Saturday, July 27, 2024
More
    હોમપેજગુજરાતજ્યાંથી શરૂ થયું હતું ક્ષત્રિય આંદોલન, ત્યાં પરષોત્તમ રૂપાલાએ જીતી લીધી ચૂંટણી:...

    જ્યાંથી શરૂ થયું હતું ક્ષત્રિય આંદોલન, ત્યાં પરષોત્તમ રૂપાલાએ જીતી લીધી ચૂંટણી: રાજકોટ બેઠક પરથી 4.84 લાખની જંગી લીડથી વિજય, ધાનાણીએ હાર સ્વીકારી

    રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા 4 લાખ કરતાં વધુ મતોથી વિજયી બન્યા છે. પરષોત્તમ રૂપાલાને કુલ 8,57,984 મત મળ્યા. જેની સામે કોંગ્રેસના પરેશ ધાનાણીને 3,73,724 મત મળ્યા. આમ પરષોત્તમ રૂપાલાએ 4,84,260 મતથી જીત મેળવી છે.

    - Advertisement -

    મંગળવારે (4 જૂન) લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં. ગુજરાતની કુલ 26 લોકસભા બેઠકોમાંથી 25 પર ચૂંટણી યોજવામાં આવી હતી. 1 બેઠક સુરત બિનહરીફ જાહેર થઈ હતી. ગુજરાતે આ વખતે પણ ભાજપના સમર્થનમાં જ જંગી મતદાન કરીને 26માંથી 25 બેઠકો જીતાડી છે. જ્યારે એક બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. આ પરિણામ ક્ષત્રિય સંકલન સમિતિના આંદોલન બાદ આવ્યું, જેનાથી સત્તાધારી પાર્ટીને રાજ્યમાં મોટી અસર થશે તેવી વાતો થતી હતી, પરંતુ અંતે તેવું કશું બન્યું નહીં. આ આંદોલન જે બેઠક પરથી શરૂ થયું હતું તે રાજકોટ બેઠક પર જેમની સામે આંદોલન શરૂ થયું હતું એ પરષોત્તમ રૂપાલા જંગી બહુમતીથી વિજયી બન્યા છે. 

    રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા 4 લાખ કરતાં વધુ મતોથી વિજયી બન્યા છે. પરષોત્તમ રૂપાલાને કુલ 8,57,984 મત મળ્યા. જેની સામે કોંગ્રેસના પરેશ ધાનાણીને 3,73,724 મત મળ્યા. આમ પરષોત્તમ રૂપાલાએ 4,84,260 મતથી જીત મેળવી છે.

    પરેશ ધાનાણીએ હાર સ્વીકારી

    પરેશ ધાનાણીએ રાજકોટ બેઠક પર હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે આ લડાઈ વ્યક્તિગત ન હતી, પણ આ લડાઈ સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટે અને બંધારણ બચાવવા માટેની લડાઇ હતી. તેમણે પછી ભાજપ પર આરોપ લગાવતાં કહ્યું કે તેઓ મતદારોને ડરાવવા-ધમકાવવામાં સફળ રહ્યા છે. જોકે, હકીકત એ જ છે કે તેમની હાર થઈ છે.

    - Advertisement -

    રાજકોટથી જ શરૂ થયું હતું ક્ષત્રિય આંદોલન

    ક્ષત્રિય સંકલન સમિતિનું આંદોલન રાજકોટ લોકસભા બેઠક પરથી જ શરૂ થયું હતું. અહીં ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા-મહારાજાઓ વિશે એક નિવેદન આપ્યું હતું, જેને લઈને ક્ષત્રિય સમાજે વિરોધ શરૂ કર્યો હતો. ત્યારબાદ સમાજની સંસ્થાઓની બનેલી સંકલન સમિતિએ તેને આગળ ચલાવ્યું હતું અને પરષોત્તમ રૂપાલાને ભાજપે ન હટાવતાં સમગ્ર રાજ્યમાં ભાજપનો વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો અને ભાજપવિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરવામાં આવી હતી. 

    જોકે, આ આંદોલન ભાજપને હરાવવાની મોટી-મોટી વાતો કરવા સુધી જ સીમિત રહ્યું હોય તેમ લાગે છે. રાજકોટ લોકસભા બેઠક, જ્યાંથી આંદોલન શરૂ થયું હતું ત્યાં પરષોત્તમ રૂપાલા જંગી બહુમતીથી જીત્યા છે. નોંધવું જોઈએ કે સંકલન સમિતિના ધર્મરથની યાત્રા દરમિયાન પરેશ ધાનાણીના સમર્થનમાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જોકે, તેની બહુ અસર થતી જોવા મળી રહી નથી. 

    ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જ 14 એપ્રિલના રોજ ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા એક મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ભાજપને રૂપાલાની ટીકીટ રદ કરવા માટે અઠવાડિયાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ સંમલેનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ભાજપને પાઠ ભણાવવાની પણ વાત થઈ હતી. ત્યારબાદ ભાજપે રૂપાલાની ટીકીટ રદ ન કરતાં સંકલન સમિતિએ રાજ્યભરમાં તમામ બેઠકો પર ભાજપનો વિરોધ શરૂ કર્યો હતો. 

    જોકે, પછીથી આંદોલન આગળ વધતાં નબળું પડતું ગયું અને રાજકોટ સીટ પર પણ ખાસ અસર રહી નહીં. વધુમાં અંદરોઅંદરના વિખવાદ અને અન્ય કારણોસર પણ તેને ફટકો પડ્યો. આખરે એ બેઠક પણ ભાજપે જીતી લીધી, જ્યાંથી આંદોલનનો ઉદય થયો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં