વડોદરાના અતિ સંવેદનશીલ ગણાતા બાવામાનપુરામાં મુસ્લિમો દ્વારા પોતાના જ સમુદાયની એક મહિલાના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તેમનો આરોપ છે કે આ મહિલા તેની સમસ્યાનું સમાધાન મેળવવા હિંદુ ધાર્મિક વિધિમાં સંમેલિત થઇ હતી. જેના કારણે બાવામાનપુરાના મુસ્લિમ અગ્રણીઓએ મહિલાને પરિવાર સહિત મસ્જિદ તેમજ સ્થાનિક દરગાહ અને કબ્રસ્તાનમાં ન જવા માટે ફરમાન આપ્યું છે. આટલું જ નહીં આ મહિલાના પરિવારનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાના બાવામાનપુરામાં રહેતા આરિફ ગુલામ મહોમ્મદ મન્સૂરી મકાન ઉતારવાનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આરિફના પત્ની બીમારીના કારણે છેલ્લાં 4 વર્ષથી પથારીવશ છે. અનેક સારવાર અને દરગાહોમાં ઇલ્મ કરાવ્યા બાદ પણ તેમની પત્નીના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નહોતો આવ્યો. તેવામાં વિસ્તારમાં રહેતા હિંદુ સમાજ દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિ વિશે તેમને જાણ થતાં તેમના પરિવારના કેટલાક લોકો આ વિધિમાં સામેલ થયા હતા. આ વિધિમાં જોડાઈને આ પરિવારે બીમારી પીડિત સભ્યના સ્વાસ્થ્ય માટે પૂજા-પ્રાર્થના કરી હતી.
પરંતુ આ પરિવાર નહોતો જાણતો કે હિંદુ ભગવાનમાં આસ્થા રાખવી તેમના સમાજના લોકોને કઠી જશે. બાવામાનપુરાના મુસ્લિમ અગ્રણીઓને જ્યારે આ વાતની જાણ થઇ કે તેમના સમુદાયનો એક પરિવાર હિંદુ ધાર્મિક અનુષ્ઠાનમાં સંમેલિત થયો હતો, કે તરત જ તેઓ ભડકી ઉઠ્યા હતા. ભડકેલા અગ્રણીઓએ તાત્કાલિક ધોરણે એક મિટિંગ બોલાવી હતી અને આ બીમાર મહિલા અને તેના આખા પરિવારના બહિષ્કાર કરવાનું ફરમાન જાહેર કરી દીધું હતું.
‘ઇનકા બોયકોટ કરો, સુખદુખમેં મહોલ્લેવાલા કોઈ નહીં જાયેગા, દૂધકી કોથળી ભી નહીં લેને દેનેકી’: મુસ્લિમ કોમના અગ્રણી બફાતીશા દિવાન
દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર મુસ્લિમ પરિવારના હિંદુ ધાર્મિક વિધિમાં જોડાવાથી ‘ખફા’ થયેલા મુસ્લિમ કોમના અગ્રણી બફાતીશા દિવાને જણાવ્યું હતું કે, “ઉન લોગોકે (હિંદુઓ) ઘર મેં જાકે ડીજે બજાયા ઓર વિધિ કરી, જિસસે અપને સમાજ કી લાગણી દુભાઈ હૈ. ફિર સબ લોગ ઇકઠ્ઠે હુવે ઓર ચર્ચા કરી કે ઇન લોગો કા કરના ક્યા હૈ. ઇનકા સામાજિક બહિષ્કાર કરના હૈ ઇનકે સુખદુખ મેં મહોલ્લે કા કોઈ નહીં જાયે. ઇનકા બોયકોટ કરના હૈ, દૂધકી કોથળી ભી નહીં લેને દેને કી. પોલીસ કા ભી દબાણ આયા ઇસલિયે જાહેર પોગ્રામ નહીં કિયા.”
અમને હિંદુ બનવા મજબુર કરી રહ્યા છે આ લોકો: પીડિત આરિફ મન્સૂરી
બીજી તરફ બહિષ્કારનો સામનો કરી રહેલા પણ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “મારી બીવી છેલ્લા 4 વર્ષથી બીમાર છે અને અત્યારે પણ પથારીવશ છે. તેની ડૉક્ટરી સારવાર પણ ચાલી રહી છે. પણ તેની તબિયતના ઝડપી સુધારા માટે અમે મોહમ્મદ તળાવ પાસે હિંદુ સમાજની ધાર્મિક વિધિમાં ગયાં હતાં. જે બાદ અમારા અગ્રણી બફાતીશા દિવાનને આ વિશે જાણ થતાં તેમણે અમને મળવા બોલાવ્યા હતા. તેમણે અમને કહ્યું હતું કે તમારે હવે મસ્જિદ, દરગાહ કે કબ્રસ્તાનમાં પ્રવેશવું નહીં. આવા સંજોગોમાં આ લોકો અમને હિંદુ બની જવા માટે મજબુર કરી રહ્યા છે.”
ઉલ્લેખનીય છે કે પીડિત પરિવારના હિંદુ ધાર્મિક વિધિમાં જવાથી નારાજ થયેલા મુસ્લિમ અગ્રણીઓએ તાત્કાલિક મીટીંગ બોલાવી હતી. આ મીટીંગમાં બફાતીશા દિવાન ઉપરાંત સાજીદ બેકરીવાળા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે આ મીટીંગમાં ચર્ચા કરી હતી કે આ મહિલા અને તેનો પરિવાર બીમારી દૂર કરવા દરગાહની જગ્યાએ હિંદુ વિધિમાં જઈને આપણી કોમનું ‘હલકું’ દેખાડ્યું છે. ભેગા થયેલા ‘ખફા’ આગેવાનોએ આ મિટિંગમાં નિર્ણય લીધો હતો કે આ આખા પરિવારનો બહિષ્કાર કરી દેવામાં આવે. સાથે જ પીડિત પરિવારને મસ્જિદ, દરગાહ તેમજ કબ્રસ્તાનમાં ન જવા દેવાનું ફરમાન પણ જાહેર કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ મીટીંગમાં ધાર્મિક વિધિ કરનાર હિંદુ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો.