અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં અધવચ્ચે એક શખ્સ મેદાનમાં ઘૂસી આવ્યો હતો. જેના કારણે મેચ થોડી મિનિટ સુધી અટકાવવી પડી હતી. આ વ્યક્તિ ‘ફ્રી પેલેસ્ટાઇન’ લખેલી ટી-શર્ટ પહેરીને આવ્યો હતો અને બેટિંગ કરતા ભારતીય ખેલાડી વિરાટ કોહલી સુધી પહોંચી ગયો હતો. જોકે, પછીથી આ પેલેસ્ટાઇન સમર્થકને પકડી લેવામાં આવ્યો હતો, પણ આ ઘટનાક્રમના કારણે મેચ અટકી ગઈ હતી.
સોશિયલ મીડિયા પર આ ઘૂસણખોરના ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે મેદાન પર જોવા મળે છે. તેણે સફેદ રંગની ટીશર્ટ પહેરેલી જોવા મળે છે. જેની ઉપર આગળના ભાગે ‘સ્ટોપ બૉમ્બિંગ પેલેસ્ટાઇન’ જ્યારે પાછળના ભાગે પેલેસ્ટાઇનના ધ્વજ સાથે ‘ફ્રી પેલેસ્ટાઇન’ લખેલું જોવા મળે છે. તેણે ફેસ માસ્ક પણ પહેરી રાખ્યું હતું, જેની ઉપર પણ પેલેસ્ટાઇનના ધ્વજના રંગો જોવા મળ્યા હતા.
#INDvsAUSfinal #IsraelPalestineWar #Palestine_Genocide fan invaded world cup final . Stop bombing palestine written on tshirt
— yuvastra (@yuvastra) November 19, 2023pic.twitter.com/jEQT4ucFvi
આ ઘટના 13.3 ઓવર દરમિયાન બની હતી. વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક આ શખ્સ ધસી આવ્યો હતો. આવીને સીધો તે કોહલીને ભેટી પડ્યો હતો, પણ કોહલીએ તરત અલગ કરી દીધો હતો. દરમ્યાન સુરક્ષાકર્મીઓએ આવીને તેની ધરપકડ કરી લીધી હતી.
જાણવા મળ્યા અનુસાર, આ વ્યક્તિની અમદાવાદ પોલીસે ધરપકડ કરી લીધી છે. સ્ટેડિયમથી તેને સીધો ચાંદેખેડા પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. તેની સામે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. પોલીસ સ્ટેશને જતી વખતે મીડિયાકર્મીઓને જવાબ આપતાં તેણે જણાવ્યું હતું કે, તેનું નામ જૉન છે અને ઑસ્ટ્રેલિયાનો રહેવાસી છે. તેણે કહ્યું કે, તે વિરાટ કોહલીને મળવા માટે મેદાનમાં ઘૂસી ગયો હતો. પેલેસ્ટાઇનની ટીશર્ટ કેમ પહેરી હતી, તેનો જવાબ આપતાં જણાવ્યું કે તે પેલેસ્ટાઇનનું સમર્થન કરે છે. પોલીસ તેની વિગતવાર પૂછપરછ કરશે.
#WATCH | Gujarat: The man who breached the security & entered the field during the India vs Australia Final match, says, "My name is John…I am from Australia. I entered (the field) to meet Virat Kohli. I support Palestine…" pic.twitter.com/5vrhkuJRnw
— ANI (@ANI) November 19, 2023
મેચની વાત કરવામાં આવે તો ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ શાનદાર શરૂઆત અપાવી હતી. જોકે, બીજા છેડે શુભમન ગિલ ખાસ કમાલ ન કરી શક્યો અને માત્ર 4 રનમાં વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ 76 રન પર રોહિત શર્માની (47 રન) અને 81 રન પર શ્રેયસ ઐયરની (4 રન) વિકેટ પડતાં સ્કોરબોર્ડ ધીમું પડ્યું હતું. જોકે, પછીથી વિરાટ કોહલીએ થોડી ગતિ અપાવી હતી અને તેમની અને કેએલ રાહુલ વચ્ચે થોડા રનની ભાગીદારી થઈ હતી. પરંતુ 148 રન પર વિરાટ કોહલી આઉટ થતાં ફરીથી ટીમ થોડી દબાણ હેઠળ આવી ગઈ હતી. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં 37 ઓવરમાં ભારતે 179 રન બનાવ્યા છે.
વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.