વલસાડના પારનેરામાં એક મુસ્લિમ યુવકને સોશિયલ મીડિયા પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા સાથેનું સ્ટેટ્સ મૂકવાનું ભારે પડી ગયું હતું. હિંદુ સંગઠનોના ધ્યાને આવતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ કાર્યવાહી અને હિંદુ સંગઠનોના વિરોધ બાદ યુવકે માફી માંગવી પડી હતી.
યુવકનું નામ સાહિલ હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર, તેણે સોશિયલ મીડિયા પર એક સ્ટેટ્સ મૂક્યું હતું, જેમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ સાંભળવા મળ્યા હતા. જે વાયરલ થઈ જતાં હિંદુ સંગઠનોના કાર્યકરોના ધ્યાને આવ્યો હતો. ત્યારબાદ કાર્યકરોએ વલસાડ રૂરલ પોલીસ મથકે પહોંચીને સાહિલ સામે કાર્યવાહીની માંગ કરી હતી.
માહોલ વધુ તંગ બને તે પહેલાં જ વલસાડ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. યુવક મૂળ પારનેરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવાનું રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે.
જોકે, વિરોધ અને કાર્યવાહી બાદ યુવકે બીજો એક વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો અને માફી માંગી લીધી હતી. તેણે દાવો કર્યો કે અજાણતાંમાં તેનાથી ભૂલ થઈ ગઈ હતી અને ફરી ક્યારેય આવું નહીં થાય તેની ખાતરી આપી હતી. સાથે તેણે વીડિયોમાં ‘હિંદુસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હતા.
સામે આવેલા વીડિયોમાં તે કહેતો જોવા મળે છે કે, “કાલે વીડિયો અપલોડ થયો હતો, તેમા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ મેં સાંભળ્યું પણ ન હતું અને તે અપલોડ થઈ ગયું. હું તેના માટે માફી માંગું છું. જેની પણ લાગણી દુભાઇ હોય તેમની હૃદયથી માફી માંગું છું. હિંદુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે.” ત્યારબાદ ફરીથી હિંદુસ્તાન ઝિંદાબાદના નારા લગાવે છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારના બનાવો અગાઉ પણ બની ચૂક્યા છે. ઓગસ્ટ, 2022માં નવસારીના એક મુસ્લિમ સગીરે ઇન્સ્ટાગ્રામ પર પાકિસ્તાનનો ઝંડો મૂકી દીધો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. જોકે, સગીરના પિતાએ પોલીસ સમક્ષ માફીપત્ર લખી આપીને ફરી ક્યારેય આવું નહીં થાય તેની ખાતરી આપતાં પોલીસે પણ આગળ કોઇ કાર્યવાહી ન કરીને મામલો થાળે પાડ્યો હતો.