Tuesday, June 25, 2024
More
  હોમપેજરાજકારણNDA સંસદીય દળના નેતા ચૂંટાયા નરેન્દ્ર મોદી, બેઠકમાં સર્વાનુમતે પ્રસ્તાવ પસાર: નીતીશ-ચંદ્રબાબુએ...

  NDA સંસદીય દળના નેતા ચૂંટાયા નરેન્દ્ર મોદી, બેઠકમાં સર્વાનુમતે પ્રસ્તાવ પસાર: નીતીશ-ચંદ્રબાબુએ કહ્યું- તેઓ દેશસેવા કરતા રહે, અમે હંમેશા સાથે રહીશું

  પીએમ મોદી NDAના સંસદીય દળની બેઠકમાં શામેલ થવા પહોંચ્યા ત્યારે આખો સેન્ટ્રલ હોલ મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યો હતો. વડાપ્રધાન મોદીએ હોલમાં આવતાની સાથે જ સંવિધાનને માથે લગાવીને નમન કર્યું હતું.

  - Advertisement -

  લોકસભા ચૂંટણીઓ બાદ ફરી એક વાર NDA સરકાર બનાવવા જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી 9 જૂનના રોજ સાંજે 6 વાગ્યે ફરી એક વાર શપથ લઈને ત્રીજી વાર વડાપ્રધાન બનશે. તે પહેલાં શુક્રવારે (7 જૂન) જૂના સંસદ ભવન ‘સંવિધાન સદન’ના સેન્ટ્રલ હોલ ખાતે NDAના ચૂંટાયેલા સાંસદોની બેઠક મળી, જેમાં મોદીને ભારતીય જનતા પાર્ટી અને NDA સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા.

  નોંધનીય છે કે પીએમ મોદી NDA સંસદીય દળની બેઠકમાં સામેલ થવા પહોંચ્યા ત્યારે આખો સેન્ટ્રલ હોલ મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યો હતો. તેમણે હોલમાં આવતાંની સાથે જ બંધારણને માથે લગાવીને નમન કર્યું હતું. આ બેઠકમાં NDAના તમામ 293 સાંસદ, રાજ્યસભા સંસદ અને તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા. 

  બેઠકમાં ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાએ સ્વાગત સંબોધન કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંઘે ભાજપ અને NDA સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. પ્રસ્તાવને સમર્થન કરતાં અમિત શાહે કહ્યું કે, “આ પ્રસ્તાવ દેશની જનતાનું મન છે.” ત્યારબાદ કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ પણ પ્રસ્તાવને સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે , “પીએમ મોદીએ દેશને વિશ્વ શક્તિ બનાવવાનું કામ કર્યું છે. આવનારાં પાંચ વર્ષમાં દેશની શક્તિ વધશે.”

  - Advertisement -

  આ સાથે જ બેઠકમાં હાજર TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ પણ NDA સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામના પ્રસ્તાવને સમર્થન આપ્યું. સાથે જ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ પીએમ મોદીના નામને સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે, “અમારી પાર્ટી JDU પીએમ મોદીને ફરી વડાપ્રધાન પદ પર બેસાડવા સમર્થન આપે છે. કેટલીક બેઠકો જીતીને વિપક્ષ જે પ્રતિક્રિયા આપી રહ્યો છે, તેનો કોઈ અર્થ નથી અને આવનારા સમયમાં વિપક્ષનું અસ્તિત્વ નહીં રહે.” પોતાના વક્તવ્ય બાદ નીતીશ કુમારે વડાપ્રધાન મોદીના ચરણસ્પર્શ પણ કર્યા હતા. 

  NDAની બે મોટી સહયોગી પાર્ટીઓના પ્રમુખો ચંદ્રબાબુ નાયડુ અને નીતીશ કુમારે બેઠકમાં વડાપ્રધાન મોદીને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. તેમણે એકસૂરે કહ્યું કે, પીએમ મોદીએ છેલ્લાં 10 વર્ષમાં દેશની ખૂબ સેવા કરી છે અને આવનારાં વર્ષોમાં પણ સેવા કરતા રહેશે. બંને નેતાઓ અને અન્ય નેતાઓએ પણ પીએમ મોદીને સમર્થન જાહેર કરીને કહ્યું કે તેઓ હંમેશા તેમની સાથે રહેશે અને રાષ્ટ્રસેવા કરતા રહેશે. 

  દરમિયાન શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ PM મોદીના નામને સમર્થન આપ્યું હતું. તેમણે પણ PMને ત્રીજી વાર દેશની સુકાન સંભાળવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ચાર પંક્તિની કવિતા કહીને વડાપ્રધાન મોદીના નામને સમર્થન આપતાં કહ્યું હતું કે, ભાજપ અને બાળાસાહેબ ઠાકરેની શિવસેના એક જ વિચારધારા સાથે આગળ વધે છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ અને તેમની પાર્ટી પીએમ મોદીના દરેક કાર્યોમાં સમર્થન આપી દેશને આગળ વધારવામાં યોગદાન આપશે.

  લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ પાસવાન) સાંસદ ચિરાગ પાસવાને પણ વડાપ્રધાન મોદીના નામ પર સમર્થન આપ્યું હતું, તેમણે કહ્યું કે, “હું મારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવું છું, તમારા કારણે જ NDAને પ્રચંડ બહુમતી મળી છે. તેનો શ્રેય આપને જ જાય છે. સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવું તે સામાન્ય વાત નથી. તમે શહેર અને ગામડાઓનું અંતર ઘટાડ્યું છે. ભારતની જનતાને આપના પર પૂર્ણ વિશ્વાસ છે. હું અને મારી પાર્ટી આપના નામને સમર્થન આપીએ છીએ.”

  આ ઉપરાંત, જનસેના પાર્ટી પ્રમુખ પવન કલ્યાણ, NCP ચીફ અજીત પવાર, હિન્દુસ્તાની આવામ મોરચા પ્રમુખ જીતનરામ માંઝી, અપના દલ ચીફ અનુપ્રિયા પટેલ સહિતના નેતાઓએ પણ NDA સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામના પ્રસ્તાવને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. 

  હવે બેઠક પૂર્ણ થયા બાદ NDA નેતાઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચીને રાષ્ટ્રપતિ સમક્ષ સમર્થન પત્ર સોંપીને સરકાર બનાવવાનો દાવો કરશે. રાષ્ટ્રપતિના આમંત્રણ પર વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ આગામી 9 જૂનના રોજ શપથગ્રહણ કરશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં