણ વિશિષ્ટ તકનીકના ઉપયોગ દ્વારા પાથરવામાં આવી છે. જેથી કેટલાક સ્થળે પાણીનું દબાણ સામાન્ય રાખવામાં આવ્યું છે તો કેટલાક સ્થળોએ દબાણ સામાન્ય કરતા ઘણું વધારે છે. જોકે, આ દબાણ એટલું વધુ છે કે પાઇપને પણ નુકસાન પહોંચી શકે છે. જેથી મુખ્ય પાઇપમાં માઈલ્ડ સ્ટીલ પાઇપનો ઉપયોગ થયો છે.

    આ એસ્ટોલ પ્રોજેક્ટ એન્જીનીયરીંગની દ્રષ્ટિએ પણ ઘણો મહત્વનો છે. પીએમ મોદીએ પણ પોતાના સંબોધનમાં તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે નેવાના પાણી મોભે ચડાવવા જેવું કામ કર્યું છે અને તો પણ નેવા અને મોભ વચ્ચે થોડાક ફુટનું અંતર હોય છે, આ તો 200 માળ ઊંચે પાણી ચડાવવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ એસ્ટોલ પ્રોજેક્ટનો સમાવેશ એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓના અભ્યાસમાં કરવામાં આવવો જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં