મોટાભાગના ફોન ચોરીના કિસ્સાઓમાં પોલીસ IMEI નંબર પરથી ફોનનું લોકેશન શોધી કાઢતી હોય છે. પરંતુ હવે ભેજાબાજોએ આનો પણ તોળ કાઢી લીધો છે. અમદાવાદથી આવો જ એક ઈસમ પકડાયો હતો, જે મોબાઈલના IMEI નંબર જ બદલી નાંખતો હતો. જેની ઓળખ અબ્દુલ ખાલિદ તરીકે થઇ છે.
અમદાવાદ સાયબર ક્રાઇમે અબ્દુલ ખાલિદની ધરપકડ કરી છે. તે અમદાવાદના નહેરુનગર ચાર રસ્તા નજીક જનપથ કોમ્પ્લેક્સમાં ‘મન્નત કોમ્યુનિકેશન’ નામની એક દુકાન ચલાવે છે અને જેમાં તે મોબાઈલ રિપેરિંગનું કામ કરે છે. જોકે, તેનું કામ મોબાઈલ રિપેરિંગ જેટલું જ સીમિત ન હતું, તે મોબાઈલના IMEI નંબર પણ બદલવાનું કામ કરતો હતો.
પોલીસને આ અંગે બાતમી મળ્યા બાદ એક સામાન્ય માણસને બોલાવીને એક મોબાઈલ ફોન આપીને અબ્દુલ પાસે મોકલવામાં આવ્યો હતો અને પોલીસે વૉચ ગોઠવી હતી. પોલીસનો વ્યક્તિ દુકાનમાં જતાં તેને અબ્દુલ મળી ગયો હતો અને IMEI નંબર બદલવાનું કહેતાં અબ્દુલે હા કહીને તેને 13 ફેબ્રુઆરી સુધીમાં બદલી આપવા જણાવ્યું હતું.
પોલીસે રંગેહાથ ઝડપી લીધો
ત્યારબાદ ગત 13 ફેબ્રુઆરી (સોમવારે) પોલીસે ફરીથી વૉચ ગોઠવીને વ્યક્તિને અબ્દુલ પાસે મોકલ્યો હતો. જેણે મોબાઈલ ફોન અંગે પૂછતાં અબ્દુલે તેને IMEI નંબર બદલેલો પકડાવી દીધો હતો. જેની પોલીસે તપાસ કરતાં ખરેખર તે મોબાઈલનો IMEI નંબર બદલાયેલો હોવાનું જાણવા મળ્યું અને તેના સ્થાને વેબસાઈટ ઉપર બીજો જ ફોન બતાવવામાં આવતો હતો. ત્યારબાદ પોલીસે અબ્દુલને દુકાનમાંથી જ ઉઠાવી લીધો હતો.
પોલીસની પૂછપરછમાં અબ્દુલે IMEI નંબર બદલવાની કબૂલાત કરી હતી અને કહ્યું હતું કે તે તેની પાસેના એક એલ્ટીમેટ મલ્ટી ટૂલ સોફ્ટવેરની મદદથી આ નંબરો બદલી નાંખતો હતો.
અબ્દુલ માત્ર 10 પાસ, કેટલા નંબર બદલ્યા તે બાબતની તપાસ ચાલુ
રિપોર્ટ અનુસાર, અબ્દુલ ખાલિદ હેકિંગ કે અન્ય કોઈ વિષયમાં ભણ્યો નથી અને માત્ર 10 પાસ છે. વર્ષો અગાઉ તેણે મોબાઈલ ફોન વિશેનો એક ITI કોર્સ કર્યો હતો અને ત્યારથી મોબાઈલ રિપેરિંગનું જ કામ કરતો હતો.
હાલ પોલીસે તેને હિરાસતમાં લઈને તપાસ શરૂ કરી છે તેમજ તેણે અત્યાર સુધીમાં કેટલા મોબાઈલ ફોનના IMEI નંબરો બદલ્યા છે અને કેટલા લોકોને અન્ય ગેરકાયદેસર રીતે લૉક ખોલી આપ્યા છે તે બાબતની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.