Wednesday, November 13, 2024
More
    હોમપેજદેશપઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડની પાકિસ્તાનમાં હત્યા: ભારતના 'મોસ્ટ વોન્ટેડ' શાહિદ લતીફને અજાણ્યા લોકોએ...

    પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડની પાકિસ્તાનમાં હત્યા: ભારતના ‘મોસ્ટ વોન્ટેડ’ શાહિદ લતીફને અજાણ્યા લોકોએ ગોળીઓ ધરબી

    શાહિદ લતીફ મૂળ પાકિસ્તાનના જ ગુજરાવાલા ગામનો રહેવાસી હતો. ભારતમાં અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપનાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે શાહિદના સારા સંબંધો હતા. તે સિયાલકોટમાં રહીને જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતો હતો.

    - Advertisement -

    આતંકવાદીઓનું ઘર એટલે કે પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી તેમના મોતનું કારણ બની રહ્યું છે. તાજેતરમાં એક કુખ્યાત આતંકવાદી અને તેના નજીકના સાથીની હત્યાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે ફરી એક વાર પાકિસ્તાનમાં વધુ એક આતંકવાદીની હત્યા થઈ છે. અહેવાલો મળી રહ્યા છે કે પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ અને ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા કોણે કરી છે તે રહસ્ય હજુ અકબંધ છે.

    અહેવાલો અનુસાર આતંકવાદી શાહિદ લતીફની પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં હત્યા કરી દેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અજાણ્યા હત્યારાએ શાહિદને ગોળી મારી દીધી હતી. નોંધનીય છે કે આ એ જ શાહિદ છે જેણે વર્ષ 2016માં જમ્મુ કાશ્મીરના પઠાણકોટ ઘટક આતંવાદી હુમલો પ્લાન કર્યો હતો. શાહિદ જ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. તે પાકિસ્તાનના સિયાલકોટમાં રહીને ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ ચલાવતો હતો.

    શાહિદ લતીફ મૂળ પાકિસ્તાનના જ ગુજરાવાલા ગામનો રહેવાસી હતો. ભારતમાં અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપનાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે શાહિદના સારા સંબંધો હતા. તે સિયાલકોટમાં રહીને જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતો હતો. તે પાકિસ્તાનમાં બેસીને ભારતમાં આતંકવાદી ઘુસણખોરી અને હુમલાઓ પ્લાન કરતો હતો. ભારતીય સુરક્ષા એજન્સી NIAએ લતીફ વિરુદ્ધ UAPA અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પઠાણકોટમાં વર્ષ 2016માં એક ઘાતક આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ભારતના 7 જવાનો વીરગતિ પામ્યા હતા. જે જગ્યા પર હુમલો થયો હતો, તે પઠાણકોટ એરબેઝ ભૌગોલિક દ્રષ્ટીએ ખુબ મહત્વનું છે. તે પાકિસ્તાનથી નજીક છે અને યુદ્ધના સમયે આ એરબેઝની મહત્વતા ખુબ વધી જાય છે. શાહિદ આ જ પઠાણકોટ પર થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. સાથે જ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી.

    તાજેતરમાં ઘટેલી આ ત્રીજી ઘટના

    ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારતવિરોધી આતંકવાદીઓની હત્યાઓના સમાચાર વધી રહ્યા છે. કેનેડા અને પાકિસ્તાન જેવા દેશોમાં છુપાઈને ભારત વિરુદ્ધ કાવતરા કરતા આતંકવાદી ટપોટપ મરી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીનનું અપહરણ કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ લશ્કર-એ-તૈયબાનો સહ-સ્થાપક અને આતંકવાદી હાફિઝ સઈદનો અત્યંત નજીકનો ગણાતો મુફ્તી કૈસર ફારૂક પણ પાકિસ્તાનમાં માર્યો ગયો હતો. તેને પણ ગોળીએ દેવામાં આવ્યો હતો.

    બીજી તરફ, છેલ્લા છ મહિનામાં વિદેશની ધરતી પર અનેક ભારતવિરોધી આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાં કેનેડાના સરે શહેરમાં માર્યા ગયેલા હરદીપ નિજ્જરનો પણ સમાવેશ થાય છે, જેની હત્યાનો આરોપ કેનેડાની સરકારે ભારત પર લગાવી દીધો હતો. જોકે, ભારત સરકારે આ આરોપો ફગાવી દીધા હતા. આ મુદ્દો ચર્ચામાં છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોનો ખાતમો અવિરત ચાલી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં