પાકિસ્તાની વડાપ્રધાનનો સાઉદી અરબનો પ્રવાસ રદ કરી દેવામાં આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર ઇસ્લામાબાદના વર્તમાન રાજનૈતિક સંકટના કારણે સાઉદી અરબે શહબાઝ શરીફની યાત્રા રદ કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનાક્રમ બાદ સાઉદી અરબ અને પાકિસ્તાનના સબંધો વચ્ચે ખટરાગ ઉભો થયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પાકિસ્તાની વડાપ્રધાનનો સાઉદી અરબનો પ્રવાસ રદ કરવા પાછળ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે સાઉદીએ આ પગલું ભર્યું છે. જોકે, રિપોર્ટ અનુસાર પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફની સાઉદી રોયલ્સ સાથે કોઈ બેઠક નક્કી કરવામાં આવી જ ન હતી. જેના કારણે સાઉદી અરબે પાકિસ્તાનના પ્રધાનમંત્રીનો પ્રવાસ રદ કર્યો હતો. એવા પણ અહેવાલ છે કે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ તરફથી શહબાઝ શરીફને મુલાકાત માટેનો સમય નથી ફાળવવામાં આવી રહ્યો.
નોંધનીય છે કે ગત વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદની કમાન સાંભળ્યા બાદ શહબાઝ શરીફે પોતાના વિદેશ પ્રવાસની શરૂઆત સાઉદી અરબથી જ કરી હતી. તે સમયે કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર તેમણે સાઉદીમાં 3 દિવસનો પ્રવાસ કર્યો હતો.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અનેક વાર પાકિસ્તાનને આર્થિક મદદ કરનાર સાઉદી અરબ હવે પાયમાલ થઈ રહેલા આ દેશથી અંતર વધારી રહ્યું છે. જોકે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ સંસદના નીચલા સદનને જણાવ્યું હતું કે સાઉદી અને સંયુક્ત અરબ અમીરાત તેમને નાણાકીય સહાય આપવાના વચને બંધાયા છે. જોકે IMFએ સામે તેવી શરત રાખી હતી કે તેઓ પાકિસ્તાનને ત્યારે જ નાણાકીય મદદ કરશે જ્યારે તેના સહયોગી રાષ્ટ્રો IMFને લેખિતમાં આપે કે તેઓ પાકિસ્તાનને આર્થિક મદદ કરવા તૈયાર છે.
નોંધનીય છે કે અરબ દેશો હવે એક નવો નિયમ બનાવવા જઈ રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ નાણાકીય સહાય IMF મુજબ જ કરશે. જેનો સીધો અર્થ તેવો નીકળે છે કે કોઈ પણ દેશ કરજો પરત કેવી રીતે ચૂકવશે તેની લેખિત બાહેંધરી હશે, તો જ તે દેશને લોન આપવામાં આવશે. તેવું પણ માનવામાં આવી રહ્યું છે કે સાઉદી અરબ આ નવો નિયમ પાકિસ્તાન જેવા દેશોને ધ્યાનમાં રાખીને જ બનાવવા જઈ રહ્યું છે.