સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈ 2023થી શરૂ થઈ ચૂક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્રની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરી હતી. PM મોદી દ્વારા મણિપુરની ઘટના અંગે દેશને કડક કાર્યવાહીનું આશ્વાસન અપાયું છે. વડાપ્રધાને કહ્યું કે તેમનું હૃદય પીડા અને ગુસ્સાથી ભરેલું છે. આ ઘટના કોઈપણ સંસ્કારી સમાજ માટે સારી નથી. તેમણે કહ્યું કે કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં. તેમજ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવડાવવા PM મોદી દ્વારા સૂચના અપાઈ હતી.
પીએમ મોદીએ કહ્યું, “મણિપુરમાં જે ઘટના પ્રકાશમાં આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. ઘણા પાપી લોકો છે જે ગુના કરે છે, તેઓ કોણ છે તેઓ તેમના સ્થાને છે. પરંતુ તેમના કારણે સમગ્ર દેશનું અપમાન થઈ રહ્યું છે. જેના કારણે 140 કરોડ દેશવાસીઓને શરમાવું પડે છે.” તેમણે કહ્યું, “હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કરે. ખાસ કરીને માતાઓ અને બહેનોની સુરક્ષા માટે સખત પગલાં લે. ઘટના ભલે રાજસ્થાન, છત્તીસગઢ કે મણિપુરની હોઈ શકે છે. દેશમાં ભારતના કોઈપણ ખૂણામાં, કોઈપણ સરકારમાં, રાજકીય વાદ-વિવાદથી ઉપર ઉઠીને કાયદો અને વ્યવસ્થાની મહાનતા જાળવી રાખી મહિલાઓનું સન્માન જરૂરી છે.”
Speaking at the start of the Monsoon Session of Parliament. https://t.co/39Rf3xmphJ
— Narendra Modi (@narendramodi) July 20, 2023
PM મોદી દ્વારા મણિપુર ઘટનાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના ભરોસા સાથે કહ્યું, “આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું, લોકશાહીના આ મંદિર પાસે ઉભો છું, મારું હૃદય પીડા અને ગુસ્સાથી ભરાઈ ગયું છે. મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે. કાયદો તેની તમામ શક્તિ સાથે એક પછી એક પગલા લેશે. મણિપુરની દીકરીઓ સાથે જેણે આ અપમાનજનક કૃત્ય કર્યું છે તેને ક્યારેય માફ નહીં કરી શકાય.”
અઢી મહિના જૂનો વિડીયો થયો છે વાઇરલ
ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં મહિલાઓ સાથે ક્રૂરતાનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો 4 મે 2023નો છે. જેમાં બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવી રહેલ ભીડ તેમને ખેંચીને ખેતરમાં ગેંગરેપ માટે લઈ જતી જોવા મળે છે. આ ઘટના અંગે 18 મેના રોજ નોંધાયેલી એફઆઈઆર અનુસાર ટોળા દ્વારા ત્રણ મહિલાઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસના કબજામાંથી તેમને છીનવી લેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મસને આ વિડીયો શેર કરવાનું બંધ કરવા સૂચના આપી છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર આ ઘટના અંગે અજાણ્યા સશસ્ત્ર બદમાશો વિરુદ્ધ નોંગપોક સેકમાઈ પીએસ (થોબલ જિલ્લો) ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ કેસ અપહરણ, ગેંગરેપ અને હત્યાની કલમો હેઠળ નોંધાયેલ છે. જો કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વિડીયોમાં દેખાતી એક મહિલા 20 વર્ષની છે જ્યારે બીજી 40 વર્ષની છે. અને એફઆઈઆર મુજબ ત્રીજી 50 વર્ષીય મહિલા છે જે વિડીયોમાં દેખાતી નથી તેના પર પણ આ જ ક્રૂરતા કરવામાં આવી હતી. ઘટનાનો વિરોધ કરવા બદલ એક મહિલાના પિતા અને બીજી મહિલાના ભાઈની પણ હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનાની ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે 4 મે, 2023ના રોજ તેમના ગામ પર લગભગ 800 થી 1000 હુમલાખોરોના ટોળાએ હુમલો કર્યો હતો. ટોળા પાસે INSAS અને AK શ્રેણીની રાઈફલ્સ જેવા ઘાતક હથિયારો હતા. તેનાથી બચવા માટે 3 મહિલા સહિત ગામના 5 લોકો જંગલ તરફ દોડયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી બધાને બચાવીને તેમની સાથે પોલીસ સ્ટેશન સુધી લાવવા લાગી હતી. રસ્તામાં, ટોળાએ પોલીસ દળને અટકાવ્યો અને પીડિતોને કસ્ટડીમાંથી છીનવી લીધા હતા.
આરોપ છે કે હિંસક ટોળાએ પહેલા 20 વર્ષીય પીડિતાના પિતાની હત્યા કરી હતી. આ પછી ત્રણેય મહિલાઓના જબરદસ્તી કપડાં ઉતારવામાં આવ્યા હતા. જ્યારે એક પીડિતાના ભાઈએ વિરોધ કર્યો ત્યારે ટોળાએ તેને માર માર્યો હતો. આ તમામ મહિલાઓ પર બાદમાં સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ગેંગરેપ બાદ ત્રણેય મહિલાઓ કોઈક રીતે ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહી હતી. હાલ ત્રણેય પીડિતો રાહત શિબિરમાં છે.