Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં એક દિવસમાં અધધ 30 રૂપિયાનો ઐતિહાસિક વધારો: એક લિટર...

    પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતમાં એક દિવસમાં અધધ 30 રૂપિયાનો ઐતિહાસિક વધારો: એક લિટર પેટ્રોલ માટે પાક નાગરિકોએ ચૂકવવા પડશે ઢગલો રૂપિયા!

    પેટ્રોલમાં એક લીટરે 30 પાકિસ્તાની રૂપિયાના વધારાએ પાકિસ્તાની પ્રજાની કમર તોડી નાખી છે. IMF સાથેના કરાર અનુસાર આ જરૂરી હતું પરંતુ પ્રજામાં જબરો અસંતોષ વર્તાઈ રહ્યો છે.

    - Advertisement -

    ગઈ કાલનો દિવસ પાડોશી દેશ પાકિસ્તાનનાં સામાન્ય નાગરિકો માટે તકલીફભર્યો રહ્યો હતો. પાકિસ્તાન સરકારે ગઈ કાલે એક જ દિવસમાં પેટ્રોલ અને અન્ય દરેક પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં એક સાથે 30 PKRનો (11.68 ભારતીય રૂપિયા) જંગી વધારો કર્યો હતો. પાકિસ્તાનનાં ઈતિહાસમાં પેટ્રોલની કિંમતમાં એક દિવસ કરવામાં આવેલ પેટ્રોલમાં સૌથી મોટો ભાવવધારો છે.

    ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ કોમોડિટીઝ પરની સબસિડી નાબૂદ કરવા પર ભાર મૂક્યા પછી પાકિસ્તાનનાં નાણા પ્રધાન મિફતાહ ઈસ્માઈલે ગુરુવારે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં જંગી વધારાની જાહેરાત કરી હતી. એક પ્રેસ કોન્ફરન્સમાં, નાણામંત્રીએ જણાવ્યું હતું કે ‘સરકારે 27 મેથી અસરકારક રીતે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન તેલ અને લાઇટ ડીઝલના ભાવમાં PKR 30નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.’

    પાકિસ્તાની નાણાપ્રધાને નોંધ્યું હતું કે “અમુક બોજ જનતા પર ખસેડવો પડ્યો હતો, પરંતુ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં મોટાપાયે વધારો થવા છતાં, સરકાર હજુ પણ નુકસાન સહન કરી રહી હતી પરંતુ IMF સાથે ટૂંક સમયમાં પ્રતિનિધિસ્તરનો કરાર કરવાનું વચન આપ્યું હતું.” વૈશ્વિક ધિરાણકર્તાએ કહ્યું હતું કે ‘બંને પક્ષો વચ્ચે સંમત થયેલી નીતિઓમાં વિસંગતતાઓ છે’ જે બાદ 25 મે ના દિવસે પાકિસ્તાન અને IMF પ્રતિનિધિ-સ્તરના કરાર સુધી પહોંચી શક્યા ન હતા.

    - Advertisement -

    પીટીઆઈની આગેવાની હેઠળની સરકારે વીજળી અને પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો કરવાની IMFની માંગ સાથે મૂળ સંમતિ દર્શાવી હતી પરંતુ, માર્ચમાં, ઈમરાન ખાને બંને ચીજવસ્તુઓ પર સબસિડીની જાહેરાત કરી હતી – અને વર્તમાન સરકારે એ જ વ્યવસ્થા સાથે ચાલુ રાખી હતી.

    આ ઐતિહાસિક ભાવવધારા બાદ હવે પાકિસ્તાનમાં પેટ્રોલિયમ પેદાશોના નવા ભાવ (PKRમાં) આ મુજબ છે;

    • પેટ્રોલ : PKR 179.85/લિટર
    • ડીઝલ : PKR 174.15/લિટર
    • કેરોસીન : PKR 155.56/લિટર
    • લાઇટ ડીઝલ : PKR 148.31/લિટર

    પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં આ અસહ્ય વધારો થયા બાદ પાકિસ્તાનમાં જીવન જરૂરિયાતની લગભગ બધી જ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. પાકિસ્તાનનાં ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રાલયે જાહેરાત કરવી પડી કે 20 કિલોની થેલી માટે લોટનો ભાવ રૂ. 800 થી વધારીને રૂ. 980 કરવામાં આવશે એટ્લે કે રૂ.180 નો વધારો કરાશે. તેવી જ રીતે, “10 કિલો લોટની થેલીનો ભાવ રૂ. 400 થી વધીને રૂ. 490 થયો હતો, જે રૂ. 90નો વધારો થયો હતો.” એમ મંત્રાલયે જણાવ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે પેટ્રોલમાં સૌથી મોટો ભાવવધારો થવાની સીધી અસર પાયાની ચીજવસ્તુઓ પર પડે છે કારણ કે ઉત્પાદનના સ્થળેથી જથ્થાબંધ બજાર અને જથ્થાબંધ બજારથી છૂટક બજાર સુધીના બળતણની કિંમત ઘઉંને પીસવાથી મેળવેલા પાવડરની કિંમત નક્કી કરવામાં મુખ્ય ફાળો આપનાર પરિબળોમાંનું એક છે. ગ્રાઇન્ડીંગ મશીનો વીજળી દ્વારા ચલાવવામાં આવે છે, જેનું ઉત્પાદન બળતણ દ્વારા થાય છે.

    પાક પીએમએ 10 દિવસ પહેલા જ ભાવવધારો નહીં થાય એવી બાહેધરી આપી હતી

    પાકિસ્તાની નાણાપ્રધાન મિફતાહ ઈસ્માઈલે થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે સરકારનો પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો વધારવાનો હાલ કોઈ ઈરાદો નથી.

    એક પત્રકાર પરિષદને સંબોધતા, નાણામંત્રીએ કહ્યું કે “વડા પ્રધાન શેહબાઝ શરીફે આજે પેટ્રોલિયમના ભાવમાં વધારો કરવાની દરખાસ્તને નકારી કાઢી છે, એમ કહીને કે સરકાર જનતા પર વધુ બોજ નાખી શકશે નહીં.”

    બાદમાં, ટ્વિટર પર લઈ જઈને, તેમણે લખ્યું હતું કે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં અત્યારે વધારો કરવામાં આવશે નહીં, પરંતુ બદલાતા સંજોગો અને આંતરરાષ્ટ્રીય તેલના ભાવોને ધ્યાનમાં રાખીને સરકારે “ટૂંક સમયમાં નિર્ણય પર ફરીથી વિચાર કરવો” પડી શકે છે.

    અને આ જાહેરાતના માત્ર 10 દિવસ બાદ જ પાકિસ્તાનનાં આ જ નાણાંપ્રધાને પાકિસ્તાનનો અત્યાર સુધીનો પેટ્રોલમાં સૌથી મોટો ભાવવધારો લાદી દીધો હતો.

    પાકિસ્તાનનાં પૂર્વ PMએ કરી ભારતની પ્રશંસા

    પેટ્રોલમાં સૌથી મોટો ભાવવધારો કરવાના પાકિસ્તાન સરકારના આ નિર્ણયનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. સામાન્ય નાગરિકોથી મોટા મોટા નેતાઓ સુધી સૌએ અલગ અલગ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ આ નિર્ણયને વખડ્યો હતો.

    ઈમરાન ખાને પોતાની ટ્વિટમાં કહ્યું હતું કે, “પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20% / PKR 30 પ્રતિ લિટર વધારા સાથે વિદેશી માસ્ટર્સ સમક્ષ દેશ આયાતી સરકારની આધીનતા માટે કિંમત ચૂકવવાનું શરૂ કરે છે – આપણા ઇતિહાસમાં સૌથી વધુ એકલ કિંમતનો વધારો. અસમર્થ અને અસંવેદનશીલ સરકારે 30% સસ્તા તેલ માટે રશિયા સાથેના અમારા સોદાને આગળ ધપાવ્યો નથી.”

    ભારતના વખાણ કરતાં ઇમરાન લખે છે કે, “તેનાથી વિપરિત યુએસના વ્યૂહાત્મક સાથી, ભારત, રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ઇંધણના ભાવમાં Pkr 25 પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં સફળ રહ્યો છે. હવે આ બદમાશોના હાથે આપણું રાષ્ટ્ર મોંઘવારીનો વધુ એક મોટો ડોઝ ભોગવશે.”

