Saturday, October 5, 2024
More
    હોમપેજગુજરાતજૂનાગઢમાં પાણી ઓસર્યાં, પણ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે: ચાર જિલ્લાઓમાં...

    જૂનાગઢમાં પાણી ઓસર્યાં, પણ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે: ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ, 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ વલસાડ, ભાવનગર, રાજકોટ અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટમાં મુકવામાં આવ્યા છે. તો બીજી તરફ કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, આણંદ વડોદરા, ભરૂચ, સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

    - Advertisement -

    ગઈ કાલે ભારે વરસાદના કારણે જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે પાણી નીચે શહેરમાં ઉતરી આવ્યાં અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ગયાં બાદ તારાજીનાં દ્રશ્યો સર્જાયાં હતાં. હવે પાણી ઓસરવા માંડ્યું છે અને તંત્રે સફાઈ કામગીરી હાથ ધરી છે. બીજી તરફ અગામી 3 દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

    ગઈકાલે રાજ્યના 246 તાલુકામાં વરસાદ વરસ્યા બાદ આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદે પોતાનો અસલ મિજાજ બતાવવાનું ચાલુ કરી દીધું છે. આજે બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 142 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે 39 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરમાં સાડા 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સાથે જ હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

    અગામી 3 દિવસ કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ કરેલી ભારે વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરના સુભાષનગર, કાળીયાબીડ, ઘોઘાસર્કલ, મેઘાણી સર્કલ, ક્રેસન્ટ, હલુરીયાચોક, ગંગાજળીયા તળાવ, જશોનાથ ચોક, પાનવાડી ચોક, વિજય ટોકીઝ રોડ, અલકા સિનેમા થઈ રેલ્વે સ્ટેશન રોડ, દાણાપીઠ, પ્રભુદાસ તળાવ કુંભારવાડા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ રાજકોટ જિલ્લામાં પણ અનેક જગ્યાએ મૂશળધાર વરસાદ વાર્યો હતો. ભારે વરસાદના કારણે ગોંડલ-આટકોટ હાઈવે બંધ કરવાની નોબત આવી હતી. તો બીજી તરફ ગોંડલના મોટા દડવા સહિત આજુબાજુના ગામોમાં પણ મોડી રાતથી વરસાદે જોર પકડ્યું હતું. આ બધી તકલીફો વચ્ચે રાજકોટનો આજી-1 અને ન્યારી ડેમ ઓવરફ્લો થઈ જતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

    - Advertisement -

    હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આજે (રવિવાર 23 જુલાઈ 2023) વલસાડ, ભાવનગર, રાજકોટ અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ કચ્છ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, આણંદ વડોદરા, ભરૂચ, સુરત અને નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા તાપી, અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, અને મોરબીમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

    સાભાર- Deshgujarat

    આવતીકાલ (સોમવાર 24 જુલાઈ 2023)ની વાત કરીએ તો કાલે માત્ર બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદર, દ્વારકા, અને મહેસાણાને ચિહ્નિત કરીને વરસાદના એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જોકે ગીર સોમનાથ, જૂનાગઢ, વલસાડ, નવસારી, અમદાવાદ અને ગાંધીનગરમાં છુટ્ટોછવાયો વરસાદ પડી શકે છે.

    સાભાર Deshgujarat

    મંગળવાર (25 જુલાઈ 2023)ના રોજ માત્ર ભાવનગર, નવસારી અને વલસાડમાં હળવા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

    જૂનાગઢમાં સર્જાયા હતા તારાજીના દ્રશ્યો

    નોંધનીય છે કે શનિવારે જૂનાગઢમાં અતિવૃષ્ટિથી જનજીવન ખોરવાઈ ગયું હતું. જળતાંડવના કારણે નાગરિકો ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસી જવાના કારણે પાણી શહેરમાં આવી ગયાં હતાં અને ધસમસતા પ્રવાહ સાથે ગણતરીના કલાકોમાં જ મોટાભાગના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં. જેના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.સાથે જ ધસમસતા પ્રવાહમાં વાહનો અને પશુઓ પણ તણાતાં દેખાયા હતા. આ સ્થિતિ બાદ જનજીવન સામાન્ય કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બચાવકાર્ય માટે ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી તો બીજી તરફ સામાજિક સંસ્થાઓએ પણ મદદ માટે હાથ લંબાવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં