સોમવાર એટલેકે 24 એપ્રિલે પાકિસ્તાનથી ભારત આવેલા અસંખ્ય હિંદુઓ બેઘર બની ગયા હતાં. રાજસ્થાનના જોધપુરમાં રહેતાં આ હિંદુ પરિવારના ઘરો જોધપુર ડેવલોપમેન્ટ ઓથોરીટી દ્વારા બુલડોઝરની મદદથી પાડી નાખવામાં આવ્યા હતાં. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કે જોધપુરમાં રહેતાં પાકિસ્તાની હિંદુઓ કેવી રીતે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે.
આ વિડીયોમાં એક મહિલા તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંથી આઘાતમાં આવી જતાં બેભાન થઇ ગયેલી જોઈ શકાય છે. આ વિડીયોને રેકોર્ડ કરનાર વ્યક્તિ કહી રહ્યો છે કે, “આ જુઓ, તે બેભાન થઇ ગઈ છે. આજુબાજુ જરા જુઓ. આ આપણું ભારત છે. અમે ભારત આવ્યા હતાં. તેમણે અમારા ઘર પર બુલડોઝર ફેરવી દીધું છે. અમે પાકિસ્તાનમાં ઉત્પીડન સહન કરી રહ્યાં હતાં એટલે અમે ભારત આવ્યા અને હવે ભારતમાં પણ અમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આજુબાજુ જરા જુઓ, અમે મરી રહ્યા છીએ.” જ્યારે એક અન્ય વ્યક્તિ આ જગ્યાને ખાલી કરવા માટે બે દિવસનો સમય માંગી રહ્યો હોય એવું પણ સંભળાઈ રહ્યું છે. તંત્રના અધિકારીઓ સાથે પોલીસ પણ મોટી સંખ્યામાં આ સમયે હાજર હતી. આ વિડીયોમાં બુલડોઝર પણ જોવામાં આવી રહ્યું છે.
Devastating news coming from our Jodhpur settlements for Hindus of Pakistan.
— Dr Omendra Ratnu (@satyanveshan) April 24, 2023
Jodhpur Development Authority & local police has bulldozed an entire colony of Hindus in Gangana, Jodhpur, today.
Thousands of Hindu women &children refugees living in extreme poverty rendered homeless. pic.twitter.com/SGvCQRQ4Js
જ્યારે બીજી તરફ તંત્રનો દાવો છે કે જોધપુરમાં રહેતાં પાકિસ્તાની હિંદુઓ દ્વારા સરકારી જમીન પણ દબાણ કરવામાં આવ્યું છે. PTIના અહેવાલ અનુસાર જોધપુર ડેવલોપમેન્ટ ઓથોરીટીએ દબાણ વિરુદ્ધ ઝુંબેશ શરુ કરી છે અને આ ઝુંબેશ હેઠળ તેમણે 200 મકાનોને તોડી નાખ્યા છે જેમાં પાકિસ્તાનથી આવેલા આ હિંદુઓના ઘર પણ સામેલ છે. તો તંત્રના આ દાવાથી વિરુદ્ધ પાકિસ્તાની હિંદુઓએ આરોપ લગાવ્યો છે કે તેમણે આ જમીન ભૂમાફિયાઓ પાસેથી રૂપિયા 70,000 થી લઈને રૂપિયા 2 લાખ સુધી ચૂકવીને ખરીદી છે. એવું પણ જાણવા મળ્યું છે કે આ ઝુંબેશથી ગુસ્સે થઈને આ વિસ્થાપિતોએ પોતાનું ઘર તોડવા આવેલી સરકારી અધિકારીઓની ટીમ પર કથિતરૂપે પથ્થરમારો પણ કર્યો હતો.
બુલડોઝરના ડ્રાઈવર અને જોધપુર ડેવલોપમેન્ટ ઓથોરીટીના એક કર્મચારીને આ દરમ્યાન સામાન્ય ઈજાઓ થઇ હતી. હવે આ મામલે બે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.