આસામના બારપેટામાં હિંદુઓની જમીન ગેરકાયદેસર રીતે મુસ્લિમો અને ઘૂસણખોરોને ટ્રાન્સફર કરવાના આરોપ સાથે એક મહિલા અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની તપાસમાં મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે એક મહિલા અધિકારી પૈસા લઈને હિંદુઓની જમીનો મુસ્લિમોના નામે કરવાની ગુનાહિત પ્રવૃત્તિ ચલાવી રહી હતી. આ ઘટનાને લઈને મહિલા અધિકારી નૂપુર બોરાની ધરપકડ કરવામાં આવી છે. તેના ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી રોકડ, ઘરેણાં અને કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
આ મામલે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે, “આ કાર્યવાહી અધિકારી સામેની ચોક્કસ ફરિયાદોના આધારે કરવામાં આવી હતી, જેમણે તેમના આવકના સ્ત્રોતો કરતાં વધુ રોકડ અને સંપત્તિ એકઠી કરી હતી.” તેમણે કહ્યું કે તપાસના અત્યાર સુધીના તારણો અનુસાર અધિકારીએ આસામના બારપેટામાં તેના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર જમીન ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું છે.
असम सरकार की एक अधिकारी के खिलाफ अवैध धन प्राप्त करने के मामले में कार्रवाई जारी है।
— Himanta Biswa Sarma (@himantabiswa) September 15, 2025
सरकार को सूचना मिली है कि यह अधिकारी हिंदुओं की ज़मीन एक विशेष समुदाय को हस्तांतरित कर रही थी। pic.twitter.com/giYYtf0z7r
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સરકારને માહિતી મળી હતી કે આ અધિકારી બારપેટામાં તેના પોસ્ટિંગ દરમિયાન હિંદુઓની જમીન મુસ્લિમોને ટ્રાન્સફર કરી રહ્યા હતા. તેઓ છેલ્લા છ મહિનાથી અમારી નજર હેઠળ હતા.” વધુમાં મીડિયા અહેવાલોમાં એવો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે કે આ મહિલા અધિકારી હિંદુઓની જમીનોને ઘૂસણખોરોના નામ પર કરી રહ્યા હતા.
ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ અધિકારીનું નામ નૂપુર બોરા હોવાનું સામે આવ્યું છે. તે 2019 બેચની સિવિલ સર્વિસીસ અધિકારી છે અને હાલમાં કામરૂપ જિલ્લાના ગોરૈમારીમાં સર્કલ ઓફિસર તરીકે તહેનાત હતી. વિજિલન્સ સેલે નૂપુર બોરાના બે એપાર્ટમેન્ટ પર દરોડા પાડ્યા હતા.
સ્પેશિયલ વિજિલન્સ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન અધિકારીઓએ તેના ગુવાહાટી નિવાસસ્થાનમાંથી ₹92 લાખ રોકડા અને લગભગ ₹1 કરોડના દાગીના અને બારપેટામાં તેમના ભાડાના ઘરમાંથી ₹10 લાખ રોકડા જપ્ત કર્યા છે. તે સિવાય અન્ય સ્થળોએ પણ દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
કોણ છે નૂપુર બોરા?
નૂપુર બોરાનો જન્મ 31 માર્ચ 1989માં આસામના ગોલાઘાટ જિલ્લામાં થયો હતો. તે એક ACS અધિકારી છે જે 2019માં સિવિલ સર્વિસમાં જોડાઈ હતી. તે કામરૂપ જિલ્લાના ગોરોઈમારીમાં સર્કલ ઓફિસર તરીકે પોસ્ટેડ હતી. તેણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે અને કોટન કોલેજમાં અભ્યાસ કર્યો છે.
નૂપુરની ફેસબુક પ્રોફાઇલ મુજબ સિવિલ સર્વિસમાં જોડાતા પહેલાં તેણે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગમાં (DIET) લેક્ચરર તરીકે કામ કર્યું હતું. તેણે કાર્બી આંગલોંગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે તેમની વહીવટી કારકિર્દીની શરૂઆત કરી હતી, આ પદ તેણે માર્ચ 2019થી જૂન 2023 સુધી સંભાળ્યું હતું. બાદમાં તેનું કામરૂપમાં ટ્રાન્સફર થયું તે પહેલાં જૂન 2023 સુધી બારપેટામાં સર્કલ ઓફિસર તરીકે પોસ્ટેડ હતી.
6 વર્ષની સરકારી સર્વિસમાં નૂપુર બોરાએ તેના પગાર કરતા ઘણી વધુ કિંમતની મિલકતો અને રોકડ સહિતની સંપત્તિ એકઠી કરી હોવાનું કહેવાય છે. સ્પેશિયલ વિજિલન્સ સેલે આરોપી મહિલાના કથિત સહયોગી લટ મંડલ સુરજીત ડેકાના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા, જે બારપેટામાં રેવન્યુ સર્કલ ઓફિસમાં તહેનાત છે. તેના પર આરોપ છે કે તેણે બોરાની મદદથી બારપેટામાં ઘણી જમીનો ખરીદી હતી.


