પાકિસ્તાની યુવતી બિહારમાંથી ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરતા ઝડપાઈ હતી, નેપાળ દ્વારા ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ શકમંદોને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (SSB) દ્વારા પકડી લેવામાં આવ્યા છે. તેમાંથી એક પાકિસ્તાની યુવતી છે. તેઓ બિહારના સીતામઢી જિલ્લાના ભીથામોડમાં એસએસબી ચેકપોસ્ટ નજીકથી પકડાયા હતા.
ત્રણેય ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા . 24 વર્ષની પાકિસ્તાની યુવતી સાથે જે બે લોકો ઝડપાયા છે, તેમાંથી એક નેપાળનો નાગરિક છે. બીજો યુવક ભારતીય મુસ્લિમ હોવાનું મનાય છે. ધરપકડ કરાયેલ યુવતી પાસેથી કોલેજ આઈડી કાર્ડ, આધાર કાર્ડ, એટીએમ કાર્ડ, નેપાળી અને પાકિસ્તાની મોબાઈલ સિમ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે. આ દસ્તાવેજો અનુસાર યુવતીનું નામ ખદીજા નૂર છે. એવી શંકા છે કે યુવતી જાસૂસીના ઈરાદાથી ભારતમાં ઘૂસણખોરી કરવા માગતી હતી. ત્રણેયને SSB કેમ્પમાં રાખવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ફૈસલાબાદની રહેવાસી છે યુવતી
રિપોર્ટ્સ અનુસાર, યુવતી પાકિસ્તાનના ફૈસલાબાદની રહેવાસી છે. પાકિસ્તાની યુવતી અને શકમંદો ઝડપાયા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઘૂસણખોરીનો આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. યુવતી પાસેથી નેપાળ સ્થિત ઈસ્લામાબાદ એમ્બેસી દ્વારા જારી કરાયેલા પાકિસ્તાની પાસપોર્ટ અને ટુરિસ્ટ વિઝા મળી આવ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે તેના વિઝા પર પરત ફરવાની તારીખ 4 સપ્ટેમ્બર 2022 છે. આવી સ્થિતિમાં સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું તે સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)ના અવસર પર કોઈ ષડયંત્રને અંજામ આપવા અથવા કોઈ સ્થળની રેકી કરવા માટે ભારત આવી રહી હતી. રિપોર્ટ અનુસાર યુવતી દુબઈ થઈને નેપાળ આવી હતી.
2 ચીની નાગરિકો પણ ઝડપાયા હતા
અગાઉ 11 જૂન, 2022 ના રોજ, બે ચીની નાગરિકોને SSB દ્વારા સીતામઢીની સરહદેથી પકડવામાં આવ્યા હતા. બંને નેપાળના કાઠમંડુથી દિલ્હી અને નોઈડા આવ્યા હતા. આ પછી બંને નેપાળ થઈને ચીન જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.