Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફિજી બાદ પાપુઆ ન્યૂ ગિનીએ પીએમ મોદીને આપ્યું સર્વોચ્ચ સન્માન: પીએમ જેમ્સ...

    ફિજી બાદ પાપુઆ ન્યૂ ગિનીએ પીએમ મોદીને આપ્યું સર્વોચ્ચ સન્માન: પીએમ જેમ્સ મારાપેએ કહ્યું- મોદી ગ્લોબલ સાઉથના નેતા, વૈશ્વિક મંચ પર અમારું નેતૃત્વ કરે ભારત

    “અમે વિશ્વના વિકસિત દેશોના પાવરપ્લેના પીડિત દેશો છીએ. તમે ગ્લોબલ સાઉથના નેતા છો. વૈશ્વિક મંચ પર અમે આપના જ નેતૃત્વમાં આગળ વધીશું.”

    - Advertisement -

    ત્રણ દેશોના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયામાં ભારતનો ડંકો વગાડી રહ્યા છે. પહેલાં ફીજીએ તેમને સર્વોચ્ચ સન્માન એવોર્ડ આપ્યા બાદ હવે પાપુઆ ન્યૂ ગિની દ્વારા તેમને સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. ત્યાંના ગવર્નરે પીએમ મોદીને આ પુરસ્કારથી નવાજ્યા હતા. 

    પાપુઆ ન્યૂ ગિનીના ગવર્નર જનરલે વડાપ્રધાન મોદીને પોતાના દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ‘કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ લોગોહુ’ એનાયત કર્યો હતો. આ પહેલાં ફીજી દ્વારા પીએમને તેમના સર્વોચ્ચ એવોર્ડ ‘કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી’ દ્વારા નવાજવામાં આવ્યા હતા. આ એવોર્ડ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ‘ભારત રત્ન’ની સમકક્ષ ગણાય છે.

    વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ સન્માન બદલ પાપુઆ ન્યૂ ગિનીના ગવર્નર જનરલનો આભાર વ્યક્ત કર્યો અને સાથે કહ્યું કે, આ ભારત અને ભારતીયોની ઉપલબ્ધિઓને મળેલું સન્માન છે. વડાપ્રધાને તેમની પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી અને ઉમેર્યું કે, ત્યાંના લોકો તરફથી મળેલો પ્રેમ તેઓ હંમેશા યાદ રાખશે. 

    - Advertisement -

    વૈશ્વિક મંચ પર અમારું નેતૃત્વ કરે ભારત

    વડાપ્રધાન મોદી આજે પાપુઆ ન્યૂ ગિની ખાતે યોજાયેલી ફોરમ ફોર ઇન્ડિયા પેસેફિક આઇલેન્ડસ કોર્પોરેશનની ત્રીજી સમિટમાં સામેલ થયા હતા. આ સમિટની અધ્યક્ષતા ભારત અને પાપુઆ ન્યૂ ગિનીએ મળીને કરી હતી. આ બેઠકમાં યજમાન દેશના વડાપ્રધાન જેમ્સ મારાપેએ મોદીને ગ્લોબલ સાઉથના નેતા ગણાવ્યા હતા. 

    સમિટને સંબોધતાં જેમ્સ મારાપેએ કહ્યું કે, “અમે વિશ્વના વિકસિત દેશોના પાવરપ્લેના પીડિત દેશો છીએ. તમે ગ્લોબલ સાઉથના નેતા છો. વૈશ્વિક મંચ પર અમે આપના જ નેતૃત્વમાં આગળ વધીશું.” તેમણે અન્ય સમસ્યાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે આ તમામને ઉકેલવા માટે ભારત તેમનું નેતૃત્વ કરે. 

    વડાપ્રધાન મોદી જાપાનથી સીધા પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા. પાપુઆ ઓસ્ટ્રેલિયાની ઉપરની તરફ આવેલો ટાપુ દેશ છે, જેની વસ્તી 90થી 95 લાખની છે. અહીં મુલાકાતે જનારા વડાપ્રધાન મોદી પહેલા ભારતીય વડાપ્રધાન છે. ભારતીય સમય અનુસાર તેઓ રવિવારે સાંજે પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા હતા. 

    ત્યાં પહોંચતાંની સાથે જ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ દેશમાં એવી પરંપરા છે કે ત્યાં સૂર્યાસ્ત બાદ આવતા નેતાઓનું ઔપચારિક સ્વાગત કરવામાં આવતું નથી પરંતુ પીએમ મોદી માટે આ પરંપરા તોડી દેવામાં આવી હતી અને સ્વયં ત્યાંના વડાપ્રધાન તેમને આવકારવા માટે આવ્યા હતા. એટલું જ નહીં, તેમણે ચરણસ્પર્શ કરીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું, જેનો વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં