Wednesday, May 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટNCP સાંસદ મોહમ્મદ ફૈઝલે પૂર્વ કેન્દ્રીય મંત્રીના જમાઈ પર ટોળા સાથે કર્યો...

    NCP સાંસદ મોહમ્મદ ફૈઝલે પૂર્વ કેન્દ્રીય મંત્રીના જમાઈ પર ટોળા સાથે કર્યો હતો હુમલો, 10 વર્ષની જેલ થયા બાદ હવે લોકસભાનું સભ્યપદ પણ રદ

    સાંસદને અન્ય ત્રણ લોકો સાથે હત્યાના પ્રયાસના કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. તેમણે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. એમ સઈદના જમાઈ પર હુમલો કર્યો હતો.

    - Advertisement -

    લક્ષ્યદ્વીપથી સાંસદ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) સાંસદ મોહમ્મદ ફૈઝલની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે. સાંસદ ફૈઝલ હત્યાના પ્રયાસના આરોપસર જેલમાં સજા કાપી રહ્યા છે. જેને લઈને શુક્રવારે લોકસભા સચિવાલયે એક અધિસૂચના જારી કરીને તેમનું સભ્યપદ રદ કરવા માટેનો આદેશ કર્યો હતો. 

    આ મામલો 2009નો છે. સાંસદને અન્ય ત્રણ લોકો સાથે હત્યાના પ્રયાસના કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. તેમણે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. એમ સઈદના જમાઈ પર હુમલો કર્યો હતો. પછીથી આ મામલે FIR દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. 

    વધુ વિગતો એવી છે કે, મોહમ્મદ ફૈઝલે અન્ય કેટલાક લોકો સાથે મળીને પી. એમ સઈદના જમાઈ મોહમ્મદ સાલિયાહ ઉપર હુમલો કરી દીધો હતો, જેના કારણે સાલિયાહને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને કેરળની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને મહિનાઓ સુધી સારવાર મેળવવી પડી હતી. 

    - Advertisement -

    ઘટના બાદ મોહમ્મદ ફૈઝલ સહિતના લોકો સામે આઇપીસીની વિવિધ કલમ હેઠળ હત્યાના પ્રયાસના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો હતો. FIRમાં કુલ 32 આરોપીઓનાં નામો હતાં, પરંતુ તપાસ અને કેસ ચાલ્યા બાદ પહેલા ચારને દોષી ઠેરવવામાં આવ્યા હતા. જેમાં NCP સાંસદનું નામ બીજું છે. 

    સુનાવણી દરમિયાન આરોપીઓએ દલીલ મૂકી હતી કે આ હત્યાનો પ્રયાસ નહીં પરંતુ સામાન્ય ઝઘડો હતો. પરંતુ કોર્ટે પીડિતના મેડિકલ રિપોર્ટ્સ અને હોસ્પિટલમાં મહિનાઓ સુધી લીધેલી સારવારને ધ્યાને લઈને આ દલીલ ફગાવી દીધી હતી. 

    સાંસદ મોહમ્મદ ફૈઝલ સામે પાંચ વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે તેમને આઇપીસીની 143, 147, 148, 448, 427, 324, 342, 307, 506 અને 149 હેઠળ દોષી ઠેરવ્યા હતા અને 10 વર્ષની સજા સાથે 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટના આદેશ બાદ NCP સાંસદની લોકસભાની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે.

    હાલ તેમને કેરળના કુન્નુરની સેન્ટ્રલ જેલમાં લઇ જવામાં આવ્યા છે. બીજી તરફ, તેમણે કેરળ હાઇકોર્ટમાં આ ચુકાદા સામે અપીલ કરી છે પરંતુ હાઇકોર્ટે આ નિર્ણય પર રોક લગાવવાનો ઈનકાર કર્યો છે. 

    47 વર્ષીય મોહમ્મદ ફૈઝલ 2014થી લક્ષ્યદ્વીપ લોકસભા બેઠક પરથી સાંસદ છે. તેઓ શરદ પવારની પાર્ટી એનસીપીની ટિકિટ પર લડીને જીત્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં