એનડીટીવીએ હાલમાં જ અદાણી જૂથ પર આરઆરપીઆરના માલિકો પ્રણય રોય અને રાધિકા રોયને પૂછ્યા વિના શેર ખરીદવાનો આરોપ મૂક્યો હતો. હવે અદાણી જૂથે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને NDTV દ્વારા કરવામાં આવેલ દાવાને પાયાવિહોણા ગણાવ્યા છે.
અદાણી ગ્રૂપે 26 ઓગસ્ટના રોજ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “VCPL તારીખ 23 ઓગસ્ટ 2022ના રોજ RRPR તરફથી વોરન્ટ એક્સરસાઈઝ નોટીસનો જવાબ મળ્યો હતો, જેમાં 19,90,000 વોરંટને 19,90,000 ઈક્વિટી શેરમાં બદલવાનું જણાવવામાં આવ્યું હતું. NDTV દ્વારા 24 ઓગસ્ટ 2022ના પોતાના ડિસ્કલોઝરમાં પણ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
Adani gets back at NDTV, says in an exchange disclosure shares must be transferred as there is no regulatory restriction that applies to the NDTV founder entity. Roy entity must immediately perform its obligations, Adani argues, as battle for NDTV heats up. #AdaniVsNDTV pic.twitter.com/WBgrwWb7AJ
— Aditya Kalra (@adityakalra) August 26, 2022
VCPL (વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ)એ અદાણી ગ્રુપની પરોક્ષ સહાયક કંપની છે. બીજી તરફ, એનડીટીવીની પ્રમોટર કંપની RRPR હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે, જે પ્રણય રોય અને તેની પત્ની રાધિકા રોયની માલિકીની છે. RRPR પાસે NDTVમાં 29.18 ટકા હિસ્સો હતો, જે ખરીદવાને લઈને આ આખો મામલો ઉઠ્યો છે.
RRPRએ દાવો કર્યો હતો કે વોરંટને ઈક્વિટી શેરમાં રૂપાંતરિત કરવા માટે સેબીની લેખિત મંજૂરી જરૂરી છે. જોકે, અદાણીની સહાયક કંપની વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ (VCPL) એ RRPRના આ દાવાને ફગાવી દીધો છે.
VCPL કહે છે કે RRPR બજાર નિયમનકારી સંસ્થા સેબીના આદેશની પક્ષકાર નથી. તેથી સેબીના નિયંત્રણો તેને લાગુ પડતાં નથી. જાણવું જોઈએ કે સેબીએ પ્રણય રોય અને રાધિકા રોય પર સિક્યોરિટીઝમાં કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે.
કંપનીએ જણાવ્યું હતું કે, “VCPLએ કરાર હેઠળ વોરંટ એક્સરસાઇઝ નોટિસ જારી કરી છે, જે RRPR માટે બંધનકર્તા છે. તેથી આરઆરપીઆર તેના કરારમાં જે જણાવાયું છે તેનું પાલન કરવા બંધાયેલ છે.”
VCPL અહીં સ્પષ્ટપણે જણાવે છે કે વોરંટ એક્સરસાઈઝ પ્રણય રોય અને રાધિકા રોય પર સિક્યોરિટીઝના ટ્રાન્ઝેક્શન માટે લાદવામાં આવેલા સેબીના પ્રતિબંધોનું ઉલ્લંઘન કરતી નથી. આથી રેગ્યુલેટરી બોડી (સેબી)ની પૂર્વ લેખિત મંજૂરીની પણ જરૂર નહોતી.
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, “23 ઓગસ્ટ, 2022ના રોજ વોરંટ એક્સરસાઈઝ પર RRPRના 19,90,000 ઇક્વિટી શેર માટે રૂ. 1.99 કરોડ VCPL દ્વારા ચૂકવવાના હતા, જે VCPLએ ચૂકવી દીધા હતા અને RRPRને મળી ગયા હતા. જેથી RRPR દ્વારા મેળવવામાં આવેલી રકમ કે ઓરિજિનલ વોરંટ સર્ટિફિકેટ પરત કરવાનો કોઈ પણ પ્રયાસ VCPLની વોરંટ એક્સરસાઈઝ પર કોઈ કાયદાકીય અસર કરતા નથી.
અદાણી ગ્રુપે RRPR દ્વારા કરવામાં આવેલી દલીલોને પાયાવિહોણી, કાયદાકીય રીતે બિનજરૂરી અને સત્યથી વેગળી ગણાવી હતી. કંપનીએ જણાવ્યું હતું કે RRPR તેની જવાબદારીઓ પૂર્ણ કરવા અને વોરંટ એક્સરસાઈઝ નોટિસમાં ઉલ્લેખિત મુજબ તેને ઇક્વિટી શેર ફાળવવા માટે બંધાયેલ છે.
અદાણી ગ્રૂપે ખરીદ્યું NDTVહતું
ઉલ્લેખનીય છે કે હાલમાં જ AMG મીડિયા નેટવર્ક લિમિટેડ (AMNL)એ NDTVમાં પરોક્ષ રીતે 29.18% શેર ખરીદ્યા હોવાના સમાચાર આવ્યા હતા. આ ડીલ ‘વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ (VCPL)’ અને ‘RRPR હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડ’ દ્વારા કરવામાં આવી હતી. જ્યાં VCPL એ AMNLની સંપૂર્ણ 100% સબ્સિડરી કંપની છે અને RRPR એ NDTVની પ્રમોટર કંપની છે.
અદાણી જૂથ દ્વારા ભાગીદારી ખરીદવાના સમાચાર મળ્યા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઓ ચાલી કે અત્યાર સુધી અદાણી જૂથની ટીકા કરનાર NDTV હવે એ જ કંપની હેઠળ કામ કરશે. આ ચર્ચાઓ વચ્ચે NDTV ન્યૂઝ ચેનલે દાવો કર્યો હતો કે પ્રણવ રૉય અને રાધિકા રૉય પર સિક્યોરિટીઝના પ્રત્યક્ષ કે પરોક્ષ ખરીદ-વેચાણ પર સેબીએ 26 નવેમ્બર 2022 સુધી પ્રતિબંધ મૂક્યો છે. જેથી કંપનીના અધિગ્રહણ માટે સેબીની મંજૂરી જરૂરી છે.
આ ઉપરાંત, એનડીટીવીના સીઈઓ સુપર્ણા સિંહનું પણ નિવેદન સામે આવ્યું હતું. તેમણે દર્શકોએ ચેનલ પર વિશ્વાસ જાળવી રાખવા જણાવ્યું હતું અને સાથે જ એમ પણ કહ્યું હતું કે આ આખી ડીલ પ્રણવ રૉય અને રાધિકા રૉયની સહમતિ વગર થઇ છે.
તેમણે દાવો કર્યો હતો કે પતિ-પત્ની 32% હિસ્સા સાથે NDTVમાં સૌથી મોટા શેરધારકો તરીકે ચાલુ રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રણય રોય અને રાધિકા રોયને આ ડીલની જાણ જ ન હતી. કર્મચારીઓને મોકલવામાં આવેલા આંતરિક સંદેશમાં CEOએ આગળ નિયમનકારી અને કાયદાકીય પગલાં લેવાની પણ વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઈવેટ લિમિટેડ કંપની 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2009માં તેણે NDTVની હોલ્ડિંગ કંપની RRPRને 403.85 કરોડ રૂપિયાની લોન આપી હતી. બદલામાં, RRPRએ VCPLને વોરંટ જારી કર્યું હતું જે VCPLને RRPRમાં વોરંટને 99.9 ટકા ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવાની સત્તા આપે છે.
તે જ વર્ષે VCPL ને Shinano Retail Pvt Ltd તરફથી અસુરક્ષિત લોન મળી હતી. શિનાનો રિટેલ એ રિલાયન્સ ગ્રુપની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની હતી. હવે જ્યારે આ તમામ કરારોના દસ્તાવેજો સાર્વજનિક છે, જેથી એનડીટીવીને એ ખબર હતી કે તેને રિલાયન્સ ગ્રૂપ સાથે સંબંધિત જૂથ પાસેથી પૈસા મળી રહ્યા છે.