હજુ ગત અઠવાડિયે જ (25 ફેબ્રુઆરી 2023) સુરતની સેશન્સ કોર્ટે બાળકી પર દુષ્કર્મ કરીને હત્યા કરનાર એક આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. એવામાં જ ફરી એક વાર સુરતમાંથી જ 2 વર્ષની બાળા પર દુષ્કર્મ કરી તેની હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે.
મીડિયા અહેવાલો મુજબ, સચિનના કપલેથા ગામમાં રહેતી 2 વર્ષની બાળા પર એ જ ગામમાં પાડોશમાં રહેતા 23 વર્ષીય ઈસ્માઈલ યુવકે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દીધી હતી. આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાત બાળકીના ઘરે આવતો જતો રહેતો હતો. આ દરમિયાન દરરોજની જેમ સોમવારે (27 ફેબ્રુઆરી) સાંજે તે બાળકીને રમાડવા માટે લઈ ગયો હતો.
મોડે સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી બાળકીની લાશ મળી આવી હતી. પરિવારે તાત્કાલિક જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને બાળકીના માતા પિતાએ જણાવ્યું કે છેલ્લે તેને પાડોશમાં રહેતો ઇસ્માઇલ લઇ ગયો હતો. આથી પોલીસે સઘન તપાસ આદરતા ગણતરીના કલાકોમાં જ આરોપી ઇસ્માઇલ ઉર્ફે યુસુફ પકડાઈ ગયો હતો.
મોડી રાતે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલમાં મોકલાવાયો હતો. પીએમ રિપોર્ટ આવ્યા બાદ આ આરોપીની નક્કર પુષ્ટિ થઇ શકે છે.
2 માત્ર મહિનાની ટ્રાયલમાં કોર્ટે બાળકીના બળાત્કારીને ફાંસીની સજા સંભળાવી
નોંધનીય છે કે માત્ર 4 દિવસ પહેલા એટલે કે 25 ફેબ્રુઆરીના દિવસે જ સુરત સેશન્સ કોર્ટે આવા જ એક ગુનાહના આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.
મી ડિસેમ્બરે સુરતના ચોકબજાર વિસ્તારમાં આરોપીએ 7 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર કર્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી હતી. હત્યા કાર્ય બાદ તેને તે બાળકીના મૃતદેહને પોતાના મકાનના પેટી-પલંગમાં છુપાવી દીધો હતો. આ કેસમાં ક્રાઈમબ્રાંચે આરોપી મુકેશ પંચાલની ધરપકડ કરી હતી.
આ કેસની ટ્રાયલ બે મહિનામાં જ પૂરી કરી દેવામાં આવી અને આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આરોપીને 302 અને 376 એબી હેઠળ ફાંસીની સજા આપવામાં આવી છે. જ્યારે વિવિધ કલમો હેઠળ અલગ સજા કરવામાં આવી છે. જ્યારે વિકટીમ કોમ્પોનસેશન સ્કીમ અંતર્ગત 23.50 લાખનું વળતર જાહેર કર્યું છે. આ વળતર સરકારી યોજનામાંથી આપવામાં આવનાર છે.