    અત્રે નોંધનીય છે કે ભારત સરકારે હાલમાં જ પેટ્રોલ ડિઝલના ભાવમાં જંગી ઘટાડયો કર્યો હતો. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત આપી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને 21મી મે ના દિવસે પેટ્રોલ-ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવા અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. નાણામંત્રીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, “કેન્દ્ર સરકાર પેટ્રોલ ઉપર 8 રૂપિયા અને ડીઝલ ઉપર 6 રૂપિયા પ્રતિ લિટર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી રહી છે.” જેની અસરથી ભારતમાં પેટ્રોલની કિંમતમાં 9.5 રૂપિયા અને ડીઝલમાં 7 રૂપિયાનો ઘટાડો થયો હતો.

    પાકિસ્તાનમાં આ જંગી ભાવવધારાની પ્રતિક્રિયાઓ

    પેટ્રોલિયમ પદાર્થોની કિંમતમાં આ અસહ્ય ભાવવધારા બાદ પાકિસ્તાનના નાગરિકોએ આગળ આવીને પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં મોટા ભાગના નાગરિકો આ પગલાની નિંદા કરતાં જોવા મળ્યા હતા.

    એક પાકિસ્તાની ટ્વિટર યુઝર @DrSadiaA એ લખ્યું કે, “મને યાદ નથી કે પાકિસ્તાનના ઈતિહાસમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષે 30 રૂપિયાના પેટ્રોલના ભાવ વધારાનો બોમ્બ ફેંક્યો હોય!!!! વિનાશકારી!!! પાકિસ્તાન આ આયાતી સરકાર કરતાં વધુ સારી સરકારને લાયક છે!”

    અન્ય એક પાકિસ્તાની ટ્વિટર યુઝર @Faizullah491એ સરકારના ચાટુકાર પત્રકારોને નિશાના પર લેતા લખ્યું હતું કે, “પાકિસ્તાનના લોકો પર પેટ્રોલ બોમ્બ ફૂટ્યો. તમામ પેરોલ યલો જર્નાલિસ્ટ પેટ્રોલના ભાવમાં આ વધારો અનુભવી શકતા નથી કારણ કે તેમને તેમના પડિકાઓ અને થોકરે મળી રહે છે.”

    એક યુઝર @iamshehryar1231 એ ચાલુ સરકારને પોતાના ચૂંટણી વાયદાઓ યાદ કરાવતા લખ્યું હતું કે, “‘મેહંગાઈ મુકાઓ’ના નારા પર આવેલી સરકારે પેટ્રોલના ભાવ 150 થી વધારીને 180 રૂપિયા પ્રતિ લીટર કર્યા છે. પેટ્રોલના ભાવમાં વધારો હોય કે પછી IKની હકીકી આઝાદી કૂચ હોય તે હંમેશા સામાન્ય લોકો ભોગવે છે. પાકિસ્તાન માટે પ્રાર્થના કરો.”

    અન્ય એક પાકિસ્તાની ટ્વિટર યુઝર @MuqtasidAhsan એ પેટ્રોલપંપ આગળ લાગેલ ગાડીઓની લાંબી લાઇનનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, “જૂના પાકિસ્તાનમાં આપનું સ્વાગત છે. પ્રથમ વખત પ્રતિ લિટર પેટ્રોલના મહત્તમ ભાવવધારાથી જનતાનું અપમાન.”

    પાકિસ્તાની ટ્વિટર યુઝર @HumairaWajahat એ પાકિસ્તાનની અમેરિકાની ચાપલૂસી કરવાની આદતને ટાંકીને લખ્યું હતું કે, ” પાકિસ્તાન માટે સસ્તું પેટ્રોલ મેળવવા રશિયા જાઓ, તમને શેનો ડર લાગે છે? અમેરિકાનો? જ્યારે વધુ સારો વિકલ્પ હોય ત્યારે પાકિસ્તાનીઓને ભાવવધારાથી શા માટે ત્રાસ આપો! અમેરિકન બૂટને પોલિશ કરવાનું બંધ કરો.”

    આમ પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવેલ આ જંગી ભાવવધારા સામે લોકોએ સોશિયલ મીડિયા પર તો કર્યો જ હતો પરંતુ ભવિષ્યમાં આ વિરોધ પાકિસ્તાનનાં રસ્તાઓ પર જોવા મળે તો કોઈ નવાઈ નથી. પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રીએ ઇમરાન ખાન પણ સરકારને ઘેરવાના આ અવસરને સરળતાથી જવા નહીં દે એ નક્કી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં