મેડિકલ પ્રવેશ પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)ને લઈને ચાલતા વિવાદ વચ્ચે ગુરુવારે (20 જૂન) એક ઘટસ્ફોટ થયો, જેનાથી સ્પષ્ટ થયું કે પરીક્ષાનું પેપર લીક થયું હતું. આ મામલે પટના પોલીસે પકડેલા એક વિદ્યાર્થીએ કબૂલ કર્યું કે, તેને આગલા દિવસે NEETનું પેપર મળી ગયું હતું અને તેણે તમામ જવાબો યાદ કરી લીધા હતા. બીજા દિવસે જ્યારે પરીક્ષા આપવા ગયો તો એ જ પેપર પૂછાયું હતું.
આ પરીક્ષા ઉમેદવારની ઓળખ અનુરાગ યાદવ (22) તરીકે થઈ છે. તેણે પોલીસ અમક્ષ એક નિવેદન નોંધાવ્યું છે. તેણે જણાવ્યું કે, તે રાજસ્થાનના કોટાના એલાન કોચિંગ સેન્ટરમાં NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તેના ફુવા સિકંદર યાદવેંદુ (બિહારના) દાનાપુર નગરપાલિકામાં જુનિયર એન્જિનિયર પદે કાર્યરત છે. તેણે આગળ કહ્યું, “મારા ફુઆએ જણાવ્યું હતું કે 5 મેના રોજ NEET પરીક્ષા છે અને કોટાથી પરત આવી જા. પરીક્ષાનું સેટિંગ થઈ ચૂક્યું છે.”
આગળ તેણે જણાવ્યા અનુસાર, “હું કોટા પરત ફર્યો હતો અને ફુવા દ્વારા 4 મે, 2024ના રોજ અમિત આનંદ અને નીતીશ કુમાર પાસે મને છોડવામાં આવ્યો હતો. જ્યાં મને નીટનું પ્રશ્નપત્ર અને ઉત્તર પુસ્તિકા આપવામાં આવી હતી અને રાત્રે મેં જવાબો ગોખી લીધા હતા. મારું પરીક્ષા કેન્દ્ર ડીવય પાટિલ સ્કૂલમાં હતું અને જ્યારે હું ત્યાં પરીક્ષા આપવા ગયો ત્યારે જે પ્રશ્નપત્ર મને ગોખાવવામાં આવ્યું હતું તે જ પરીક્ષામાં મળ્યું. પરીક્ષા બાદ અચાનક પોલીસ આવી અને મને પકડી લેવામાં આવ્યો. મેં ગુનો સ્વીકારી લીધો હતો.”
આ મામલે શિક્ષણ મંત્રાલયે બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટ પાસે રિપોર્ટ મંગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે પટના પોલીસ છેલ્લા ઘણા સમયથી આ મામલે તપાસ કરી રહી છે અને ઘણાની ધરપકડ પણ કરવામાં આવી છે, જેમાં એક અનુરાગ પણ સામેલ હતો.
તેજસ્વી યાદવનો PS પણ સંડોવાયેલો: બિહાર ડેપ્યુટી સીએમ
બીજી તરફ, આ મામલે તેજસ્વી યાદવનું પણ નામ લેવામાં આવી રહ્યું છે. બિહારના ઉપમુખ્યમંત્રી વિજય સિન્હાએ ગુરુવારે (20 જૂન) એક પ્રેસ કૉન્ફરન્સ કરીને અમુક ઘટસ્ફોટ કર્યા હતા. બિહારના ડેપ્યુટી સીએમએ જણાવ્યું કે આ કાંડ સાથે તેજસ્વી યાદવનો પર્સનલ સેક્રેટરી પણ સીધી રીતે સંકળાયેલો છે.
પ્રેસ કૉન્ફરન્સમાં વિજય સિન્હાએ જણાવ્યું કે, તેજસ્વી યાદવના પર્સનલ સેક્રેટરી પ્રીતમ કુમારે 1 મેના રોજ રાત્રે 9 વાગ્યે NHAI ગેસ્ટહાઉસના કર્મચારી પ્રદીપ કુમારને ફોન કરીને સિકંદર કુમાર યાદવેંદુ માટે એક રૂમ બુક કરવા માટે કહ્યું હતું. પણ તે દિવસે પ્રદીપ કુમારે કોઈ રૂમ બુક કર્યો ન હતો. ત્યારબાદ 4 મેના રોજ તેને ફરીથી સિકંદર યાદવેંદુ માટે રૂમ બુક કરવા માટે કહેવામાં આવ્યું.
