નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મેએ પીએમ મોદીના હસ્તે થવાનું છે એટલે વિપક્ષે હોબાળો મચાવ્યો છે અને સમારોહનો બહિષ્કાર કર્યો છે. તો આ મામલે એક PIL પણ દાખલ કરવામાં આવી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટના વકીલ CR જયા સુકિન દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે કરાવવાની અરજી દાખલ કરવામાં આવી હતી, જેને આજે શુક્રવારે (26 મે, 2023) સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ જેકે મહેશ્વરી અને પીએસ નરસિમ્હાની વેકેશન બેન્ચે ઍડવોકેટ જયા સુકિનની અરજી ફગાવ્યા બાદ અરજીકર્તાએ મામલો પાછો ખેંચી લીધો હતો.
અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતા કહ્યું હતું કે, અમને ખબર છે કે આ અરજી કયા કારણોસર કરવામાં આવી છે. કોર્ટે અરજીકર્તાને પૂછ્યું કે આખરે આ અરજીથી કોનું હિત થવાનું છે? કોર્ટે કહ્યું કે આવી અરજીઓની સુનાવણી કરવી એ અમારું કામ નથી. અભાર માનો કે અમે કોઈ દંડ નથી ફટકારતા.
અરજીકર્તાએ અરજીમાં ભારતના બંધારણની કલમ 79નો ઉલ્લેખ કર્યો હતો, જે કહે છે કે સંસદમાં રાષ્ટ્રપતિ અને બે ગૃહોનો સમાવેશ થાય છે. આ અંગે જસ્ટિસ મહેશ્વરીએ પૂછ્યું હતું કે, કલમ 79નો ઉદ્ઘાટન સાથે શું સંબંધ છે?
Supreme Court declines the PIL seeking a direction that the new Parliament building should be inaugurated by President Droupadi Murmu on 28th May. https://t.co/Cu8Z35TRza
— ANI (@ANI) May 26, 2023
‘ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કરવું જોઈએ’
ઉલ્લેખનીય છે કે, પાછલા દિવસોમાં નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ પાસેથી કરાવવાની માંગણી કરતી એક જાહેર હિતની અરજી (PIL) સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્રને એ નિર્દેશ આપે કે નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મેના રોજ રાષ્ટ્રપતિ મુર્મૂ દ્વારા કરવામાં આવે. પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, “લોકસભા સચિવાલયે ઉદ્ઘાટન માટે રાષ્ટ્રપતિને આમંત્રિત ન કરીને બંધારણનું ઉલ્લંઘન કર્યું છે.”
અરજીમાં સરકાર પર ભારતીય બંધારણનું ઉલ્લંઘન કરવાનો આરોપ
ઍડવોકેટ જયા સુકિન દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, 18 મેના લોકસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નિવેદન અને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન અંગે લોકસભાના મહાસચિવ દ્વારા જારી કરવામાં આવેલ આમંત્રણ ભારતીય બંધારણનું ઉલ્લંઘન છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે અને બંધારણનું સન્માન નથી કર્યું. સંસદ એ ભારતની સર્વોચ્ચ સંસ્થા છે. ભારતમાં રાષ્ટ્રપતિ બંને ગૃહો- રાજ્યસભા અને લોકસભાને બોલાવવા અને સ્થગિત કરવા અથવા ભંગ કરવાની સત્તા ધરાવે છે. એટલે ઉદ્ઘાટન પણ તેમણે જ કરવું જોઈએ.
20 વિપક્ષી દળોએ કર્યો છે ઉદ્ઘાટનનો બહિષ્કાર
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ, TMC અને AAP સહિત કુલ 20 વિપક્ષી દળોએ નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ વિના ભવનનું ઉદ્ઘાટન કરવાનો વડાપ્રધાન મોદીનો નિર્ણય રાષ્ટ્રપતિનું અપમાન છે.