બોલિવુડમાં અંગ્રેજી ભાષાને અપાતા વધુ પડતા મહત્વ અને હિંદીને અવગણવાને લઈને અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પ્રહારો કર્યા છે. ટાઈમ્સ નાઉ દ્વારા આયોજિત એક કોન્કલેવમાં બોલતી વખતે નવાઝુદ્દીન સિદ્દીકી આ બાબતોને લઈને બોલ્યા હતા.
બોલિવુડના બેવડાં ધોરણો અંગે વાત કરતા નવાઝુદ્દીન સિદ્દીકી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ડાયરેક્ટરો અને પ્રોડ્યુસરો ફિલ્મ હિંદીમાં બનાવે છે પરંતુ સેટ પર વાત અંગ્રેજીમાં કરે છે. એટલું જ નહીં, સ્ક્રીપ્ટ રાઈટર, કોસ્ચ્યુમ ડિઝાઈનર, પ્રોડક્શન ડિઝાઈનર અને સ્ક્રીન રાઈટર પણ અંગ્રેજીમાં વાતો કરે છે. ઘણીવાર તેઓ એક જ મુદ્દાને લઈને ચર્ચા કરતા હોવા છતાં એકબીજાને સમજી શકતા નથી. તેમાં અભિનેતા પણ મૂંઝાઈ જાય છે અને આખરે તેના કામ પર પણ અસર પડે છે.
આ ઉપરાંત, તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવા ફેરફારો ઈચ્છે છે ત્યારે તેમણે કહ્યું હતું કે, “દરેક વ્યક્તિએ સૌથી પહેલું અને સૌથી મહત્વનું કામ તેને હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કહેવાનું કરવું જોઈએ. વ્યવહારિક જીવનમાં જ જો કોઈ હિંદી બોલતું ન હોય તો હિંદી ફિલ્મ બનાવવાનો શો અર્થ છે?” અભિનેતાના ઇન્ટરવ્યૂનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
“Aap Hindi mein film bana rahe ho lekin director bhi assistance bhi saare english mein baatein kar rahe ho” #NawazuddinSiddiqui
— Bollywoodirect (@Bollywoodirect) April 25, 2022
Courtesy- TimesNow NavBharat pic.twitter.com/E94N3wrltr
તેમણે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સરખામણી તમિલ કે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે કરી હતી અને કહ્યું હતું કે, આ ફિલ્મો સારું પ્રદર્શન કરી શકે છે કારણ કે તેઓ પોતાની સ્થાનિક ભાષામાં સંવાદ કરે છે. ડાયરેક્ટર, પ્રોડ્યુસર, મેક-અપ આર્ટિસ્ટથી માંડીને સ્ક્રીનરાઈટર વગેરે જે ભાષામાં ફિલ્મ બનતી હોય તે જ ભાષામાં વાતો કરે છે. જેના કારણે જે-તે પ્રોજેક્ટ પર કામ કરતા દરેક વ્યક્તિને પ્રોજેક્ટની વિગતો સમજવામાં સરળતા રહે છે. જેના કારણે સર્જનાત્મકતાની દ્રષ્ટિએ પણ ફિલ્મ સારું પ્રદર્શન કરે છે.
નવાઝુદ્દીને કહ્યું કે, હિંદી ફિલ્મોના અભિનેતાઓને અપાતી સ્ક્રીપ્ટ રોમન અક્ષરોમાં છપાયેલી હોય છે. તેમણે કહ્યું કે, તેના સ્થાને દેવનાગરીમાં લખાયેલી સ્ક્રીપ્ટ હોવી જોઈએ કારણ કે તે ભારતની ઘણી ભાષાઓ માટે સામાન્ય લિપી છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, થીએટરોમાંથી આવતા કે શહેરી પૃષ્ઠભૂમિમાંથી ન આવતા ઘણા પ્રતિભાશાળી કલાકારો આધુનિક અંગ્રેજી બોલી શકતા નથી. જો સેટ પર દરેક વ્યક્તિ હિંદીમાં જ વાતચીત કરે તો અભિનેતા માટે અભિનયની દ્રષ્ટિએ તેના માટે શું જરૂરી છે તે સમજવું સરળ રહેશે.
ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે ફિલ્મો રાજકીય સાધન બની ગઈ છે કે નહીં તે પ્રશ્ન અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, ફિલ્મ એ ફિલ્મ છે. વિવિધ પ્રકારની ફિલ્મો બનતી રહી છે અને ભવિષ્યમાં પણ બનશે. પ્રેક્ષકો પર આધાર રાખે છે કે તેઓ ફિલ્મને કઈ રીતે લે છે અને સમજે છે. તેમણે એમ પણ કહ્યું કે, તાજેતરમાં જે ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી છે તેનાથી તેઓ નિરાશ છે.
અહીં નોંધવું જોઈએ કે, ગૃહમંત્રી અમિત શાહે પણ ગત 9 એપ્રિલના રોજ અંગ્રેજીને સ્થાને હિંદીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમને કહ્યું હતું કે, વિવિધ રાજ્યોના લોકોએ એકબીજા સાથે અંગ્રેજીને સ્થાને હિંદીમાં વાતચીત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, જ્યારે રાજ્યોના લોકો એકબીજા સાથે વાતચીત કરે ત્યારે તે ભારતીય ભાષામાં થવી જોઈએ.”