આફ્રિકન દેશ નાઈજીરિયામાં મસ્જિદ ધરાશયી થવાનો મામલો સામે આવ્યો છે. ઘટના બની ત્યારે અંદર કેટલાક લોકો નમાજ અદા કરી રહ્યા હતા. ઘટનામાં 10 લોકોનાં મોત થયાં છે, જ્યારે 23 લોકોને ઇજા પહોંચી છે. ઘાયલોને સારવાર અર્થે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રિપોર્ટસ મુજબ, ઝરિયા અમીરાત કાઉન્સિલના પ્રવક્તા અબ્દુલ્લાહી ક્વારબાઈએ જણાવ્યું હતું કે, “શુક્રવારે (11 ઓગષ્ટ,2023) દેશના ઉતરે આવેલ રાજ્ય કડુનાના ઝરિયા શહેરની એક મસ્જિદમાં અનેક નમાજીઓ બપોરની નમાજ માટે ભેગા થયા હતા. આ દરમિયાન શહેરની સેન્ટ્રલ મસ્જિદની છત ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં 10 લોકોનાં મોત થયાં, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.”
UPDATED: Eight persons have died and seven others were injured when a mosque collapsed in Zaria Local Government Area of Kaduna State on Friday. pic.twitter.com/6J132fDQMF
— Channels Television (@channelstv) August 11, 2023
અબ્દુલ્લાહીએ આગળ કહ્યું, “મસ્જિદ ધરાશાયી થયા બાદ પ્રાથમિક તપાસમાં ચાર મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે બચાવકાર્ય દરમિયાન તૂટેલી મસ્જિદમાંથી અન્ય ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા.” પછીથી મૃતકોનો આંકડો વધ્યો અને 10 પર પહોંચ્યો હતો. બીજી તરફ, રાજ્યની ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ 23 લોકોને હોસ્પિટલે ખસેડ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે, આ મસ્જિદ 1830માં બનાવવામાં આવી હતી. બીજી તરફ આ મામલે કડુના રાજ્યના ગવર્નર ઉબા સાની દ્વારા ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઘટનાસ્થળમાં રેકોર્ડ કરવામાં આવેલા એક વીડિયોમાં મસ્જિદની છતનો મોટો ભાગ તૂટી પડતો જોવા મળે છે. નોંધવું જોઈએ કે ગયા વર્ષે પશ્ચિમ આફ્રિકાના આ દેશમાં એક ડઝનથી પણ વધુ ઇમારતો ધરાશાયી થઇ ગઈ હતી. ઇમારતો તૂટવા પાછળનું કારણ હલકી ગુણવત્તાવાળી બાંધકામ સામગ્રીનો ઉપયોગ અને જાળવણીમાં બેદરકારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નાઈજીરિયા એ પશ્ચિમ આફ્રિકામાં સ્થિત દેશ છે. 9 લાખ 23 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તાર ધરાવતા આ દેશમાં 23 કરોડ લોકો વસવાટ કરે છે. નાઈજીરિયા આફ્રિકાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. નાઈજીરિયામાં મુખ્યત્વે બે પંથો અનુસરતા લોકો વસવાટ કરે છે. ઉત્તરે મોટાભાગે મુસ્લિમોની વસ્તી છે, જ્યારે દક્ષિણમાં ખ્રિસ્તીઓ રહે છે.
નાઈજીરિયા અવારનવાર મીડિયામાં ચમકતું રહે છે. ગત જૂન મહિનામાં અહીં એક વ્યક્તિનું મોબ લિંચિંગ થયું હતું, જે સમાચાર દુનિયાભરમાં ફેલાયા હતા. અહીંના સોકોટો શહેરમાં ટોળાએ એક વ્યક્તિની પથ્થરો વડે મારીમારીને હત્યા કરી નાંખી હતી. પયગમ્બર મોહમ્મદ વિશે તેણે કરેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે ટોળું ઉશ્કેરાઈ ગયું હતું અને ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે તૂટી પડ્યું હતું. ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.