ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે હાલ પાંચ મેચની T-20 સિરીઝ ચાલી રહી છે. શુક્રવારે (1 ડિસેમ્બર, 2023) આ સિરીઝની ચોથી મેચ છત્તીસગઢના રાયપુરના શહીદ વીર નારાયણ સિંઘ સ્ટેડિયમમાં રમાશે. પણ પ્રશ્ન એ છે કે આ મેચ રમાશે કઈ રીતે? કારણ કે મેચ રાત્રે રમાવાની છે અને સ્ટેડિયમમાં વીજળીનાં ઠેકાણાં નથી. સમાચાર એવા છે કે સ્ટેડિયમનું વીજ કનેક્શન પાંચ વર્ષ પહેલાં જ કાપી નાખવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્ટેડિયમનું 3.16 કરોડ રૂપિયાનું વીજળી બિલ ભરવાનું બાકી છે, જેના કારણે પાંચ વર્ષ પહલાં જ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. આ બિલ 2009થી પેન્ડિંગ હોવાનું કહેવાય છે. ત્યારબાદ છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ એસોશિએશનની વિનંતી પર કામચલાઉ ધોરણે લિંક સેટ અપ કરી આપવામાં આવી હતી પરંતુ આ લાઇટ બોક્સ અને ગેલેરીમાં જ ચાલે છે. બાકીની જગ્યાએ અંધારુ જ રહે છે.
આ સમસ્યાના કારણે છેલ્લાં પાંચ વર્ષથી અહીં જે મેચ થાય તેમાં વીજળી જનરેટરથી પૂરી પાડવામાં આવે છે. આજે પણ તેવું જ કરવામાં આવશે. જનરેટરની વીજળીની મદદથી ફ્લડ લાઈટ્સ ચાલુ કરીને તેના પ્રકાશમાં મેચ પૂરી કરાવવામાં આવશે. ન કરે નારાયણ ને જનરેટર ખોટકાઈ ગયું તો મેચનું શું થશે તે જાણવા મળ્યું નથી.
આ અંગે રાયપુર રૂરલ સર્કલના ઈન્ચાર્જ અશોક ખંડેલવાલે જણાવ્યું હતું કે, ક્રિકેટ એસોશિએશનના સેક્રેટરી કામચલાઉ કનેક્શનનો પાવર 200 KVથી 1000 KV કરવા માટે કહ્યું હતું અને તેમની અરજી મંજૂર પણ કરી દેવામાં આવી છે, પરંતુ તેની ઉપર હજુ કામ શરૂ કરવામાં આવ્યું નથી.
વર્ષ 2018માં પહેલી વખત વિવાદ સર્જાયો હતો, જ્યારે હાફ મેરેથોનમાં ભાગ લેવા આવેલા ખેલાડીઓએ પૂરતો વીજ પુરવઠો ન હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ જાણવા મળ્યું કે 2009થી વીજ બિલ બાકી છે.
વિભાગો વચ્ચે સમન્વયનો અભાવ સમસ્યાનું કારણ
આ સમસ્યાનું મૂળ કારણ વિભાગો વચ્ચે કામગીરીમાં સમન્વયનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેડિયમના બાંધકામ બાદ તેની જાળવણીનું કામ PWDને સોંપવામાં આવ્યું હતું, જ્યારે બાકીનો ખર્ચ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના ભાગે આવ્યો હતો. હવે વીજળી બિલનો દોષ આ બંને વિભાગ એકબીજા પર નાખતા રહે છે. જેના કારણે 2009થી બિલ બાકી બોલે છે. ત્યારબાદ વીજ કંપનીએ અનેક વખત બંને વિભાગને નોટિસ પણ પાઠવી, પરંતુ તેમને ખાસ ફેર પડ્યો નથી.
છેલ્લાં પાંચ વર્ષમાં અહીં માત્ર એક જ ઈન્ટરનેશનલ મેચ યોજાઈ છે, જે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. પણ તેમાં ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 108 રન પર ઓલઆઉટ થઈ ગઈ હોવાના કારણે ભારતે માત્ર 21 ઓવરમાં જ લક્ષ્યાંક પાર કરી લીધું હતું અને મેચ વહેલી પૂર્ણ થઈ ગઈ હતી, જેના કારણે સમસ્યા વધુ નડી ન હતી.
આજની મેચ શરૂ જ સાંજે 7 વાગ્યે થશે. જે 11 વાગ્યા સુધી ચાલવાની સંભાવના છે. જેથી સંપૂર્ણ મેચ રાત્રિ દરમિયાન જ યોજાશે. જોકે, સ્ટેડિયમે કહ્યું છે કે તેમણે મેચ માટે જનરેટરની વ્યવસ્થા કરી છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી આ સિરીઝમાં ભારત 2-1થી આગળ છે. જો આજની મેચમાં વિજય મેળવે તો સિરીઝ પણ જીતશે. જો હારનો સામનો કરવો પડે તો પાંચમી મેચ ફરજિયાત જીતવી પડશે. પાંચમી T20 રવિવારે (3 ડિસેમ્બર) બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.