#WATCH | Patna: On NEET issue, Bihar Deputy CM Vijay Sinha says, "On May 1, Tejashwi Yadav's personal secretary Pritam Kumar called guesthouse worker Pradip Kumar to book a room for Sikander Kumar Yadavendu… On May 4, Pritam Kumar called Pradip Kumar again for booking the… pic.twitter.com/nG7UAFJTs7
— ANI (@ANI) June 20, 2024
સિન્હાએ જણાવ્યું કે, તેજસ્વી યાદવ માટે ‘મંત્રીજી’ શબ્દ વાપરવામાં આવ્યો હતો. આગળ જણાવ્યું કે, સિંચન વિભાગમાં તાત્કાલિક જુનિયર એન્જિનિયર સિકંદર યાદવેંદુ લાલુ યાદવ જ્યારે રાંચીની જેલમાં હતા ત્યારે તેમની સેવામાં રહેતા હતા અને ત્યાં તમામ વ્યવસ્થા કરતા હતા. તેઓ સિંચાઈ વિભાગમાં હતા, ત્યાંથી નગર વિકાસ વિભાગમાં લાવવામાં આવ્યા. તેજસ્વી યાદવે સ્પષ્ટ કરવું જોઈએ કે પ્રીતમ કુમાર હજુ પણ તેમના PS છે કે કેમ અને સિકંદર યાદવેંદુ કોણ છે તે પણ સ્પષ્ટ કરવું જોઈએ.
વિજય સિન્હા અનુસાર, સિકંદર યાદવેંદુ પ્રીતમ કુમારનો નજીકનો માણસ છે અને પ્રીતમ કુમાર તેજસ્વી યાદવનો PS છે. 4 મેના રોજ સિકંદર તેની બહેન રીના યાદવ અને તેના પુત્ર અનુરાગ યાદવ માટે NHAI ગેસ્ટહાઉસમાં રૂમ બુક કરાવ્યો હતો. ઉપરાંત, ગેસ્ટહાઉસ ડેરીમાં એક ફોન નંબર લખવામાં આવ્યો હતો અને સાથે ‘મંત્રીજી’ પણ લખવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, આ ‘મંત્રી’ કોણ છે તે હાલ તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ, NHAIએ કહ્યું છે કે તેમનું પટનામાં કોઇ ગેસ્ટહાઉસ નથી. X પર એક ટ્વિટ કરતાં લખવામાં આવ્યું કે, મીડિયામાં રિપોર્ટિંગ થઈ રહ્યું છે કે NEET પેપર લીકના આરોપીઓ પટનામાં NHAIના ગેસ્ટહાઉસમાં રહ્યા હતા. NHAI સ્પષ્ટ કરે છે કે તેનું પટનામાં કોઇ ગેસ્ટહાઉસ નથી.
#FactCheck: Some sections of the media have reported that accused related to NEET paper leak case stayed at #NHAI guest house in Patna. NHAI clarifies that it does not have any guest house facility in Patna.
— NHAI (@NHAI_Official) June 19, 2024
NEET UG પેપર લીક કેસ મામલે બિહાર પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં અનુરાગ યાદવ, નીતિશ કુમાર, અમિત આનંદ અને સિકંદર યાદવેંદુનો સમાવેશ થાય છે. અમિત આનંદને આ કેસનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવી રહ્યો છે. તેણે જ સિકંદરનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે તે કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર લીક કરી શકે છે. સિકંદરે પછીથી તેનો NEET UGનું પેપર માંગવા માટે સંપર્ક કર્યો હતો. જે માટે વ્યક્તિદીઠ ₹30-32 લાખનો સોદો થયો હતો. અમિતની સૂચના પર સિકંદર 4 ઉમેદવારોને હોટેલ રૂમમાં લઇ ગયો હતો, જ્યાં તેમને પેપર આપવામાં આવ્યાં હતાં.