Monday, April 15, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપોલીસને ધમકી આપી ટીકાપાત્ર બન્યા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર: લોકોએ સોશિયલ મીડિયા...

  પોલીસને ધમકી આપી ટીકાપાત્ર બન્યા કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર: લોકોએ સોશિયલ મીડિયા પર ફિટકાર વરસાવ્યો

  ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ગઈકાલે ભિલોડામાં ગુજરાત પોલીસ વિરુદ્ધ જે ઉચ્ચારણો કર્યા હતા તેના વિરુદ્ધ સોશિયલ મિડિયામાં રોષ ફાટી નીકળ્યો છે.

  - Advertisement -

  જાહેરમંચ પરથી બેફામ નિવેદનો આપવા માટે જાણીતા બનેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ફરીથી ચર્ચામાં આવ્યા છે. આ વખતે પણ તેમના ચર્ચામાં આવવાનું કારણ તેમના નિવેદનો જ છે. જગદીશ ઠાકોરે ગુરુવારે (2 જૂન 2022) અરવલ્લીના ભિલોડા ખાતે આયોજિત એક સભામાં ભાજપ નેતાઓ વિશે અપશબ્દો વાપર્યા હતા તો ગુજરાત પોલીસને પણ ધમકી આપી હતી. હવે આ અંગે સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા સામે આવી છે.

  જગદીશ ઠાકોરે મંચ પરથી કહ્યું હતું કે, “ભાજપ શાસકો નરભક્ષકો છે અને લોહી ચાખી ગયા છે.” હાજર જનતાને કહ્યું કે, તેઓ તેમનાથી ચેતીને ચાલે. તેમણે ભાજપ નેતાઓ પર માત્ર ચૂંટણી સમયે જ ભગવાન રામને યાદ કરવાનો આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો કે તેમના (કોંગ્રેસ) મોઢે તો હંમેશા રામ હોય છે! તેમણે ભાજપ નેતાઓને ‘બહુરૂપિયા’ પણ ગણાવ્યા હતા.

  કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પોલીસને લઈને પણ ધમકીભર્યા શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે રાજ્યના પોલીસ કર્મચારીઓ પર ભાજપ સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. સભામાં તેમણે કહ્યું, “રાજ્યમાં પાંચ ટકા પોલીસકર્મીઓ રાજ્ય સરકારના ઈશારે કામ કરી રહ્યા છે. જો અમારી સરકાર આવશે તો આ કર્મચારીઓને પાંચસો કિલોમીટર કપડાં વગર દોડાવીશું.”

  - Advertisement -

  કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષના આ નિવેદનો બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા જોવા મળી રહી છે. લોકો જગદીશ ઠાકોર દ્વારા આપવામાં આવેલ આ નિવેદનની ટીકા કરી રહ્યા છે તો લોકો એમ પણ કહી રહ્યા છે કે આ જ કારણ છે કે કોંગ્રેસ ક્યારેય સત્તા પર નથી આવતી.

  ડૉ. આદિત્ય મહેતાએ જગદીશ ઠાકોરનો વિડીયો શેર કરીને કહ્યું કે, “આ ભાઈ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ છે. બોલવાની સભ્યતા નથી, શું બોલવું-કેટલું બોલવું તેનું ભાન નથી. પણ સરકાર બનાવવી છે.”

  ભાવેશ લોઢાએ વિડીયો શેર કરીને જગદીશ ઠાકોરના નિવેદનને ‘બફાટ’ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, “કોંગ્રેસને બોલવાનું ભાન નથી, કદાચ એટલે જ કોંગ્રેસ ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર નથી.

  ગુજરાત પોલીસને આપેલી ધમકીને લઈને એક યુઝરે ગુજરાત પોલીસને ટેગ કરીને લખ્યું કે, “જગદીશ ઠાકોર પોલીસ વિરુદ્ધ નિવેદન કેમ આપી રહ્યા છે? શું તે ધમકી નથી? હું બહુ ગુજરાતી સમજતો નથી પરંતુ એટલું સમજાય છે કે તેઓ ધમકી આપી રહ્યા છે.” 

  વળી, રોનિત બારોટ નામના યુઝરે કહ્યું કે, જગદીશ ઠાકોર એ જ પોલીસને ધમકી આપી રહ્યા છે જેઓ ખડેપગે આવા નેતાઓના બંદોબસ્તમાં રહે છે. જયારે એક યુઝરે કહ્યું હતું કે, તેમની પાર્ટીમાં પાંચ લોકો પણ કામ નથી કરતા, તેમણે પહેલાં તેનું ચિંતન કરવાની જરૂર છે.

  દર્શન જોશી નામના યુઝરે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલને ટેગ કરીને લખ્યું હતું કે, “જગદીશ ઠાકોરની ભાષા જોઈ? ભુક્કા બોલાવી દઈશું, ફોડી નાંખીશું, પોલીસને કપડાં વગર દોડાવીશું.” તેમણે શશી થરૂર, રણદીપ સુરજેવાલા, પવન ખેરા વગેરે કોંગ્રેસ નેતાઓને ટેગ કરીને પૂછ્યું હતું કે શું તેઓ આ વ્યક્તિની આગેવાનીમાં લડીને ચૂંટણી જીતવા માંગે છે?”

  ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાત ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ વિવાદોમાં ફસાતા જોવા મળી રહ્યા છે તો કેટલાક પાર્ટી છોડી રહ્યા છે, બીજી તરફ પાર્ટીનું પ્રદર્શન પણ સતત કથળી રહ્યું છે. આ સંજોગોમાં જેમના માથે સંગઠનનો ભાર છે તેઓ સંગઠન મજબૂત કરવાના કે ચૂંટણીની તૈયારી કરવાના પ્રયત્નો કરવાનું મૂકીને આ પ્રકારના નિવેદનો આપીને પાર્ટીનું જ નુકસાન કરતા જણાઈ રહ્યા છે. 

  કોંગ્રેસ પાર્ટીના નેતાઓના કેટલાંક નિવેદનોના કારણે ભૂતકાળમાં પણ પાર્ટીને ચૂંટણીઓમાં નુકસાન ગયું છે ત્યારે આ વખતે પણ આવાં નિવેદનો વખત આવ્યે પાર્ટીને નુકસાન કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં