કેરલ હાઈકોર્ટમાં એક જનહિત અરજી કરવામાં આવી છે. જેમાં નાના બાળકોનું સુન્નત કરવાનો ધાર્મિક રીવાઝ છે, તેના વિરોધમાં આ અરજી કરવામાં આવી છે. આ ક્રિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે અપીલ કરવામાં આવી છે. આ અરજી ધર્મમાં ન માનનારું એક ગ્રુપ છે જેનું નામ બિન-ધાર્મિક નાગરિકો (Non-Religious Citizens) છે. જેઓ ધર્મની આડમાં થતા અમાનવીય રીવાઝો પર કાનૂની લડાઈઓ લડતા હોય છે.
Non-Religious Citizens ગ્રુપના કહેવા અનુસાર સુન્નતની પ્રક્રિયા ખુબ જ પીડા દાયક હોય છે. આ ઉપરાંત આ જે તે સમયની માંગ અનુસાર ધાર્મિક પ્રક્રિયા છે આનો કોઈ જ વૈજ્ઞાનિક આધાર નથી. હવે સમય બદલાયો છે માટે આમ આંધળા બનીને આવી કોઈ જ પ્રક્રિયા નાના બાળકો પર થોપી દેવી તે અમાનવીય છે. તેઓએ વધુમાં ઉમેર્યું પણ હતું કે કોઈ પણ ધાર્મિક બાબત નાના બાળકો પર થોપવી જોઈએ નહિ ત્યાં સુધી જ્યાં સુધી તો એક ચોક્કસ અવસ્થામાં ન પહોચી જાય જ્યાર તેઓ તેમના માટે સાચું ખોટું શું છે તેની સમજ કેળવી લય.
જનહિત યાચિકા કરનારાઓનો આરોપ છે કે સુન્નત એ બાળકોના મૂળભૂત અધિકારો અને તેમના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. બાળકો આ પ્રથાનો અતિ માત્રમાં ભોગ બની રહ્યા છે. આ પ્રથા ક્રૂર અને અમાનવીય છે, તેમજ બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે.
વધુમાં અરજીમાં જણાવાયું છે કે, “આ પ્રથા ભારતના બંધારણની કલમ 21 હેઠળ નાગરિકોના મૂલ્યવાન મૂળભૂત અધિકાર એવા ‘જીવનનો અધિકાર’નું ઉલ્લંઘન કરે છે. જયારે સરકારો અને રાજ્ય બંધારણના રક્ષક તરીકે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય, તો બંધારણીય અદાલતો આ મામલે હસ્તક્ષેપ કરવા બંધાયેલા છે. આથી આ પ્રથા રોકવા માટે ઉચિત કાર્યવાહી કરશો”
અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સુન્નત કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, જેમાં બાળકનું આઘાતમાં સરી જવું એક છે. નાની ઉમરમાં લગતા આઘાત થકી બાળક તેના બાકીના જીવનમાં ભય અને લાચારીની લાગણીઓમાં જીવન જીવે છે. આ ભાવનાના કારણે જાતીય શોષણ, શારીરિક દુર્વ્યવહાર, ઘરેલું હિંસા, વાહન અકસ્માતો વગેર પણ થવાનો ભય રહે છે.
સાથે એવી દલીલ પણ કરવામાં આવી છે કે સુન્નત થાકી કેટલાય જોખમો પણ સંકળાયેલા છે જેમ કે: 1) રક્તસ્ત્રાવ. 2) શિશ્નમાં ચેપ. 3) શિશ્નના ખુલ્લા છેડે બળતરા. 4) મૂત્રમાર્ગને નુકસાન. 5) શિશ્ન પર ડાઘ. 6) શિશ્નની બાહ્ય ત્વચા સ્તરને દૂર કરવી. 7) ગંભીર અને જીવલેણ બેક્ટેરિયલ ચેપ.
જો કે હજુ આ અરજી કરવામાં આવી છે, પરંતુ કોર્ટ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ અરજી સ્વીકારવામાં આવશે કે કેમ તે પણ કહી શકાય તેમ નથી.