થોડા દિવસ પહેલાં સુરત જિલ્લાના ઓલપાડ શહેર સ્થિત અનેક હિંદુઓના અસ્થાના કેન્દ્ર એવા રામકુંડની દીવાલ પર કટ્ટરપંથી માનસિકતા ધરાવતા તત્વોએ ઇસ્લામિક ચિત્ર દોર્યું હતું અને સાથે ધજાનો દંડ પણ સળગાવી દીધો હતો. જેને લઈને હિંદુ સંગઠનોએ આક્રોશમાં આવીને કરેલી કડક કાર્યવાહીની માંગ કર્યા બાદ પોલીસ પણ સક્રિય થઇ હતી અને 2 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ત્યારે હવે ઓલપાડના રામકુંડની દીવાલ પર ચાંદતારાનું ચિહ્ન દોરી ધજાનો દંડ સળગાવનાર આરોપી જુનૈદ અને મોહમ્મદ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે ઓલપાડ શહેરમાં કિમ રોડ ઉપર એક તળાવ નજીક આ રામકુંડ આવેલ છે, જેને ઐતિહાસિક ધરોહર તરીકે સાચવવામાં આવ્યો છે. આ કુંડ સાથે સ્થાનિક હિંદુઓની ધાર્મિક આસ્થા પણ જોડાયેલી છે. વર્ષો જૂનું આ ઐતિહાસિક સ્થળ લાંબા સમયથી જર્જરિત હાલતમાં પડી રહ્યું હતું, જે વિશ્વ હિંદુ પરિષદના ધ્યાનમાં આવતાં ગત 6 જૂનના રોજ સંગઠનના કાર્યકર્તાઓએ તેની સાફસફાઈનું કામ હાથ પર લીધું હતું. વિહિપ કાર્યકર્તાઓએ સમગ્ર રામકુંડની સાફસફાઈ કરી તેની ફરતેની દીવાલો પર કલર કામ કરાવીને તેને નવું સ્વરૂપ આપ્યું હતું. તેમજ એક દીવાલ પર ‘શ્રી રામકુંડ, વિશ્વ હિંદુ પરિષદ, ઓલપાડ’ લખવામાં આવ્યું હતું અને તેની બાજુમાં એક દંડ સાથે ભગવાન શ્રીરામની ધજા લહેરાવવામાં આવી હતી.
આ સાફસફાઈ અને રંગરોગાન કર્યા બાદ બીજી રાત્રે ઓલપાડ ટાઉનના કસ્બા મહોલ્લામાં રહેતા અને કટ્ટરવાદી માનસિકતા ધરાવતા જુનેદ મેહબૂબ મુલતાની તથા મોહમદ મુહતસિમ એટેસામ ખાન દ્વારા જ્યાં ‘શ્રી રામકુંડ’ લખવામાં આવ્યું હતું તેની બાજુમાં અર્ધચંદ્ર અને તારાનું ચિહ્ન દોર્યું હતું અને જે દંડ પર ધજા લહેરાવવામાં આવી હતી તેને પણ સળગાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક હિંદુઓ રામકુંડ પર એકઠા થઇ ગયા હતા તો પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઓલપાડ પોલીસે સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. આખરે તપાસને અંતે રામકુંડની દીવાલે ચિત્રો દોરીને ધજા દંડ સળગાવવા બદલ જુનૈદ અને મોહમ્મદની ધરપકડ કરવામાં આવી હતી. હિંદુ સંગઠનોએ સાફસફાઈ કરીને રામકુંડને નવું સ્વરૂપ આપતાં ઓલપાડમાં જ રહેતા જુનૈદ મુલતાની અને મોહમ્મદ ખાનને તે પસંદ આવ્યું ન હતું અને બંને રામકુંડની દીવાલે દ્વેષપૂર્વક ઉશ્કેરણીજનક ચિત્ર દોરીને ધજાદંડ સળગાવીને ભાગી છૂટ્યા હતા. પોલીસે ગુનો નોંધીને બંનેની પૂછપરછ કરતાં તેમણે કબૂલાત કરી લીધી હતી.ધરપકડ બાદ પોલીસે બંનેના મોબાઈલ ચકાસતાં બંને મઝહબી કટ્ટર હોવાનું સામે આવ્યું હતું. મામલાની ઊંડાણપૂર્વકની તપાસ માટે ઓલપાડ પોલીસે FSLની મદદ લીધી હતી.
બીજી તરફ, ધરપકડ બાદ જુનૈદ અને મોહમ્મદ બંને સામે પાસા હેઠળ કાર્યવાહી કરી એકને અમદાવાદ અને બીજાને રાજકોટ મોકલી દેવામાં આવ્યો હતો.