પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં આવેલ એક ચર્ચમાં ચાલતા કાર્યક્રમમાં લાઉડસ્પીકરના મોટા અવાજ સામે અને હિંદુવિરોધી ભાષણ આપવાનો આરોપ લગાવી સ્થાનિક હિંદુ સંગઠનના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થળ પર અધિકારીઓ પહોંચ્યા બાદ મામલો શાંત પડી શક્યો હતો.
રિપોર્ટ્સ અનુસાર, નર્મદાપુરમમાં આવેલ સેન્ટ જ્યોર્જ ચર્ચમાં ત્રણ દિવસથી એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. કાર્યક્રમમાં લાઉડસ્પીકરના વધુ અવાજને લઈને વિસ્તારના સ્થાનિક લોકોએ અવાજ ઉઠાવ્યો હતો. દરમ્યાન, શનિવારે ચર્ચની સામે રહેતા એક વ્યક્તિએ અવાજ ધીમો કરવા માટે કાર્યક્રમ સ્થળ પર પહોંચીને ચર્ચના સંચાલકોને વિનંતી કરી હતી પરંતુ તેમણે આંખ આડા કાન કરીને અવાજ ઓછો કર્યો ન હતો.
ચર્ચનો અવાજ ધીમો કરવા માટે વિનંતી કરવા ગયેલા વ્યક્તિ અભી જૈને કહ્યું કે, તેમના પરિવારના સભ્યની તબિયત ખરાબ છે અને વધુ અવાજથી તેમને તકલીફ થાય છે. ચર્ચમાં મોટા અવાજે સ્પીકરો વાગી રહ્યા હતા, જેને બંધ કરાવવા માટે હું ગયો હતો પરંતુ તેઓ માન્યા નહીં અને વિવાદ શરૂ કરી દીધો.
રિપોર્ટ અનુસાર, થોડીવાર બાદ ત્યાં હિંદુ સંગઠનના લોકો પહોંચી ગયા હતા અને વિરોધ કરવાનો શરૂ કર્યો હતો તેમજ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. હિંદુ સંગઠનોએ એમ પણ કહ્યું કે, ચર્ચમાં હિંદુ ધર્મ વિરોધી વાતો કરવામાં આવી રહી છે.
જોકે, મામલો બિચકતાં પ્રશાસનના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. આખરે, પોલીસ આવતાં ચર્ચના સંચાલક રૉબિને માફી માંગી હતી, જે બાદ મામલો શાંત પડ્યો હતો.
હિંદુ સંગઠન તરફથી નિતેશ ખંડેલવાલે જણાવ્યું હતું કે, યુવકના પિતાની તબિયત સારી રહેતી નથી અને તેથી તેઓ સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઓછો કરવા માટે વિનંતી કેવો ગયા હતા. પરંતુ ચર્ચના લોકોએ અવાજ ઓછો કરવાનો ઇનકાર કરી દીધો અને સાથે એમ પણ કહ્યું કે, તમે પણ તમારા તહેવારોમાં જોર-જોરથી અવાજ કરો છો.
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હિંદુ સંગઠનના લોકોએ વિરોધ કર્યો હતો અને સાઉન્ડ સિસ્ટમનો અવાજ ઓછો કરવાને લઈને વિવાદ શરૂ થયો હતો. આખરે અવાજ ઓછો કરવાની વાત પર સહમતી બનાવી મામલો શાંત કરવામાં આવ્યો. પોલીસે દાવો કર્યો કે, તેમને ધર્માંતરણની ફરિયાદ મળી હતી પરંતુ ત્યાં કંઈ મળ્યું ન હતું. ચર્ચમાં ત્રણ વર્ષમાં એક વખત આ પ્રકારનું આયોજન થતું હોવાનું તેમણે જણાવ્યું હતું.